EDITOR'S VIEW: કાશ્મીરની શાંતિ ફરી હણાઈ:નયા કાશ્મીરના ઉદય આડે આતંકવાદનું ગ્રહણ; કાશ્મીરના માણસો, કાશ્મીરનો વિકાસ અને કાશ્મીરનું અર્થતંત્ર- એક ગોળીથી ત્રણ હત્યા - At This Time

EDITOR’S VIEW: કાશ્મીરની શાંતિ ફરી હણાઈ:નયા કાશ્મીરના ઉદય આડે આતંકવાદનું ગ્રહણ; કાશ્મીરના માણસો, કાશ્મીરનો વિકાસ અને કાશ્મીરનું અર્થતંત્ર- એક ગોળીથી ત્રણ હત્યા


નયા કાશ્મીરના ઉદય આડે આતંકવાદનું ગ્રહણ: કાશ્મીરના માણસો, કાશ્મીરનો વિકાસ અને કાશ્મીરનું અર્થતંત્ર -એક ગોળીથી ત્રણ હત્યા જમ્મુના કઠુઆમાં રહેતી રુચિ અબરોલના પતિ શશી અબરોલ કામ માટે કાશ્મીર ગયા હતા. કરવા ચોથનું વ્રત હતું એટલે પતિનો ચહેરો જોવા માટે રુચિ તેના પતિને વીડિયો કોલ કરતી હતી પણ કોલ રિસિવ થતો નહોતો. રુચિને ખબર નહોતી કે ગાંદરબલમાં નિર્માણાધિન ટનલ પાસે બનેલા કેમ્પમાં તેના પતિ લોહીલુહાણ પડ્યા છે. આતંકવાદીઓએ તેની હત્યા કરી નાખી હતી. તેની પાંચ વર્ષની દીકરી રડતાં રડતાં કહી રહી હતી કે, આતંકવાદી બહુ ખરાબ છે. તેમણે મારા પપ્પાને મારી નાખ્યા. આજે એ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની વાત કરીશું જેમાં આતંકવાદીઓએ શશી અરબોલ સહિત સાતની ઘાતકી હત્યા કરી. આ ઘટનાએ ન માત્ર કાશ્મીરને પણ આખા દેશને હચમચાવી નાખ્યો છે. આ ઘટનાથી એક સવાલ વધુ ઘેરો બન્યો છે કે, શું નયા કાશ્મીરનું સપનું અધુરું જ રહેશે? નમસ્કાર, જમ્મુ-કાશ્મીરમાં થોડા દિવસ પહેલાં જ મુખ્યમંત્રી બનેલા ઓમર અબ્દુલ્લાના વિધાનસભા વિસ્તાર ગાંદરબલમાં મોટો આતંકી હુમલો થયો. આ હુમલાએ ઉરી એટેકની યાદ અપાવી દીધી. ઉરી આર્મી કેમ્પમાં જવાનો રાત્રે ટેન્ટમાં સૂતા હતા ત્યારે એટેક થયો હતો, અહીં ટનલ પાસે મજૂરોને રહેવા બનાવાયેલા કેમ્પમાં મજૂરો જમી રહ્યા હતા ત્યારે એટેક થયો. ઉરી પછી સર્જીકલ સ્ટ્રાઈક થઈ હતી એ પણ બધાને યાદ છે. ગાંદરબલ ઘટના પછી પણ કેન્દ્ર સરકાર પીઓકેમાં જડબાંતોડ જવાબ આપે તેવું બની શકે. ઘટના શું બની? જમ્મુ-કાશ્મીરનો ગાંદરબલ જિલ્લો. અહીંયાથી એક હાઈવે પસાર થાય છે જે રાજધાની શ્રીનગરને લેહ સાથે જોડે છે. આ જ હાઈવે પરથી દર વર્ષે અમરનાથ યાત્રિકો પસાર થાય છે. આ હાઈવે પર ગગનગીર વિસ્તાર છે ત્યાં એક ટનલ બની રહી છે. તેને ઝેડ મોડ ટનલ કહે છે. 20 ઓક્ટોબરની રાત્રે ટનલ પાસે બનેલા કેમ્પમાં કેટલાક મજૂરો, એન્જિનીયર્સ અને ડોક્ટર્સ હાજર હતા. હથિયાર સાથે ત્રણ આતંકીઓ કેમ્પ સાઈટ પર પહોંચ્યા ને ફાયરિંગ શરૂ કરી દીધું. કેમ્પમાં દોડાદોડી કરીને ફાયરિંગ કર્યું અને નજીકના ગગનગીરના જંગલમાં પલાયન થઈ ગયા. આ ઘટનામાં સાતનાં મોત થયાં. આ સિવાય પાંચ વ્યક્તિ ઘવાયા, તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ જ ટનલ પાસે જ કેમ એટેક? જ્યાં એટેક થયો તે ઝેડ મોડ ટનલથી 10 કિલોમીટર દૂર એશિયાની સૌથી લાંબી ટનલ બનાવવામાં આવી રહી છે. એને જોઝિલા ટનલ કહે છે. જે શ્રીનગરને લેહથી જોડશે અને તમામ સિઝનમાં ખુલ્લી રહેશે. આ સાથે ચીન અને પાકિસ્તાન સામે ભારતીય સેનાની કાર્યવાહી વધુ ઝડપી થશે. ગગનગીર વિસ્તારમાં થયેલા હુમલાને પાકિસ્તાન દ્વારા જોઝિલા ટનલનું કામ ધીમું કરવાના ષડયંત્ર તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. એટલે સ્પષ્ટ છે કે પાકિસ્તાનને કાશ્મીરીઓની પરવા નથી. કોઈપણ રીતે, જમ્મુ-કાશ્મીરની જનતાએ શાંતિપૂર્ણ અને ઐતિહાસિક રીતે ચૂંટણી પૂર્ણ કરીને આતંકવાદી પાકિસ્તાનને જોરદાર લપડાક આપી છે. તેના ગુસ્સામાં પાકિસ્તાને આ હુમલો કરાવ્યો હોય, એવું બની શકે. જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે પાકિસ્તાન અને આતંકવાદી સંગઠનો દ્વારા ઉભરી રહેલી નવી વ્યૂહરચના અત્યંત ચિંતાજનક છે. ખાસ કરીને જમ્મુ ક્ષેત્ર અને સોનમર્ગ જેવા શાંતિપૂર્ણ વિસ્તારોમાં ટાર્ગેટ કિલિંગ અને આતંકવાદી ગતિવિધિઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આતંકવાદી સંગઠનોનો ઉદ્દેશ્ય માત્ર હિંસા અને અસ્થિરતા પેદા કરવાનો જ નથી, પણ વિકાસ કાર્ય, રાજકીય પ્રક્રિયા અને આ ક્ષેત્રની સામાજિક-આર્થિક પ્રગતિને અવરોધવાનો પણ છે. મેસમાં જમી રહેલા મજૂરો બહાર નીકળ્યા ને જોયું તો તેના સાથીઓની લાશ પડી હતી આ ટનલ પાસે જે મજૂરો દસ વર્ષથી કામ કરતા હતા તેમને નિશાન બનાવવામાં આવ્યા છે. આ મજૂરો તેની મેસમાં હતા ત્યારે હુમલો થયો હતો. જે મજૂરો ત્યાં હાજર હતા અને બચી ગયા તેમણે આર્મીને એવું કહ્યું કે, લગભગ 100થી 150 જેટલા ફાયરિંગના અવાજ સાંભળ્યા હતા. જે મજૂરો મેસમાં જમતા હતા ને અવાજ સાંભળ્યો ત્યારે તેમને લાગ્યું કે કોઈ ફટાકડા ફોડે છે એટલે જોવા માટે બહાર નીકળ્યા ને જોયું તો તેના સાથીઓ લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા. નયા કાશ્મીર ન બનવા દેવાના મનસૂબા કાશ્મીરમાં શાંતિ સ્થપાય અને લોકોને રોજગારી મળે, ટુરિઝમ વધે તેવું બધા ઈચ્છી રહ્યા છે. પણ આતંકી સંગઠનો નથી ઈચ્છતા કે કાશ્મીરમાં શાંતિ સ્થપાય અને નયા કાશ્મીરનો ઉદય થાય. નયા કાશ્મીર ન બને તે માટે આતંકીઓએ કેટલીક ચોક્કસ મોડેસ ઓપરેન્ડી બનાવી છે. એ પાંચ પોઈન્ટમાં સમજો... કાશ્મીરને અશાંત બતાવવાનો પ્રયાસ જમ્મુ-કાશ્મીરમાં આવું પહેલીવાર નથી થયું જ્યારે આતંકવાદીઓએ ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો હોય. આતંકવાદીઓ લાંબા સમયથી જમ્મુ ક્ષેત્ર અને સોનમર્ગ જેવા શાંતિપૂર્ણ વિસ્તારોમાં આતંક ફેલાવવાનું મોટું ષડયંત્ર રચી રહ્યા છે. એ વાત સામે આવી રહી છે કે ગાંદરબલ આતંકી હુમલો કરીને ટેરર ગ્રુપ એવું સાબિત કરવા માગે છે કે કાશ્મીર હજી પણ અશાંત છે. ઘટના પછી થોડા કલાકોમાં આ એટેકની જવાબદારી આતંકી સંગઠન ધ રઝિસ્ટન્સ ફોર્સ (TRF)એ લીધી. આ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનું પેટા સંગઠન છે. આતંકી સંગઠન TRF છે શું? લશ્કર-એ-તૈયબાનો એક એજન્ડા છે, કાશ્મીરની આઝાદી ઓસામા બિન લાદેને હાફિઝ સઈદ, ઝફર ઈકબાલ અને લખવીને ખૂબ ભંડોળ આપ્યું જેથી લશ્કર-એ-તૈયબા તેના મનસૂબા પૂરા કરી શકે. લશ્કર-એ-તૈયબાનો એક જ એજન્ડા છે- કાશ્મીરની આઝાદી. 1992માં લશ્કર-એ-તૈયબાની જમ્મુ-કાશ્મીરમાં એક્ટિવિટી શરૂ થઈ. ભારત સરકારે 1992માં જ લશ્કરને પ્રતિબંધિત સંગઠનની યાદીમાં સામેલ કરી દીધું. કલમ 370 દૂર થયા પછી નવું સંગઠન બન્યું - TRF 2019માં કાશ્મીરમાંથી કલમ 370 દૂર થઈ ત્યારે લશ્કર-એ-તૈયબાના આકાઓ અકળાયા અને કાશ્મીરની આઝાદી માટે નવું સંગઠન બનાવ્યું. જેને નામ આપ્યું - ધ રેઝિટન્સ ફોર્સ- TRF. આ આતંકી સંગઠનને સૂચના જ હતી કે કાશ્મીરમાં હાહાકાર મચાવો. એટલે આ TRF સંગઠન એક્ટિવ થઈ ગયું અને ઘૂસણખોરી કરી. સ્થાનિક કાશ્મીરી પંડિતો પર હુમલા શરૂ કર્યા. ટુરિસ્ટો પર એટેક કરવો. સ્થાનિક લોકોનું માઈન્ડ વોશ કરીને તેમના હાથમાં બંદૂકો આપવી. કાશ્મીરમાં TRF આતંક મચાવી શકે એટલે તેને બીજા એક આતંકી સંગઠનનો સાથ મળ્યો. એ છે- હિઝબુલ મુજાહિદ્દીન. 2019 પછી લશ્કર-એ-તૈયબા કાશ્મીરમાં પોતાની હરકતોને ધ રેઝિટન્સ ફોર્સ મારફત અંજામ આપે છે. TRFએ કાશ્મીરમાં આટલા એટેક કર્યા (આ એવા એટેક હતા જેણે કાશ્મીરમાં ભય ફેલાવ્યો. આ પછી પણ 2022, 2023 અને 2024માં પણ TRFના હુમલા સતત થતા રહ્યા છે) TRFને ચલાવનારો પોતે જ શ્રીનગરનો રહેવાસી છે TRF - ધ રેઝિસ્ટન્સ ફોર્સ બનાવનારો અને તેને ચલાવનારો આતંકી શેખ સજ્જાદ ગુલ પોતે શ્રીનગરનો રહેવાસી છે. તેણે બેંગ્લુરૂથી MBAનો અભ્યાસ કર્યો છે. ખાસ વાત એ છે કે TRF સંગઠન બન્યું તે પહેલાં 2018માં કાશ્મીરી પત્રકાર સુજાત બુખારીની હત્યામાં તેનું નામ આવે છે. NIAએ શેખ સજ્જાદ ગુલ પર 10 લાખનું ઈનામ જાહેર કર્યું છે. આ સિવાય NIAએ TRFના બીજા બે આતંકીઓ પર પણ 10-10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. તેમાં પાકિસ્તાનના સિંધનો રેહવાસી સલીમ રહમાની ઉર્ફે અબૂ સાદ અને જમ્મુ-કાશ્મીરના કુલગામનો રહેવાસી બાસિત અહમદ ડાર. TRFએ મોડેસ ઓપરેન્ડી બદલીને એટેક કર્યો સામાન્ય રીતે TRFના આતંકીઓની મોડેસ ઓપરેન્ડી રહી છે કે, તે કાશ્મીરના રહેવાસી હોય અને મુસલમાન હોય તો તેના પર એટેક નહોતા કરતા પણ 20 ઓક્ટોબરે થયેલા હુમલામાં TRFએ મોડેસ ઓપરેન્ડી બદલી હોય તેવું લાગે છે. માર્યા ગયેલા સાતમાંથી બે તો જમ્મુ-કાશ્મીરના જ રહેવાસી હતા અને ડોક્ટર તો મુસલમાન પણ હતા. આતંકીઓએ ટનલ સાઈટ કેમ્પ પર એક મહિના સુધી રેકી કરી હતી. રેકી કર્યા પછી એટેકની તારીખ અને સમય નક્કી થયા. પૂરા પ્લાન સાથે એટેકને અંજામ આપવામાં આવ્યો. TRF ટાર્ગેટ કિલિંગ અને લોન વૂલ્ફ એટેક કરવામાં માહેર છે. 20 ઓક્ટોબરે જે એટેક થયો તેમાં ઓટોમેટિક ગનથી ફાયરિંગ થયું. એટલે કોઈ વિચારે તે પહેલાં જ સંખ્યાબંધ ગાળીઓ છૂટી જાય. પાંચ મિનિટમાં 150 ફાયર થયા હતા. TRF ટાર્ગેટ કિલિંગ કરતા હતા પણ હવે મોટા એટેક કરવા લાગ્યું છે. TRF કાશ્મીરમાં મોટાપાયે એક્ટિવ થયું છે એ આ ઘટના પરથી સમજી શકાય. TRFએ ઓક્ટોબર, 2024માં ત્રણ એટેક કર્યા TRFને કોણ સપોર્ટ કરે છે? દેશની સુરક્ષા એજન્સી કાઉન્ટર ઈન્ટેલિજન્સ કાશ્મીર (CIK) એ કાશ્મીરમાં નવા આતંકવાદી સંગઠન 'તહેરીક લબૈક યા મુસ્લિમ'ના ભરતી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ સંગઠનને લશ્કર-એ-તૈયબાની બ્રાન્ચ માનવામાં આવે છે. તેને કથિત રીતે 'બાબા હમાસ' નામનો પાકિસ્તાની આતંકવાદી હેન્ડલર ચલાવે છે. આતંકવાદી સંગઠન 'તહેરીક લબૈક યા મુસ્લિમ' પડદા પાછળ રહીને TRFને મદદ કરતું હોય તેવું માનવામાં આવે છે. જે ટનલ પાસે એટેક થયો તે પ્રોજેક્ટ શું છે? સમજો બે પોઈન્ટમાં... આતંકી ઘટના પછી નેતાઓનું ટ્વિટ છેલ્લે, દેશનું અર્થતંત્ર ભાંગવા આતંકીઓ ષડયંત્ર રચી રહ્યા છે. કાશ્મીરમાં ટનલ પાસે એટેક કર્યો જેથી કામ અટકી પડે. આ સિવાય છેલ્લા 7 દિવસમાં પ્લેનમાં બોમ્બ મૂકવાના 70 કોલ આવ્યા છે અને ફ્લાઈટ ડાઈવર્ટ કરવી પડી છે. આના કારણે એરલાઈન્સ કંપનીઓને 70 કરોડનું નુકસાન થયું છે. આ પહેલાં ટ્રેન ઉથલાવવાનાં ષડયંત્રો થયા. તેનાથી પણ રેલવે તંત્રને કરોડો રૂપિયાની નુકસાની થઈ છે. વધતો જતો 'ઈકોનોમિ ટેરર' દેશ માટે ચિંતાનો વિષય છે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ... (રિચર્સ : યશપાલ બક્ષી)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.