ગીર સોમનાથ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીમાં મહિલાઓ પણ અગ્રેસર - At This Time

ગીર સોમનાથ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીમાં મહિલાઓ પણ અગ્રેસર


ગીર સોમનાથ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીમાં મહિલાઓ પણ અગ્રેસર
--------
ચિત્રાવડના ફરઝાનાબહેન સોરઠિયા પ્રાકૃતિક ડ્રેગન ફ્રુટનું વાવેતર કરી બન્યા લખપતિ
---------
પ્રાકૃતિક ડ્રેગન ફ્રૂટની સાથે મિક્ષ પાકોનું વાવેતર કરી ઓછા ખર્ચે વધુ આવક મેળવી
-----------
ગીર સોમનાથ તા.૦૯: ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે. જેમાં મહિલાઓ પણ સહભાગી બની અને પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે વધુ આવક મેળવી રહી છે. ચિત્રાવડના ફરઝાનાબહેન સોરઠિયાએ પોતાની જમીનમાં પ્રાકૃતિક ડ્રેગન ફ્રુટનું વાવેતર કરી ઓછા ખર્ચે વધુ આવક મેળવી છે.

તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામના ફરઝાનાબહેન સલીમભાઇ સોરઠિયાએ પોતાની બે એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થકી ડ્રેગન ફ્રુટનું વાવેતરની સાથે મિક્ષ પાકોનું વાવેતર કરી સારુ એવું ઉત્પાદન મેળવી લખપતિ બન્યા છે.

ફરઝાનાબેન જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીની શરૂઆત વર્ષ ૨૦૧૭થી ડ્રેગન ફ્રૂટ (કમલમ)થી કરી હતી અને સાથે બીજા પાકો જેવા કે, મગફળી, ધાણા મકાઇ, જુવાર સહિત મિશ્ર પાકોનું વાવેતર કર્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું કે, ૧૦ વર્ષ પહેલા પતિ કમાવા માટે આફ્રિકા રહ્યાં હતાં જેથી ખેતીની બધી જવાબદારી મારા ઉપર આવી પડી હતી. પરંતુ પતિ સલિમ કાસમ સોરઠિયા વિદેશ હોવા છતાં અહીંના ખેતી ગૃપો તેમજ બીજા સોશિયલ માધ્યમો દ્વારા સતત માર્ગદર્શન મળતું રહ્યું હતું.

ટૂંકી ખેતી હોવાથી અને રાસાયણિક ખેતીમાં ઉત્પાદન ઓછું મળતું હોવાથી પિયતનો પ્રશ્ન જટિલ થતો જતો હતો. આ સાથે જ ખેતીનો ખર્ચ વધી જતા પ્રાકૃતિક ખેતી કરવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી મેળવી હતી.

ફરઝાનાબહેને બે એકર જમીનમાં ડ્રેગન ફ્રૂટ (કમલમ)નું વાવેતર કર્યું હતું. જેમાં ગુલાબી, લાલ, પીળા સહિતની વેરાયટીના ડ્રેગન ફ્રુટનું વાવેતર કર્યું હતું. આ સાથે જ મગફળી, સૂર્યમુખી, તુવેર, ચણા, ધાણા, મકાઇ, જુવાર વગેરે જેવા મિશ્ર પાકોનું ઉત્પાદન લીધું હતું. જેથી ફરઝાનાબહેન હવે સારી એવી આવક મેળવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક ખેતી થકી કરેલા વાવેતરમાં પાકને ટપક સિંચાઇ પદ્ધતિથી પિયત આપવામાં આવે છે. તેમજ જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર સહિતનો ઉપયોગ કરી પાકમાં આવતા રોગને અટકાવવામાં આવે છે.

૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.