ભાસ્કર ખાસ:સોશિયલ મીડિયાના ઉપયોગની સપનાંઓ પર અસર... 68% લોકોને ડરામણાં સપનાં આવે છે, 60%માં ચિંતાનું સ્તર વધ્યું, 55% પૂરતી ઊંઘ નથી લઈ શકતાં - At This Time

ભાસ્કર ખાસ:સોશિયલ મીડિયાના ઉપયોગની સપનાંઓ પર અસર… 68% લોકોને ડરામણાં સપનાં આવે છે, 60%માં ચિંતાનું સ્તર વધ્યું, 55% પૂરતી ઊંઘ નથી લઈ શકતાં


સોશિયલ મીડિયાના ઉપયોગથી ઉપજતી સમસ્યાઓ આપણને અવાર-નવાર જોવા મળે છે. હવે તેના ઉપયોગને લઈને વધુ એક ખુલાસો થયો છે. હંગેરી, ઈરાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના શોધકર્તાઓ દ્વારા કરાયેલા એક સામૂહિક અભ્યાસમાં તેના ઉપયોગ અને ડરામણાં સપનાંઓ વચ્ચેનો એક ચકિત કરનારો સંબંધ સામે આવ્યો છે. બીએમસી સાઇકોલોજીમાં પ્રકાશિત સ્ટડીમાં જણાવાયું છે કે કઈ રીતે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ ન માત્ર આપણી જાગૃત અવસ્થાને પ્રભાવિત કરે છે, પણ આપણી ઊંઘ અને સપનાંઓ પર પણ ઊંડો પ્રભાવ પાડે છે. ફ્લિન્ડર્સ યુનિવર્સિટીના અભ્યાસકર્તા રેજા શબહાંગ અને તેમની ટીમને જણાવ્યું કે સોશિયલ મીડિયા સાથે જોડાયેલાં ડરામણાં સપનાં એ લોકોમાં વધુ હોય છે જે તેના રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ વધુ કરે છે. આ સપનાંઓમાં સામાન્ય રીતે સોશિયલ મીડિયામાં લોગ ઈન ન કરી શકવું, અન્ય યુઝર્સ સાથેના સંબંધો બગડવા, ઓનલાઇન યૌનઉત્પીડન અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓળખ ગુમાવવી જેવા મુદ્દાનો સમાવેશ થાય છે. સ્ટડી અનુસાર, સોશિયલ મીડિયા સાથે જોડાયેલાં ડરામણાં સપનાંઓનો અનુભવ કરનારા લોકોમાં ચિંતાનું સ્તર વધુ જોવા મળ્યું, તેમાં શાંતિની ઊણપ જોવા મળી. આ સપનાંના કારણે તેમને તણાવનો પણ સામનો કરવો પડ્યો છે અને તેમની ઊંઘમાં ઘણીવાર વિક્ષેપ પડ્યો. સ્ટડીમાં સામે આવ્યું છે કે લોકો દિવસે અને ખાસ કરીને સૂતા પહેલાં સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવે છે, તેમાંથી 68%ને ડરામણાં સપનાં આવે છે જ્યારે 60%માં ચિંતાનું સ્તર ઉપયોગ બાદ વધ્યું છે. આ ઉપરાંત 55% લોકો પર્યાપ્ત ઊંઘ નથી લઈ શકતા. રેજા કહે છે કે જે લોકો સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરે છે તે લોકોમાં નકારાત્મક માનસિક સ્વાસ્થ્ય પરિણામોની વધુ શક્યતા રહે છે. જોકે, તેમણે કહ્યું કે આ સરવે મુખ્ય રૂપે ઈરાની નાગરિકો પર કેન્દ્રિત છે. માટે તેનાં પરિણામો બીજા દેશો પર લાગુ કરતા પહેલાં ત્યાં પણ સ્ટડી કરવો જરૂરી છે. સોશિયલ મીડિયાનું સપનાંને પ્રભાવિત કરવું ચિંતાનો વિષય: શોધકર્તા
હાલનાં વર્ષોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. અભ્યાસકર્તા રેજા અનુસાર જેમ-જેમ સોશિયલ મીડિયા આપણા જીવન સાથે વધુ ઊંડાણપૂર્વક જોડાતું જાય છે, તે આપણાં સપનાંને પણ પ્રભાવિત કરી રહ્યું છે. જે ઘણો ચિંતાનો વિષય છે. તેમણે ચેતવણી આપી કે જેમ-જેમ ટેક્નિક આગળ વધશે, એ જરૂરી થઈ જશે કે આપણે એ સમજીએ કે સોશિયલ મીડિયા યુઝર્સનાં સપનાંના અનુભવોને કઈ રીતે પ્રભાવિત કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.