કહેવામાં આવે છે કે દિવડા કોલોની વસાહતમાં સૌ પ્રથમ ગણેશ સ્થાપનાની શરૂઆત આશરે ૧૯૭૫ થી.... - At This Time

કહેવામાં આવે છે કે દિવડા કોલોની વસાહતમાં સૌ પ્રથમ ગણેશ સ્થાપનાની શરૂઆત આશરે ૧૯૭૫ થી….


આસ્થા અને આરાધનાનું પર્વ એટલે ગણેશ મહોત્સવ. વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા ઉત્સવ એ દેશના તમામ ખૂણે ખૂણે ગામે ગામ ઉત્સાહ ભેર ઉજવાય છે. ગણેશ ચતુર્થી જેમ જેમ નજીક આવે એટલે ગામના યુવકોના મનમાં એક અનેરો રોમાંચ છલકાઈ આવે છે.
કહેવામાં આવે છે કે દિવડા કોલોની વસાહતમાં સૌ પ્રથમ ગણેશ સ્થાપનાની શરૂઆત આશરે ૧૯૭૫ થી ૧૯૮૦ ના વર્ષના ગાળામાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા "તલાટી સાહેબ" દ્વારા કરવામાં આવી હતી. એ સમયે ગણેશજીની મૂર્તિ બનાવવામાં મહારાષ્ટ્ર પ્રખ્યાત હતું. જે મૂર્તિઓ વડોદરા / બરોડા વહેચાવા આવતી. ત્યારે એ સમયે દિવડા કોલોની ખાતે પ્રથમ વાર મૂર્તિ વડોદરા ખાતેથી લાવવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તે નિયમ જાળવીને ગમે તેવી પરિસ્થિતિ હોય પણ દિવડા કોલોનીમાં ગણપતિ દાદાની મૂર્તિ વડોદરાના પોલો ગ્રાઉન્ડ ઉપરથી જ લાવવામાં આવે છે. એ સમયે ગણેશજીની સ્થાપના તૈયારીઓ સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી. ગણેશજીનું વિસર્જન માટે ગણેશજીની મૂર્તિને લારીમાં મૂકીને ભજન ઢોલક મંજીરા સાથે આખા દિવડામાં ગણેશ યાત્રા કાઢવામાં આવતી. ત્યારબાદના સમયોમાં સરકારી કચેરી તરફથી ગણેશ વિસર્જન યાત્રા માટે ટ્રક આપવામાં આવતો.
સમય પસાર થયો સાહેબની બદલી થઈ ત્યારે ગણપતિજી સ્થાપનાની જવાબદારી ગટુકાકા તેમજ દિવડા કોલોનીના યુવકોએ લીધી. ત્યારથી લઈને અત્યાર સુધી ગણેશ યુવક મંડળમાં સમય સાથે ફેરફાર થયો. આનંદ ભવનમાં થતાં ગણેશ સ્થાપનાની જવાબદારી ગટુ કાકા - નરવત કાકાના બાદમાં હાલ બગીચાના મેદાન માં થતી સ્થાપનાની જવાબદારી, મંડળને સંગઠિત રાખવાની જવાબદારી પીન્ટુ ભાઈ (પત્રકાર) , ટીકા ભાઈ, ગિલ્લું શેઠ સહિત હાલ તમામ દિવડાના યુવકોએ લીધી. આયોજક જે કોઈપણ પણ રહ્યા પણ બાપ્પાના આતિથ્યમાં કોઈપણ નાની અમથી પણ કમી ન રહે તેની સૌ આયોજકો ખૂબ જીણવટ ભર્યું ધ્યાન રાખે છે.
આજી વખતનું શ્રી ગણેશજીનું વિસર્જન એને જૂનું " આનંદ ભવન " યાદ અપાવી દીધું. અમે દિવડા પ્રાથમિક શાળા માં ભણતા હતા ત્યારે આનંદ ભવનમાં ગણપતિજી નું સ્થાપન થતું અને શ્રીજી બાપ્પાની સેવાની વાત હોય તો વર્ષોથી એક ચહેરો હોય કિરણ ભાઈ. મહાદેવના મંદિરની વાત હોય, ગણપતિજી ની વાત હોય કે નવરાત્રી માં અંબાજી સેવા હોય, સ્થાપન કર્યા બાદ આરતી, પૂજા, પ્રસાદ સહિતની નાની મોટી તમામ બાબતોનું જીણવટ ભરી ધ્યાન રાખતા કિરણ ભાઈએ વર્ષોથી દિવડા કોલોનીમાં ધાર્મિક કાર્યો કરવા હર હંમેશ આગળ રહ્યા છે.
દિવડા કોલોનીમાં મને યાદ છે ત્યાં સુધી તો આનંદ ભવનમાં જ સાર્વજનિક ગણપતિજીનું ધામ ધૂમથી સ્થાપન કરવામાં આવતું. ગણપતિજીના 10 દિવસ એટલે તમામ નાના બાળકો, યુવાનો વડીલો સૌ કોઈમાં એક અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળે. સવારે સ્કૂલ જવાનું હોય તો સ્કૂલના સમય કરતા વહેલું નીકળીને દફતર લઈને આનંદ ભવનમાં બાપ્પાના દર્શને પહોંચી જવાનું, જ્યાં સવારની આરતી ૯:૩૦ જેવી થતી બાદમાં સ્કૂલે જવાનું. સાંજે શાળાએથી છૂટીને જલ્દીથી શાળામાંથી આપેલું લેશન કરી દેવાનું કેમ કે રાત્રે ગણપતિ માં જવાનું. આનંદ ભવનમાં આગળ જગ્યા મળે અને સંજય કાકા ન આવે ત્યાં સુધી ઢોલ વગાડવામાં મંજીરા વગાડવા માટે જેમ બને એમ જલ્દી જવાની રેસ જામતી અને વાત જ્યારે દિવડા કોલોનીના ધાર્મિક ક્ષેત્રની થાય ત્યારે સંજય કાકાને કેમના ભુલાઈ ! સંજય કાકાના ભજન વગર જાણે આખું આનંદ ભવન ભરેલું હોવા છતાં સુનું લાગતું. રાત્રે ૯ વાગ્યાની આસપાસ સંજય કાકા આવતા અને આવ્યા બાદ ૨૦ મિનિટ જેટલો સમય તો ઢોલ ચઢાવવામાં કાઢતા જેથી ભજનના તાલમાં કોઈ કચાસ ન રહી જાય તેઓ તેની પુરે પુરી તકેદારી રાખતા. ત્યાર બાદ સંજય કાકા તેમજ બાપ્પાના શ્રદ્ધાળુઓ દ્વારા બાપ્પાના ભજનની રમઝટ જામતી અને જોતા જોતા આખું આનંદ ભવન છલો છલ ભરાઈ જતું અને બાપ્પાના આતિથ્યાના 10 દિવસ જેમ જેમ પૂરા થતાં જાય તેમ તેમ તેમના ભક્તોની સંખ્યામાં વધારો થતાં જઈ આનંદ ભવનની જગ્યા નાની પડતી જતી. ગણપતિના છેલ્લા દિવસોમાં તો ભક્તો પગરખાં કાઢતા ત્યાં જ બેસવાનો વારો આવતો. બદલતા સમયમાં બાપ્પાના ભજનમાં નવીન વેરાયટી આવતી અને તેવા તમામ નવીન ભજનો માટે દિવડાની યુવતીઓ પોતાના ભજનની સ્પેશિયલ નોટ બનાવી તેમાં લખીને લાવતા. એક ભજન પૂર્ણ થાય ત્યાં બીજું અને બીજું પતે ના પતે ત્રીજું તૈયાર હોય અને આમને આમ મોડી રાત્રિ સુધી ગણપતિજીના ભજન ચાલુ રહેતા. આજી વખતે દિવડા કોલોની મહિલા ભજન મંડળ દ્વારા જૂની તમામ કમીઓ પુરી કરી આજી વખતે ગણપતિ મહોત્સવમાં એક અનેરો આનંદ પુરવામાં આવ્યો.
ગણપતિજીનું સ્થાપન થતાં જ બાપ્પાના ડેકોરેશન કે તેમની સેવાની કોઈ વસ્તુમાં કોઈપણ રીતની ખોટ ન રહી જાય તે માટે મહિનાથી તૈયારીઓ ચાલે અને ૧૦ દિવસ માટે ગણેશ યુવક મંડળ ૨૪×૭ હાજર રહેતું. દિવડા કોલોનીમાં વર્ષોથી ગણપતિ વડોદરા પોલો ગ્રાઉન્ડ ઉપરથી લાવવામાં આવે છે. ત્યારે મૂર્તિ લેવા વડોદરા જઈએ એટલે ગણેશ યુવક મંડળને સવારનો નાસ્તો શ્રી કૃષ્ણમાં યાદવ પીન્ટુ કાકા તરફથી જ હોય અને આવી બાબતો જ દૃષ્ટાંત પૂરું પાડે છે કે ભલે લોકો દિવડા કોલોની છોડીને દિવડા થી છૂટા પડ્યા પરંતુ આજે પણ તેઓ ક્યારેય દિવડા કોલોનીને ભૂલી નહિ શકે અને કંઇકને કઈક રીતના દિવડાકોલોનીથી જોડાયેલા રહેશે. એવી રીતે જી.ઈ.બી. માં ફરજ મુક્ત થયેલ બરજોડ કાકા, રવીભાઈ બરજોડ હાલ પણ ધાર્મિક આસ્થાએ દિવડા સાથે જોડાયેલ છે. નીલકંઠ મહાદેવના મંદિરનું કામ હોય, શિવરાત્રી હોય, જન્માષ્ઠમી, સાંઈબાબા ની શોભાયાત્રા હોય કે ગણપતિ હોય એમની હાજરી અવશ્ય હોય.
બાપ્પાને લેવા જવાથી વિસર્જન સુધીની તમામ તૈયારીઓની સંપૂર્ણ જવાબદારી ગણેશ યુવક મંડળ દિવડા કોલોની માથે લેતું. ઢોલક રિપેર કરાવવું, ડેકોરેશન, દૈનિક હાળ , ફૂલો, થી લઈને વિસર્જન વખતે ઊંટ ગાડું, તેમાં લાગતા આસોપાલવના તોરણ વગેરે વગેરે જેવી નાની મોટી તમામ તૈયારીઓ ગણેશ યુવક મંડળ દિવડા કોલોની જવાબદારી પૂર્વક કર્યો કરતા.
મને યાદ છે ત્યાં સુધી આનંદ ભવનમાં પહેલા ગણપતિ દાદાના સ્થાપન કરતા ત્યાં જાત જાતના શણગાર કરવામાં આવતા જેમાં એકવાર ગામડાની થીમ ઉપર ચુના થર્મકોલ થી મસ્ત ગામડું બનાવવામાં આવ્યું હતું તો એક સાલ શ્રી કૃષ્ણ ભગવાન ટચલી આંગળી ઉપર પર્વત ઉઠવ્યાની કથા દર્શાવતું હોય તેવુ થર્મકોલથી પર્વત અને શ્રી કૃષ્ણ બનાવવામાં આવ્યા હતા. ગણપતિ બાપ્પાના વિદાયના દિવસોમાં છેલ્લા દિવસે બાપ્પાને ૫૬ ભોગ ચઢાવવામાં આવે છે. જેમાં દરેક ભક્ત પોતાની શક્તિ અનુસાર ભોગ બનાવી બાપ્પાને અર્પણ કરે છે. અહીંયા લોકોની માન્યતા છે કે ૫૬ ભોગના દિવસે નિઃસંતાન યુગલ દ્વારા જો અહીંયા ચઢાવેલ ગણપતિજીના હાથમાં રહેલ સફરજનની પ્રસાદી લેવામાં આવે તો તેઓને સંતાન પ્રાપ્તિ થાય છે અને ઘણા એવા દાખલા છે જે આ માન્યતાનું પ્રમાણ આપે છે. છેલ્લા દિવસે 56 ભોગ સાથે સાથે બાપ્પાના આતિથ્ય નો છેલ્લો દિવસ હોવાથી ભક્તો દ્વારા મોડી રાત્રિ સુધી ભજનો ચાલે અને છેલ્લે તમામ ભક્તોને 56 ભોગનો પ્રસાદ આપવામાં આવે. મોડી રાત્રી સુધી ભજનો પૂર્ણ થાય ત્યારબાદ 56 ભોગના પ્રસાદનું વિતરણ થાય ત્યાર બાદ સૌ પોતાના ઘરે જતા રહે ત્યાર બાદ ગણેશ યુવક મંડળની આખી રાત બીજા દિવસના વિસર્જનની તૈયારીઓમાં લાગતું. ઊંટ ગાડું, ટ્રેકટર શણગારવાનું કામ, આસોપાલવના તોરણો બનાવવા, વિસર્જનની યાત્રા દરમિયાન ભક્તોને પ્રસાદ આપવાનું વગેરે જેવી તૈયારીઓમાં આખી રાત જતી અને બીજે દિવસે મુહુર્ત પ્રમાણે હજાર થવાનું.
વિસર્જનના દિવસે સૌ કોઈ મુહુર્ત પ્રમાણે હાજર થઈ જાય. વિસર્જન દરમિયાન મંડળ તરફથી સૌને હાથના કાંડા ઉપર, કપાળે પહેરવા" गणपति बप्पा मोरिया " લખેલી કેસરી પટ્ટી વહેચવામાં આવતી જે લેવા માટે સવારથી જ બાળકોની ભીડ જામી જતી. મંડળ અને બાળકો દ્વારા જય ગણેશ , ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે બજારમાં રેલી કાઢીને વિસર્જનના દિવસે તમામ દુકાનો બંધ કરાવવાની પ્રથા આજે પણ રહેલી છે.
કોલોનીના છેલ્લામાં છેલ્લા રહેલાં ઘરના લોકોને પણ બાપ્પાના વર્ષના છેલ્લા દર્શન કરી શકે તેવા રૂટ પ્રમાણે ધીમે ધીમે બેન્ડ ડીજે સાથે બાપ્પાની વિસર્જન યાત્રા આખા દિવડા કોલોનીમાં ફરતી. જ્યાં જી.ઈ.બી. હોસ્પિટલ આગળ જી.ઈ.બીમાં ફરજ બજાવતા પાટીલ દાદા દ્વારા ગણપતિ બાપ્પાની આરતી ઉતારવામાં આવતી. ( સ્યોર નથી પણ કદાચ એમના ત્યાં સ્થાપન થતાં ગણપતિજીની પ્રતિમા સાથે જ મૂકવામાં આવતી હતી.) ગણેશ યાત્રામાં ગણપતિજી સાથે સાથે માતાજીનું પણ એટલું જ મહત્વ રહ્યું છે. યાત્રા જેવી ચબૂતરા આગળ પહોંચે એટલે ગરબાની રમઝટ જામે અને આમ ચબૂતરા પાસે, હાલના પોલીસ સ્ટેશન ચોકડી, પિકચર કેબિન ઉપર યાત્રા થોભીને માતાજીના ગરબા રમવામાં આવે છે. ત્યારબાદ બહારના બસ સ્ટેશન થી યાત્રા નોનસ્ટોપ ચાલુ રહેતા છેલ્લે મહિસાગર નદીના પુલ ઉપર ઊભો રહે. જ્યાં પ્રભુની છેલ્લી આરતી ઉતારીને ગણપતિ બાપ્પાને ભારે હૈયે ભક્તો બાપાને વિદાય આપે છે.

સર્જિત ડામોર
(કડાણા)


9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.