ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછારની અધ્યક્ષતામાં ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી થઈ - At This Time

ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછારની અધ્યક્ષતામાં ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી થઈ


ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછારની અધ્યક્ષતામાં ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી થઈ
---------------
સ્વચ્છતાલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકાઓ અને ગ્રામ પંચાયતને સન્માનિત કરાયા
---------------
ગીર સોમનાથ, તા.૦૨: 'સ્વચ્છતા હી સેવા-૨૦૨૪' અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને શહેરીના સંયુક્ત ઉપક્રમે મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંજૂલાબેન મૂછારના અધ્યક્ષ સ્થાને શ્રી રામમંદિર ઓડિટોરિયમ હોલ ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછારે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતાં. જેને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગળ વધારી રહ્યા છે. જિલ્લામાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, સફાઈ મિત્ર, સ્વચ્છતા સુરક્ષા શિબીરો તથા સ્વચ્છતાની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે.

"કચરો ફેકશું નહીં, તો વિણવો નહીં પડે"ના સૂત્ર સાથે આ સ્વચ્છતા અભિયાનને રોજબરોજ આપણા દૈનિક સ્વભાવમાં લાવવા જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ નાગરિકોને અપીલ કરી હતી. આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે સ્વચ્છતાનુ પાલન કરવું એ સફાઈ કર્મચારીઓનું જ નહિ પણ દરેક નાગરિકની જવાબદારી છે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે, ગાંધીજીના સ્વચ્છતાના સ્વપ્નને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એક વિઝનરી લીડરશીપ સાથે સ્વચ્છ ભારત અભિયાન થકી સાકાર કરી રહ્યાં છે. વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સ્વપ્નના પાયામાં પણ સ્વચ્છતા, પાણી બચાવ અને પર્યાવરણ સમાયેલું છે.

આ સાથે જ સ્વચ્છતાલક્ષી ઉત્તમ કામગીરી કરનાર તાલુકાઓ, ગ્રામ પંચાયતો અને વિવિધ સ્વચ્છતાની પ્રવૃત્તિઓમાં સન્માનિત વિદ્યાર્થીઓને તેમણે અભિનંદન પાઠવ્યાં હતાં.

જન ભાગીદારીમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ગીર ગઢડા, સફાઈ મિત્ર શિબિરમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ઉના, ટ્રાન્ફોર્મેશનમાં શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોમાં પ્રથમ કમાંકે કોડીનાર તાલુકાનું વડનગર, દ્વિતીય સ્થાન વેરાવળ તાલુકાનું આજોઠા ગામ તેમજ તૃતીય સ્થાને તાલાળા તાલુકાનું મોરુકા ગામ રહ્યું હતું.

શૈક્ષણીક સંસ્થામાં વિવિધ સ્વચ્છતાલક્ષી સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત સર્વેએ સ્વચ્છતા અંગે શપથ લીધા હતાં.

આ કાર્યક્રમ દરમિયાન દિલ્હી ખાતેથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રકક્ષાએ યોજાયેલા સ્વચ્છતા હી સેવા અભિયાનનું સર્વેએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્નેહલ ભાપકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી દર્શના ભગલાની, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબહેન જાની, ગીર ગઢડા તાલુકા પંચાયતનાં પ્રમુખ શ્રી ભગવતીબેન સાંખટ, અગ્રણી શ્રી મહેન્દ્ર પીઠીયા સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
૦૦ ૦૦૦ ૦૦ ૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.