શહેરમાં લૂ લાગવાથી બે પ્રૌઢનાં મોત - At This Time

શહેરમાં લૂ લાગવાથી બે પ્રૌઢનાં મોત


શાકભાજીના થડા પાસે પ્રૌઢ ઢળી પડ્યા, રામવનના ગેટ નજીકથી પ્રૌઢની લાશ મળી

શહેરમાં છેલ્લા પાંચેક દિવસથી આકાશમાંથી અગનજ્વાળા વરસી રહી છે, તાપમાનનો પારો 44ને પાર થઇ ગયો છે અને બપોરે તો સ્વયંભૂ કર્ફ્યૂ જેવી સ્થિતિ સર્જાઇ જાય છે, મોડીસાંજ સુધી લૂ વરસતી રહે છે ત્યારે શહેરમાં શુક્રવારે લૂ લાગવાથી બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. કાલાવડ રોડ પર જડ્ડુસ હોટેલ નજીક ભરાતી શાકમાર્કેટમાં બપોરે એક પ્રૌઢ આવ્યા હતા અને એક થડા પાસે આવીને બેઠા હતા અને થોડીવાર બાદ ઊભા થયા તે સાથે જ તેઓ ઢળી પડ્યા હતા અને બેભાન થઇ ગયા હતા, શાકભાજીના થડા પર શાકભાજી વેચવા બેસેલા મહિલાની નજર સામે આ ઘટના બની હતી, મહિલાએ ત્વરિત જ થડાથી નીચે ઉતરીને પ્રૌઢને સીપીઆર આપી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, બીજીબાજુ જાણ કરાતા 108ની ટીમ દોડી આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં પ્રૌઢનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ હરિપરા સહિતની ટીમ પહોંચી હતી, પોલીસે મૃતકના ખિસ્સામાંથી મળેલા કાર્ડ અને મોબાઇલ નંબરના આધારે તપાસ કરતા મૃતક અવધના ઢાળિયા પાસે આવેલા વીર સાવરકર આવાસ ક્વાટર્સમાં રહેતા શાંતિલાલ પોપટભાઇ આંબલિયા (ઉ.વ.63) હોવાનું ખુલ્યું હતું, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો, પ્રૌઢનું લૂ લાગવાથી મૃત્યુ થયાનું તપાસમાં ખુલ્યું હતું, અન્ય એક કિસ્સામાં આજીડેમ નજીક રામવન પાછળ એક લાશ પડી હતી જેની તપાસ કરતા લૂ લાગવાથી પ્રૌઢનું મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું, પોલીસે મૃતકની ઓળખ મેળવવાની કવાયત શરૂ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.