EDITOR'S VIEW: બુલડોઝર ન્યાય બંધ કરો:સરકારની મનમાની પર સુપ્રીમે ફેરવ્યું બુલડોઝર, કહ્યું- 'ખોટી રીતે પાડેલું મકાન અધિકારીએ બાંધી આપવું પડશે', જાણો કોર્ટની કડક ગાઈડલાઈન્સ - At This Time

EDITOR’S VIEW: બુલડોઝર ન્યાય બંધ કરો:સરકારની મનમાની પર સુપ્રીમે ફેરવ્યું બુલડોઝર, કહ્યું- ‘ખોટી રીતે પાડેલું મકાન અધિકારીએ બાંધી આપવું પડશે’, જાણો કોર્ટની કડક ગાઈડલાઈન્સ


'અપના ઘર હો, અપના આંગન હો, ઈસ ખ્વાબ મેં હર કોઈ જીતા હૈ. ઈન્સાન કે દિલ કી યે ચાહત હૈ કિ એક ઘર કા સપના કભી ન છૂટે...' આરોપી કે દોષિતના ઘર પર બુલડોઝર ન ચલાવવા બાબતે સુપ્રીમ કોર્ટે આજે ચૂકાદો આપ્યો ત્યારે ચૂકાદાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે આ લાઈન કહી હતી. સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદામાં સરકારની મનમાની પર બુલડોઝર ફરી વળ્યું છે. અત્યાર સુધી ભાજપ શાસિત રાજ્યોની સરકાર આરોપીના ઘર પર બુલડોઝર ફેરવી દેતી હતી. પણ હવે એવું નહીં કરી શકે. સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ઝાટકણી કાઢીને કહ્યું કે, અધિકારીઓ અદાલતની જેમ કામ ન કરી શકે અને વહીવટીતંત્ર જજ ન બની શકે. હવેથી આવી મનમાની ચલાવી લેવામાં નહીં આવે. નમસ્કાર, દરેક વ્યક્તિના મનમાં એક જ પ્રબળ ઈચ્છા હોય છે કે તેના સપનાનું ઘર છીનવાઈ ન જાય. પણ એક આરોપીના ગુનાના કારણે તેનું ઘર તોડી પાડવામાં આવે છે ને એકની સજા આખા પરિવારને મળે છે. સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર નિર્ણય સંભળાવીને 15 ગાઈડલાઈન્સ પણ આપી છે. જસ્ટીસ બી.આર.ગવઈ અને જસ્ટીસ કે.વી.વિશ્વનાથનની બેન્ચે 1 ઓક્ટોબરે અમાનત રાખેલો ચૂકાદો આજે 13 નવેમ્બરે સંભળાવ્યો હતો. આખી વાત શું છે?
જ્યારે જ્યારે પણ કોઈ મોટા ગુનામાં આરોપી પકડાય ત્યારે તેના ઘર પર બુલડોઝર ફેરવી દેવાતું હતું. આ સરકારે નક્કી કરેલી સજાનો ભાગ હતો. બુલડોઝરની સૌથી વધારે કાર્યવાહી ઉત્તરપ્રદેશમાં થઈ છે. યોગીની છાપ 'બુલડાઝર બાબા' તરીકે જ પડી ગઈ હતી. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સતત બુલડોઝરની કાર્યવાહી બાદ જમિયત-ઉલેમા-એ-હિન્દે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપ શાસિત રાજ્યોમાં મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે કોર્ટે તેના નિર્ણયથી અમારા હાથ ન બાંધવા જોઈએ. કોઈની મિલકત એટલે તોડી પાડવામાં આવી કારણ કે તે ગેરકાયદે દબાણ છે. તેણે ગુનો કર્યો એટલે તોડી નથી. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણને 5 પોઈન્ટમાં સમજો, સુપ્રીમની બેન્ચે શું કહ્યું? 1. દરેક માણસનું સપનું હોય છે કે પોતાનું ઘર હોય, તે છીનવી ન શકાય
જસ્ટીસ બી.આર.ગવઈએ કહ્યું, માણસ હંમેશા સપના જુએ છે કે તેનું ઘર ક્યારેય છીનવી ન લે. દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેના ઘર પર સુરક્ષિત છત હોય. શું સત્તાધીશો એવી વ્યક્તિની છત લઈ છીનવી શકે જેના પર કોઈ આરોપ હોય? આરોપી હોય કે દોષિત પુરવાર થાય, શું નક્કી કરેલી પ્રક્રિયાને અનુસર્યા વિના તેનું ઘર તોડી શકાય? અમે ક્રિમીનલ જસ્ટીસ સિસ્ટમમાં ન્યાયના મુદ્દા પર વિચાર કર્યો. કોઈપણ આરોપી અંગે અગાઉથી કોઈ નિર્ણય લઈ શકાય નહીં. 2. કોઈ અધિકારી કાયદો હાથમાં લે તો તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ
કોઈ અધિકારી કોઈ વ્યક્તિનું ઘર એટલા માટે તોડે છે કારણ તે આરોપી છે. આરોપી હોવાના કારણે તેનું ઘર ખોટી રીતે તોડી નાખે તો તે ખોટું છે. જો અધિકારી કાયદો પોતાના હાથમાં લે તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ કારણ કે તે જે કરે છે તે ગેરકાયદેસર છે. આરોપીને પણ કેટલાક અધિકારો પણ છે. સરકાર અને તેના અધિકારીઓ કાયદાનું પાલન કર્યા વિના આરોપી અથવા દોષિત વ્યક્તિ સામે મનસ્વી અને એકપક્ષીય પગલાં લઈ શકે નહીં. જો કોઈ અધિકારી આવું કરે તો તેની સામે કાર્યવાહી કરવાની વ્યવસ્થા હોવી જોઈએ. અધિકારી જ તેને વળતર આપે તેવું હોવું જોઈએ. ખોટા ઈરાદા સાથે પગલાં લેવા બદલ અધિકારીને બક્ષી શકાય નહીં. 3. અધિકારી જજ ન બની શકે, તે નક્કી ન કરી શકે કોણ દોષિત છે...
જો કોઈ વ્યક્તિ માત્ર આરોપી હોય તો તેની મિલકત તોડી પાડવી એ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. સત્તાવાળાઓ નક્કી કરી શકતા નથી કે કોણ દોષિત છે, તે પોતે જજ બનીને નક્કી ન કરી શકે કે કોઈ દોષિત છે કે નહીં. બુલડોઝરની કાર્યવાહીનું ગંભીર પાસું એ છે કે સત્તાના દુરુપયોગને મંજૂરી આપી શકાય નહીં. કોઈ ગુનેગાર સામે પણ આવી કાર્યવાહી થઈ શકે નહીં. અધિકારીની આવી કાર્યવાહી ગેરકાયદેસર હશે અને અધિકારી કાયદો પોતાના હાથમાં લેવા માટે દોષિત ગણાશે. 4. ટાર્ગેટેડ બાંધકામ તોડાય છે ત્યારે એ સ્પષ્ટ થાય છે કે ઈરાદો ખરાબ હતો
જ્યારે એક બાંધકામ અચાનક ડિમોલિશન માટે પસંદ કરવામાં આવે છે અને અન્ય બાંધકામો પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે ખરાબ ઈરાદા સ્પષ્ટ થાય છે. એવી છાપ ઊભી કરવામાં આવે છે કે કાર્યવાહી કોઈ બાંધકામ પર નહીં પરંતુ જે વ્યક્તિનો કેસ કોર્ટમાં છે તેને સજા કરવા માટે કરવામાં આવી છે. 5. ઘર પાડવું એ છેલ્લો રસ્તો, પણ સાબિત કરવું પડશે
ઘર એ સામાજિક-આર્થિક તાણાવાણાનો મુદ્દો છે. તે માત્ર ઘર નથી, વર્ષોનો સંઘર્ષ છે, તેના માટે દરેકને આદરની ભાવના હોય છે. જો તે છીનવી લેવામાં આવે તો અધિકારીએ સાબિત કરવું પડશે કે મકાન તોડવું એ છેલ્લો વિકલ્પ હતો. ક્રિમિનલ જસ્ટીસનો નિયમ છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ દોષિત સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ હોય છે. જો તેનું ઘર તોડી પાડવામાં આવે તો તેનો અર્થ એ છે કે આખા પરિવારને સજા કરવી. આને બંધારણીય રીતે મંજૂર કરી શકાય નહીં. જસ્ટિસ ગવઈએ ઈંગ્લેન્ડના કેસનું વાક્ય ટાંક્યું
કેસની સુનાવણીની શરૂઆતમાં જસ્ટીસ ગવઈએ ઈંગ્લેન્ડના એક કેસને યાદ કરીને તેનું વાક્ય ટાંક્યુ હતું. સાઉધર્ન વર્સેસ સાઉથનો કેસ છે તેની સુનાવણી લોર્ડ ડેનિંગે ઈંગ્લેન્ડ કોર્ટમાં કરી હતી. તે કેસનું એક વાક્ય ટાંકીને જસ્ટીસ ગવઈએ કહ્યું કે, ગરીબમાં ગરીબ માણસ પણ તેના ઝૂંપડાંમાં સત્તાની બધી તાકતોનો વિરોધ કરવા માટે આઝાદ છે. તેનું ઘર નબળું પડી જાય છે, તેની છતના પોપડાં પડવા લાગે છે, તેના ઘરમાં ભારે પવન ઘૂસી શકે છે, પાણીનો પ્રવાહ ઘૂસી શકે છે પણ ઈંગ્લેન્ડનો રાજા તેના ઘરમાં ઘૂસી ન શકે. શું થઈ શકે અને શું નહીં? ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સૌથી વધારે બુલડોઝર ફર્યા
ભાજપ શાસિત આ ત્રણ રાજ્યો એવા છે જેમાં સૌથી વધારે બુલડોઝરનો ઉપયોગ થયો છે. આના કારણે લોકોના મનમાં પણ એવી છાપ પેદા થઈ ગઈ છે કે, કોઈ આરોપી હોય તો તેના ઘર પર બુલડોઝર ફેરવી દેવું જોઈએ. બહરાઈચમાં જે ઘટના બની તે પછી લોકોના ટોળાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ગોળી છોડનાર આરોપીના ઘર પર બુલડોઝર ફેરવવાની માગ કરવા લાગ્યા. બુલડોઝર હમણાં હમણાં જ ફરી રહ્યાં છે, એવું નથી. આ જૂની પેટર્ન છે. મધ્યપ્રદેશના એક સમયના મુખ્યમંત્રી હતા બાબુલાલ ગોર તે તો 'બુલડોઝર સીએમ'થી ઓળખાતા હતા. એટલે અગાઉના કેટલાક નેતાઓ ખોટી રીતે બુલડોઝરનો ઉપયોગ કરી ચૂક્યા છે. પણ બુલડોઝરને બ્રાન્ડ બનાવી હોય તો એ યોગી આદિત્યનાથે બનાવી છે. ગુજરાતમાં બુલડોઝર ફર્યું ત્યારે પણ સુપ્રીમે લાલ આંખ કરી હતી
ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પગલે ગુજરાત સરકારે પણ સમયાંતરે બુલડોઝરની કાર્યવાહી કરી છે. છેલ્લે, બશીર બદ્રનો એક શેર યાદ આવે છે, લોગ તૂટ જાતે હૈં ઘર બનાને મેં, તુમ તરસ નહીં ખાતે બસ્તીયાં જલાને મેં… સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ... (રિસર્ચ : યશપાલ બક્ષી)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.