વિશ્વવિદ્યાલયો વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર અને મનુષ્ય નિર્માણના કેન્દ્રો છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી - At This Time

વિશ્વવિદ્યાલયો વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર અને મનુષ્ય નિર્માણના કેન્દ્રો છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી


*વિશ્વવિદ્યાલયો વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર અને મનુષ્ય નિર્માણના કેન્દ્રો છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
-----------
*જ્ઞાન - શિક્ષણ જ મનુષ્ય અને પશુ; બન્નેને અલગ પાડે છે : ઋષિ-મનીષીઓના જ્ઞાનવારસાને દેશના વિવિધ વિશ્વવિદ્યાલયો આગળ ધપાવી રહ્યા છે*
-----------
*વિશ્વવિદ્યાલયોમાં મેળવેલું જ્ઞાન વિદ્યાર્થીઓ સમાજશ્રેયાર્થે વાપરે : શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા*
--------------
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સોમનાથ ખાતે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો તૃતિય પદવીદાન સમારોહ યોજાયો*
--------------------
*૫૦,૩૨૩ વિદ્યાર્થીઓને પદવી અને ૭૨ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત*
---------------------
*શ્રી ડૉ. મહાદેવપ્રસાદ મહેતા અને શ્રી પાંચાભાઇ દમણિયાને ડી.લીટની માનદ્ પદવી અપાઈ*
--------------------
ભારતના ઋષિ-મનીષીઓના જ્ઞાનવારસાને આજે દેશના વિવિધ વિશ્વવિદ્યાલયો આગળ ધપાવી રહ્યા છે. આ વિશ્વવિદ્યાલયો વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર અને મનુષ્ય નિર્માણના કેન્દ્રો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના તૃતિય પદવીદાન સમારોહમાં દિક્ષાંત પ્રવચન આપતાં કહ્યું હતું કે, તત્વતઃ જ્ઞાન અથવા શિક્ષણ જ છે જે મનુષ્ય અને પશુ; બન્નેને અલગ પાડે છે. પ્રકૃતિએ બનાવેલા બન્ને સર્જનોમાં મનુષ્યની શ્રેષ્ઠતા જ્ઞાનના કારણે જ છે. વિશ્વવિદ્યાલયો આ જ્ઞાનસાધનાના વાહક છે. વિદ્યાર્થીઓમાં જ્ઞાનનો પ્રકાશ પાથરવાનું કામ યુનિવર્સિટીના માધ્યમ થકી થઈ રહ્યું છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સોમનાથ મંદિર પાસે આવેલ શ્રી રામમંદિર ઑડિટોરિયમમાં આજે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો તૃતિય પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજો અને અનુસ્નાતક ભવનોમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી.નો અભ્યાસ પૂર્ણ કરનાર ૫૦,૩૨૩ વિદ્યાર્થીઓને ડિગ્રી, ૭૨ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક અને ૧૪૬ વિદ્યાર્થીઓને પીએચ.ડીની પદવી એનાયત કરવામાં આવી હતી. આ સાથે એક ડિ.લીટ. અને એક ડિ.એસસી.ની માનદ પદવી પણ એનાયત કરવામાં આવી હતી.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત ઉદબોધનમાં પરાપૂર્વના કર્મબંધનોની વાત કરીતાં કહ્યું હતું કે, પૃથ્વી પર જ્યારે મનુષ્યરૂપે અવતાર લીધો છે ત્યારે પરભવના ઋણ ચૂકવવાનો અવસર મળ્યો છે, તેમ માનીને ધરતી પર પર્યાવરણનું પ્રદૂષણ અટકે અને ધરતી પહેલાં હતી એવી જ બની રહે તેવું દાયિત્વ દરેક મનુષ્યએ નિભાવવું જોઈએ. કોરોનાકાળમાં-એક મહિનાના લૉકડાઉન દરમિયાન વગર પ્રયત્નોએ ગંગા-જમનાના જળ શુધ્ધ થયાં હતાં, જંગલો ફરીથી પશુપક્ષીઓથી ધબકતાં થયાં હતાં. જેનો અર્થ એ છે કે, આપણે આપણાં વિચારો, સંસ્કૃતિ અને ખાન-પાનની આદતના કારણે તેને કલુષિત કર્યાં છે. યુનિવર્સિટી દ્વારા મેળવેલા જ્ઞાનના આધારે આ ગરબડને દૂર કરવાની નિતાંત આવશ્યકતા તેમણે આ પ્રસંગે વર્ણવી હતી.

રાજ્યપાલશ્રીએ ભારતીય પરંપરામાં સોળ સંસ્કારોના સિંચનની વાત કરવામાં આવી છે, તેનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, દુનિયામાં આજે જ્યારે સત્ય પર બુરાઈનું આધિપત્ય વધવા લાગ્યું છે. ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક જોવા મળે છે ત્યારે આપણે મેળવેલા જ્ઞાનથી સમાજમાં ફેલાયેલી આ બદીઓને દૂર કરવાની આપણી સામૂહિક જવાબદારી છે.

પહેલાંના સમયમાં અધ્યાપકોની પ્રજ્જવલિત ચિરાગ, પવિત્રતાની મૂર્તિ અને પ્રેરણા માનીને વિદ્યાની પૂજા થતી હતી, તેવા જ્ઞાનવારસાનું પુનઃસ્થાપન કરવાની આજે જરૂર છે. યુનિવર્સિટીમાંથી નીકળેલો વિદ્યાર્થી રાષ્ટ્ર માટે એક ધરોહર બને, એક પૂંજી બની રહે અને સમાજ પ્રત્યે સમર્પિત જીવન વ્યતિત કરે તે જરૂરી છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, આજે સૌના મન સંકિર્ણ થતાં જાય છે. શિક્ષણ માત્ર પૈસા કમાવવાનું માધ્યમ માનવામાં આવી રહ્યું છે. સૌ પોતાના અધિકારોની વાત કરે છે. તેવા સમયે પોતાના કર્તવ્યધર્મને નિભાવી રાષ્ટ્રનિર્માણ માટે સંકલ્પબદ્ધ થવાની શક્યતા છે.

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં મોટી સંખ્યામાં દીકરીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યાં હતાં, આ જોઈને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજના બદલાયેલા પરિદ્રશ્ય પ્રત્યે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ભૂતકાળમાં વિદેશી આક્રાંતાઓના કારણે કઈ રીતે મહિલાઓનું દમન કરી શિક્ષણથી વંચિત રાખી ઘરની ચાર દિવાલોની અંદર દબાવી દેવામાં આવી હતી. તેના ઉદાહરણો સાથે ભૂતકાળ તાદ્રશ્યરૂપે રજૂ કર્યો હતો. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી છે. ફાઈટર પ્લેન ઉડાવવા સુધીની સિદ્ધિઓ મહિલાઓએ મેળવી છે અને હવે તો નેશનલ ડિફેન્સ એકેડમીમાં પણ મહિલાઓના પ્રવેશ માટેના દ્વાર ખૂલી ગયાં છે, તેવી મોકળાશ આ દેશમા ઉભી થઈ છે. તેની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ - ૨૦૪૭ પહેલાં ભારતને વિકસિત બનાવવા માટેના આહ્નાનને ઝીલી આજના વિદ્યાર્થીઓ સુરક્ષિત અને મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે કટિબદ્ધ થાય તેવી ખેવના પણ રાજ્યપાલશ્રીએ વ્યક્ત કરી હતી. રાજ્યપાલશ્રીએ પરોપકાર, દયા-ભાવના અને અનુકંપાના ભાવ સાથે સમાજને આગળ વધારવા, દેશની પરંપરાને આગળ વધારવા માટે ઉત્તિર્ણ થયેલા અથવા શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરેલા વિદ્યાર્થીઓ આગળ આવે તે માટે અનુરોધ કર્યો હતો.

શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ આજે વિદ્યાર્થીઓ માટે ડિગ્રી પ્રાપ્ત કરવાનો ઉત્સવ છે. તેમણે અહીંયા મેળવેલું જ્ઞાન સમાજશ્રેયાર્થે વાપરે તે માટે ઉપસ્થિત વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. ભક્ત કવિ નરસિંહ મહેતા દ્વારા ગવાયેલા અને સમાજમાં શાશ્વત રૂપે આજે પણ ગવાતા ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ...’ ને ધ્યાનમાં રાખીને પરપીડાને પોતાની પીડા સમજે તેવા વિદ્યાર્થીઓનું સર્જન કરવું તે આજના સમયની માંગ છે, તેમ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે, જ્ઞાનની હંમેશા પૂજા થવી જોઈએ. આ માટે તેમણે નચિકેતા અને સ્વામી વિવેકાનંદના ઉદાહરણ આપીને મૂલ્યનિષ્ઠ જીવન કેવી રીતે જીવી શકાય અને વિદ્યાર્થીઓએ મેળવેલી ડિગ્રીને જ્ઞાનના પ્રકાશથી નવો રંગ કેવી રીતે ચડાવી શકાય તે વિશે વિસ્તૃત સમજણ આપી હતી.

સમાજમાં સત્યનું આચરણ થાય, સામાજીક સમરસતા જળવાય તેવા કર્તવ્યનું નિર્વહન કરે તેવા તેજસ્વી-ઓજસ્વી અને હિંમતવાન વિદ્યાર્થીઓનું નિર્માણ આવી યુનિવર્સિટીઓના માધ્યમથી થઈ રહ્યું છે. તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પી. કે. લહેરીએ વિદ્યાર્થીઓને સંદેશો આપતાં જણાવ્યું હતું કે, ‘નહીં માફ નીચું નિશાન’ની ઉક્તિ અનુસરીને હંમેશા ઉંચા વિચાર રાખશો અને પ્રયત્ન કરશો તો ધાર્યું લક્ષ્ય મેળવી શકશો. શિક્ષિત બની અને હંમેશા માનવીય સંવેદનાને અનુસરવી જોઈએ. આ યુનિવર્સિટી સાથે ભક્તકવિ નરસિંહ મહેતાનું નામ જોડાયેલું છે. જેમના પ્રભાતિયાથી ગામેગામની સવાર પડતી હતી. તેમનો સંસ્કાર વારસો આ નવી પેઢીમાં ઉતરવો જોઈએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આદ્યાત્મ અને કૃષ્ણશૃંગારની ભક્તિ કરી છે એવા નરસિંહ મહેતાનું જીવન આપણા સૌ માટે પ્રેરણારૂપ છે. શિસ્ત અને સંયમથી જ જીવનમાં સફળતા મેળવી શકાય છે. આપણે જે પ્રાપ્ત કર્યું છે તેને આગળની પેઢીને આપવું જોઈએ એવો સંદેશો તેમણે વિદ્યાર્થીઓને આપ્યો હતો.

સ્વાગત પ્રવચન કરતાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના આંગણે આજે આ સમારોહ ઉજવાઈ રહ્યો છે, જે આપણા સૌ માટે ગર્વની વાત છે. આ સાથે જ તેમણે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા શૈક્ષણિક કાર્યોની વિગતો રજૂ કરી ગીર સોમનાથ જિલ્લાના બે મહાનુભાવોને પ્રથમવાર ડિ.લીટ અને ડી.એસસી.ની પદવી એનાયત કરવામાં આવી રહી છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં તૃતિય પદવીદાન સમારોહમાં ૭૨ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક અને ૧૪૬ વિદ્યાર્થીઓને પીએચ.ડીની ડિગ્રી સહિત ૫૦,૩૨૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં આર્ટસ વિભાગનાં ૧૯,૦૦૯, કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગનાં ૧૫,૬૪૫, એજ્યુકેશન વિભાગનાં ૪,૫૬૭, લૉ વિભાગનાં ૧,૩૧૧, રૂરલ સ્ટડીઝ વિભાગમાં ૧,૪૦૪, સાયન્સ વિભાગમાં ૭,૩૪૩, મેડીસીન વિભાગમાં ૮૬૯ અને એક્સર્નલ ૧૦ અને પીએચ.ડીનાં ૧૪૬ વિદ્યાર્થી મળીને કુલ ૫૦,૩૨૩ પદવી ધારકોને પદવી એનાયત કરવામાં આવી હતી.

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આ વર્ષે બે વ્યકિતને ડી.લીટ. ની પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં તાલાળા તાલુકાના ઉમરેઠી ગામના વતની અને પ્રસિદ્ધ કથાકાર શ્રી મહાદેવપ્રસાદ મહેતાને સંસ્કૃત અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે તેમજ ઉનાના શ્રી પાંચાભાઇ દમણિયાને આયુર્વેદ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન માટે ડી.એસસી.ની પદવી એનાયત કરવામાં આવી હતી. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલસચિવ શ્રી ડૉ. ડી.એસ.સુખડિયાએ આભારવિધિ કરી હતી.

આ સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાન્તકુમાર સેનાપતિ, અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સાથે જ ૧૧ વિવિધ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, પ્રાદ્યાપકશ્રીઓ, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
--------------------


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.