EDITOR'S VIEW: ધ એક્સિડેન્ટલ વિવાદ:બિનવિવાદિત ડો. સિંહના સ્મારકનો વિવાદ કેટલો ઊચિત? જાણો, નેતાઓની સમાધિના નિયમો અને પ્રોટોકોલ - At This Time

EDITOR’S VIEW: ધ એક્સિડેન્ટલ વિવાદ:બિનવિવાદિત ડો. સિંહના સ્મારકનો વિવાદ કેટલો ઊચિત? જાણો, નેતાઓની સમાધિના નિયમો અને પ્રોટોકોલ


ડો. મનમોહન સિંહ. એવા વડાપ્રધાન જે કાયમ રાજકારણના વિવાદોથી દૂર રહ્યા છે, હવે તેમના નામે જ વિવાદો થઈ રહ્યા છે. વાત એમ છે કે, કોઈપણ વડાપ્રધાનનું અવસાન થાય એટલે તેમના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કેન્દ્ર સરકાર કરે છે અને મોટાભાગે વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર રાજઘાટ પર જ થયા છે. પણ ડો. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ નામના સાર્વજનિક સ્મશાનમાં જ કરવામાં આવ્યા અને કોંગ્રેસને તેનો વાંધો પડ્યો છે. સાથે ડો. મનમોહન સિંહનું સ્મારક બનવું જોઈએ, તેવી માગણી કોંગ્રેસ સિવાયના પક્ષો પણ કરી રહ્યા છે. નમસ્કાર, ડો. મનમોહન સિંહ મુદ્દે ભાજપ પર ભીંસ વધી છે. કેન્દ્ર સરકારે રાજઘાટ પર તેમના અંતિમ સંસ્કાર ન કરાવીને તેમનું અપમાન કર્યું હોવાનો આરોપ વિપક્ષો કરી રહ્યા છે. ભાજપે સ્મારક માટે ના તો નથી પાડી પણ એવું કહ્યું છે કે, આમાં ટાઈમ લાગશે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર ડો. મનમોહન સિંહના રાજકીય જીવન પર બનેલી ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નો વિવાદ ચાલ્યો છે. ડો. મનમોહન સિંહના સ્મારકને લઈને વિવાદ શું છે?
26 ડિસેમ્બરે ડો. મનમોહન સિંઘનું નિધન થયું, તેના બીજા દિવસે 27 ડિસેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે મનમોહન સિંહના અંતિમ સંસ્કારની એવી જગ્યા માંગી હતી જ્યાં સ્મારક બનાવી શકાય. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર મનમોહન સિંહનાં પત્ની ગુરશરણ કૌર પણ આ જ ઈચ્છતાં હતાં. પ્રિયંકા ગાંધીએ શક્તિ સ્થળ (ઇન્દિરા ગાંધીનું સ્મારક) અથવા વીર ભૂમિ (રાજીવ ગાંધીનું સ્મારક) નજીક ડો. સિંહનું સ્મારક બનાવવાનું સૂચન કર્યું હતું. આ અંગે ગૃહ મંત્રાલયે કહ્યું કે, 'અંતિમ સંસ્કાર માટે નિગમબોધ ઘાટ સ્મશાનની પસંદગી કરવામાં આવી છે. પણ ડો. સિંહનું સ્મારક દિલ્હીમાં બનાવવામાં આવશે. આ માટે યોગ્ય જગ્યા શોધીને ટ્રસ્ટની રચના કરવામાં આવશે. આ બધી પ્રક્રિયામાં સમય લાગશે. કોંગ્રેસે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર પણ રાષ્ટ્રીય સ્મારક સ્થળ રાજઘાટ પર કરવામાં આવ્યા હતા. 25 ડિસેમ્બર 2018ના રોજ રાજઘાટ પર 1.5 એકર જમીન પર અટલ બિહારી વાજપેયીનું સ્મારક બનાવવામાં આવ્યું હતું. તો ડો. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજઘાટ પર કેમ ન કર્યા? આ વિવાદ પર ભાજપનું શું કહેવું છે?
ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કહ્યું છે કે જમીન સંપાદન, ટ્રસ્ટની રચના જેવી પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી જે પણ સમય લાગશે પણ સ્મારકનું કામ યોગ્ય રીતે અને ઝડપથી થશે ટૂંક સમયમાં કરવામાં આવશે. સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે મનમોહન સિંહના નિધન પર કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે. આજે દુ:ખની આ ઘડીમાં રાજકારણથી દૂર રહેવું જોઈએ. ભાજપ નેતા સીઆર કેસવનનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે, યુપીએ સરકારે ક્યારેય દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવનું કોઈ સ્મારક બનાવ્યું નથી. રાવના પાર્થિવ દેહને કોંગ્રેસ હેડક્વાર્ટરમાં પણ રાખવામાં આવ્યો નહોતો. આપણો દેશ કોંગ્રેસના ઐતિહાસિક પાપોને ક્યારેય ભૂલી શકશે નહીં. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું છે કે કોંગ્રેસે ક્યારેય ડો.મનમોહન સિંહને સન્માન આપ્યું નથી. વડાપ્રધાન તરીકે ડો. મનમોહનને ક્યારેય સ્વતંત્ર સત્તા મળી નથી. કોંગ્રેસે હંમેશા તેમની સાથે ભેદભાવ કર્યો છે. મનમોહન સિંહનું સ્મારક સંજય ગાંધી અથવા નરસિમ્હા રાવની બાજુમાં બનશે!
ડો. મનમોહન સિંહના સ્મારકના વિવાદ વચ્ચે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયના અધિકારીઓએ રવિવારે રાજઘાટમાં સ્મારક ક્યાં બની શકે, તેવી જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ સંજય ગાંધીની સમાધિ પાસેની જમીન જોઈ છે. અધિકારીઓએ એ સ્થળની પણ મુલાકાત લીધી છે જ્યાં એકતા સ્થળ પાસે પીવી નરસિમ્હા રાવની સમાધિ આવેલી છે. 23 જૂન 1980ના રોજ સંજય ગાંધીનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું. રાજઘાટ સંકુલમાં અને તેની આસપાસ 18 સ્મારકો છે
દિલ્હીના રાજઘાટ સંકુલમાં અને તેની આસપાસ 18 સ્મારકો છે, જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ, વડાપ્રધાનો અને નાયબ વડાપ્રધાનોના સ્મારકોનો સમાવેશ થાય છે. બે અપવાદો સંજય ગાંધી અને પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીનાં સ્વર્ગસ્થ પત્ની લલિતા શાસ્ત્રી છે, જેમનાં સ્મારક અહીં બનાવવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ધારાધોરણો મુજબ મનમોહન સિંહનું સ્મારક રાષ્ટ્રીય સ્મારક આ સ્થળ પર બનશે તેવું મનાય છે. આ વિવાદમાં કોણે શું કહ્યું? વર્તમાન સરકારે ભારત માતાના મહાન પુત્ર અને શીખ સમુદાયના પ્રથમ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિગમબોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરીને અપમાન કર્યું છે. - રાહુલ ગાંધી, વિપક્ષી નેતા, લોકસભા શીખ સમુદાયમાંથી આવેલા પહેલા વડાપ્રધાન અને જેને આખું વિશ્વ માન આપે છે, જેમણે 10 વર્ષ સુધી વડાપ્રધાન તરીકે સેવા કરી તેવા ડો.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર અને સમાધિ માટે ભાજપ સરકાર 1000 ગજ જમીન પણ આપી શકી નહીં. - અરવિંદ કેજરીવાલ, નેતા, AAP અત્યાર સુધીના તમામ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર રાજઘાટ પરિસરમાં થયા. તો ડો. મનમોહન સિંહ માટે રાજઘાટમાં અંતિમ સંસ્કારની જગ્યા કેમ ન આપી? આ ભાજપની નીચી વિચારધારા છે જે પોતાને સંસ્કારી પાર્ટી ગણાવે છે. ભાજપ પાર્ટી તરીકે મોટી છે પણ તેની વિચારસરણી બહુ નાની છે. કોઈ એક પણ પૂર્વ વડાપ્રધાનનું નામ આપો, જેના અંતિમ સંસ્કાર નિગમ બોધ ઘાટમાં થયા હોય. - સંજય સિંહ, નેતા, AAP મા ભારતીના સપૂતને સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો એ છે કે, ડો. મનમોહન સિંહનું સ્મારક બનાવી શકાય. દેશના લોકો સાથે કાયમ તેમની યાદો જોડાયેલી રહે. આ વિષય રાજનીતિનો નથી એટલે કોંગ્રેસ અધ્યક્ષે પત્ર લખ્યો છે કે, સ્મારકનું નિર્માણ કરવામાં આવે. - રણદીપ સુરજેવાલા, નેતા, કોંગ્રેસ સરકારે તેમના સ્મારક માટે જગ્યા આપવી જોઈએ. વાજપેયીનું સ્મારક બની શકે તો મનમોહન સિંહનું કેમ નહીં? લોકો ત્યાં આવશે, જગ્યા જોશે. ડો. મનમોહન સિંહના જીવન વિશે જાણશે તો આવનારી પેઢીને પ્રેરણા મળશે. - કેપ્ટન અમરિંદર સિંહ, નેતા, કોંગ્રેસ દિલ્હીમાં ઘણા બધા મેમોરિયલ્સ છે. તેમાં એક વધારે સ્મારક બને તો સરકારને વાંધો ન હોવો જોઈએ. સરકારે જલ્દી આના માટે જગ્યા નક્કી કરવી જોઈએ. - શશી થરૂર, નેતા, કોંગ્રેસ ખડગેને પત્ર લખવાની જરૂર શું પડે? કેન્દ્ર સરકારે સામેથી આગળ આવીને કહેવું જોઈએ કે સ્મારક અમે કરીશું. તેનું જીવન જુઓ. દેશ માટે 50-60 આપવા એ નાની વાત નથી. - અશોક ગેહલોત, નેતા, કોંગ્રેસ ડો. મનમોહન સિંહ એક યુગપુરૂષ હતા. હરતી ફરતી ઈન્સ્ટિટ્યૂટ હતા. કાળખંડ પર અમીટ છાપ છોડી ગયા છે. તેમના નામ પર રાજનીતિ ચાલી રહી છે. હું તમને એક સવાલ પૂછું છું. જો અટલજીના અંતિમ સંસ્કાર કરવાના હોય અને કોઈ એમ કહે કે, રાજઘાટ પર નહીં થાય. ત્યાં સ્મારક નહીં બને, બીજે ક્યાંક બનશે. તો ભાજપને કેવું લાગે? આ કોઈ પાર્ટીનો મુદ્દો નથી. દેશના ગૌરવમયી ઈતિહાસનો સવાલ છે. - નવજોતસિંહ સિધ્ધૂ, નેતા, કોંગ્રેસ દેશના પૂર્વ પ્રધાનમંત્રીની સમાધિના સંદર્ભમાં સન્માનની પરંપરાનું નિર્વહન થવું જોઈએ. આ વિષય પર કોઈ રાજનીતિ ન થવી જોઈએ. ડો. મનમોહનનું સ્મારક રાજઘાટ પર જ બનવી જોઈએ. પોતાના નકારાત્મક વિચારના કારણે ઈતિહાસ ભાજપને ક્યારેય માફ નહીં કરે. - અખિલેશ યાદવ, નેતા, સપા કેન્દ્ર સરકાર દેશના પહેલા શીખ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહના સન્માનમાં સ્મારક બનાવે જ્યાં તેના પરિવારની દિલની ઈચ્છા છે. - માયાવતી, નેતા, બસપા એ વાત ચોંકાવનારી છે કે, ડો, મનમોહન સિંહના પરિવારે આ પ્રતિષ્ઠિત અને ઉત્કૃષ્ઠ નેતાના અંતિમ સંસ્કાર એવા સ્થાન પર કરાવવા અનુરોધ કર્યો હતો કે જ્યાં ઐતિહાસિક સ્મારક બનાવી શકાય. જો કે કેન્દ્ર સરકારે આ અનુરોધને ફગાવી દીધો. આ અત્યંત નિંદનીય છે. અંત્યેષ્ટિ અને સ્મારક માટે ઉચિત સ્થાન રાજઘાટ જ જ હતો. - સુખબીરસિંહ બાદલ, નેતા, શિરોમણી અકાલીદળ પવન ખેડાએ 9 સવાલ ઉઠાવ્યા, ભાજપના અમિત માલવીયે તમામના જવાબ આપ્યા
પવન ખેડા : દૂરદર્શન સિવાય કોઈને અંત્યેષ્ટિ કવરેજની મંજૂરી નહોતી અપાઈ. તેમાં પણ મોદીને વધારે બતાવાયા. અમિત માલવીય : રાષ્ટ્રીય ઘટના માત્ર દૂરદર્શન જ કવર કરી શકે. આ નિર્ણય સુરક્ષા એજન્સીઓનો છે. પવન ખેડા : ડો. સિંહના પરિવાર માટે માત્ર 3 ખુરશી મૂકવામાં આવી હતી.. અમિત માલવીય : અંત્યેષ્ટિ સ્થળ પર બેસવાની વ્યવસ્થા CPWDએ દિલ્હી પોલીસ સાથે ચર્ચા કરીને કરી હતી. પવન ખેડા : ગાર્ડ ઓફ ઓનર વખતે મોદી અને બીજા મંત્રીઓ ઊભા થયા નહીં. બેઠા રહ્યા. અમિત માલવીય : અંતિમ સંસ્કાર રાજકીય અને સૈન્ય સન્માન સાથે કરવામાં આવ્યા. તેમાં કોઈ બાંધછોડ નથી થઈ. પવન ખેડા : ચિતા આસપાસ સૈનિકો જ હતા. ડો. સિંહના પરિવાર માટે પર્યાપ્ત જગ્યા નહોતી. અમિત માલવીય : ચિતા આસપાસ જેટલી જરૂર હતી, તેટલી જગ્યા આપી હતી. કોઈએ ત્યાં કબજો કર્યો નહોતો. પવન ખેડા : ડો. સિંહના અંતિમ સંસ્કાર પ્રજા જોઈ ન શકી. તેમને નિગમબોધ ઘાટમાં અંદર જતાં રોકવામાં આવ્યા. અમિત માલવીય : સ્મશાનની બહાર કાબૂ બહાર ભીડ જમા થઈ હતી. સુરક્ષાની દ્રષ્ટિએ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પવન ખેડા : અમિત શાહનો કાફલો સ્મશાનમાં પ્રવેશ્યો પછી કોઈ ગાડીને પ્રવેશ અપાયો નહીં અને ડો. મનમોહન સિંહના પરિવારની ગાડીઓને જ એન્ટર ન થવા દીધી. પરિવાર બહાર રહી ગયો. અંતે તેને શોધીને અંદર લાવવા પડ્યા. અમિત માલવીય : આ બધી જવાબદારી ટ્રાફિક પોલીસની હતી. પરિવારની કાર માટે પહેલેથી જ જાણકારી માગવામાં આવી હતી અને તેના પાસ ઈશ્યૂ કર્યા હતા. પવન ખેડા : નિગમબોધ ઘાટ પર અરાજકતા હતી. કોઈ વ્યવસ્થા નહોતી. અંતિમ યાત્રામાં આવનારા માટે કોઈ જગ્યા જ નહોતી બચી. અમિત માલવીય : શ્રદ્ધાંજલી આપવા માટે કોઈને મનાઈ નહોતી કરાઈ. બાકી રક્ષા મંત્રાલયે અંતિમ સંસ્કાર કરવાનું કામ સેનાને સોપ્યું હતું. ભાજપે એવું કેમ કીધું કે, મનમોહન સિંહ જીવતા હતા ત્યારે કોંગ્રેસે તેમને માન ન આપ્યું?
ડો. મનમોહન સિંહના ભૂતપૂર્વ મીડિયા સલાહકાર સંજ્યા બારુ તેમના પુસ્તક 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર'માં લખે છે કે કોંગ્રેસે વડાપ્રધાનપદની સત્તા મનમોહન સિંહને સોંપી દીધી હતી, પરંતુ અધિકારો નહોતા આપ્યા. પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ (PMO) ના કોન્ફિડેન્શિયલ અને અગત્યના નિર્ણયોની ફાઈલો સોનિયા ગાંધીના ઘરે એટલે કે 10-જનપથ પર જતી હતી. યુપીએ સરકારના બંને કાર્યકાળમાં પ્રધાનોની વફાદારી વડાપ્રધાન મનમોહન સિંહ પ્રત્યે ઓછી અને સોનિયા ગાંધી પ્રત્યે વધુ હતી. યુપીએ સરકારમાં મંત્રી રહી ચૂકેલા નટવર સિંહ પોતાની આત્મકથા 'વન લાઈફ ઈઝ નોટ ઈનફ'માં લખે છે કે PMO ઓફિસર પુલક ચેટર્જી રોજ PMOની મહત્વપૂર્ણ ફાઈલો સોનિયા ગાંધી પાસે લઈ જતા હતા. જોકે, 2018માં સોનિયા ગાંધીએ ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'હું મારી મર્યાદાઓ જાણું છું. હું જાણતી હતી કે મનમોહન સિંહ મારા કરતાં વધુ સારા વડાપ્રધાન બનશે. પૂર્વ PM નરસિમ્હા રાવ સાથે જોડાયેલો વિવાદ શું છે?
ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, અમારી સરકારે પક્ષાપક્ષીની ભાવનાઓથી ઉપર ઉઠીને દરેકને સન્માન આપ્યું છે. કોંગ્રેસે નહેરુ-ગાંધી પરિવારની બહાર કોઈ પણ પીએમનું સન્માન કર્યું નથી. પીવી નરસિમ્હા રાવ સાથે શું થયું તે બધા જાણે છે. હકીકતે, ગાંધી પરિવાર અને કોંગ્રેસ પર એવો ડાઘ છે કે 2004માં પીવી નરસિમ્હા રાવના અંતિમ સંસ્કાર દિલ્હીમાં કરવા દેવામાં આવ્યા નહોતા. પોલિટિકલ સાયન્સના પ્રોફેસર વિનય સીતાપતિ તેમના પુસ્તક 'હાફ લાયનઃ હાઉ પીવી નરસિમ્હા રાવ ટ્રાન્સફોર્મ્ડ ઈન્ડિયા'માં નરસિમ્હા રાવના પુત્ર પ્રભાકરને ટાંકીને લખે છે કે, સોનિયાજી મારા પિતાના અંતિમ સંસ્કાર દિલ્હીમાં થાય તેવું ઈચ્છતા નહોતાં. તે એવું પણ ઈચ્છતાં નહોતાં કે તેમનું સ્મારક અહીં બને. સંજય બારુના પુસ્તક 'હાઉ પીવી નરસિમ્હા રાવ મેડ હિસ્ટ્રી'માં લખ્યું છે કે, 23 ડિસેમ્બર 2004ના રોજ રાવના મૃત્યુ પછી ત્રિરંગામાં લપેટાયેલા તેમના પાર્થિવ દેહને કોંગ્રેસ હેડક્વાર્ટરની બહાર અડધા કલાક સુધી રાખવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસ હેડક્વાર્ટરના દરવાજા ખોલવામાં આવ્યા નહોતા. સોનિયા ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓએ બહાર આવીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી નશ્વર દેહને તેમના જન્મસ્થળ હૈદરાબાદ મોકલવામાં આવ્યો હતો અને ત્યાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 2015માં એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીવી નરસિમ્હા રાવનું સ્મારક બંધાવ્યું હતું. તેમના મૃત્યુના 10 વર્ષ પછી રાવને એકતા સ્થળ સમાધિ નામનું સ્મારક મળ્યું. 2024માં ભાજપે પીવી નરસિમ્હા રાવને મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. વિવાદો વચ્ચે પ્રણવ મુખર્જીની દીકરીએ બળતામાં ઘી હોમ્યું
ડો. મનમોહન સિંહની અંતિમ વિઘિ અને સ્મારકનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિ ડો. પ્રણવ મુખર્જીની દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ કોંગ્રેસ પર બળાપો કાઢ્યો છે. શર્મીષ્ઠા મુખર્જીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, જ્યારે પિતાનું નિધન થયું હતું ત્યારે કોંગ્રેસ પાર્ટીએ શોક વ્યક્ત કરવા વર્કિંગ કમિટિના બેઠક પણ નહોતી બોલાવી. એક વરિષ્ઠ નેતાએ મને કહ્યું કે આ રાષ્ટ્રપતિઓ માટે ન હોય. આ બકવાસ વાત છે. કારણ કે મને પછીથી પિતાજીનની ડાયરીમાંથી જાણવા મળેલું કે, કે.આર.નારાયણનના નિધન પછી કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક બોલાવવામાં આવી હતી અને તેનો શોક સંદેશ પિતાજીએ જ તૈયાર કર્યો હતો. દેશમાં કયા નેતાઓની સમાધિ બનાવવામાં આવે છે અને તેનો પ્રોટોકોલ શું છે?
દેશ માટે ઐતિહાસિક યોગદાન આપનાર નેતાઓ માટે જ સમાધિ બાંધવામાં આવે છે. તેમાં ફક્ત તે જ લોકો સામેલ છે, જેમણે દેશ માટે મહાન કામ કર્યું હોય. પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના ઉદાહરણ પરથી સમજીએ કે તેમણે 1992માં દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢ્યો હતો. તેઓ દેશના પ્રથમ શીખ વડાપ્રધાન બન્યા. તેઓ બિન-ગાંધી પરિવારમાંથી સતત બે ટર્મ માટે વડાપ્રધાન બનેલા પ્રથમ નેતા પણ હતા. તેથી મનમોહન સિંહની સમાધિ બનાવવામાં આવશે. દેશમાં, ચાર કેટેગરીના લોકો માટે સમાધિ બનાવવામાં આવે છે... આમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એકમાત્ર એવા નેતા છે, જેમની સમાધિ રાજઘાટ પર બનાવવામાં આવી છે. ભારતમાં ભૂતપૂર્વ વડાપ્રધાનોની સમાધિઓ અંગે કોઈ ચોક્કસ કાયદો નથી, પરંતુ તેને લગતી કેટલાક દિશા-નિર્દેશ અને પ્રથાઓ છે, જે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. ભૂતપૂર્વ વડાપ્રધાનોની સમાધિ અથવા અંતિમ સંસ્કાર સ્થળની જાળવણી કરવાની જવાબદારી ભારત સરકારની છે. સરકાર દ્વારા સમાધિના નિર્માણ અને જાળવણી માટે અલગ બજેટ મળે છે. આ ખર્ચમાં સમાધિ સ્થળ પર ઓટલો, મૂર્તિ, તકતી અને અન્ય જરૂરી વસ્તુઓના નિર્માણનો સમાવેશ થાય છે. સ્મારક માટેની ફાઇલ 4 મંત્રાલયોમાંથી પસાર થાય છે... અંતિમ સંસ્કાર થાય ત્યાં જ સમાધિ બનાવવી જરૂરી છે?
2013માં મનમોહન સિંહે રાજઘાટ સંકુલમાં સમાધિ બનાવવાની નીતિમાં ફેરફાર કર્યો હતો. નવી નીતિ એવી બનાવી હતી કે, સમાધિ સ્થળોનું નિર્માણ માત્ર વીવીઆઈપી અને રાષ્ટ્રીય યોગદાન આપનાર નેતાઓ માટે જ કરવામાં આવે છે. યુપીએ સરકારે તેની પાછળનું કારણ એવું આપ્યું હતું કે, જગ્યાનો અભાવ છે. દેશમાં અંત્યેષ્ટિની જગ્યાએ જ સ્મારક બનાવવાનો કોઈ બંધારણીય નિયમ નથી, પણ આ પરંપરા બની ગઈ છે. આ પહેલાં પણ ઘણી વખત આવું બન્યું છે. પૂર્વ પીએમ જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેયી જેવા ઘણા નેતાઓની સમાધિઓ ત્યાં જ બનાવવામાં આવી જ્યાં તેમની અંત્યેષ્ટિ કરવામાં આવી હોય. કોંગ્રેસે એટલા માટે જ મનમોહન સિંહની અંત્યેષ્ટિ માટે અલગ જગ્યા માગી હતી. દેશના પૂર્વ વડાપ્રધાનના સમાધિ સ્થળ ક્યાં ક્યાં છે? ( નોંધ : દેશના પૂર્વ વડાપ્રધાન વી.પી.સિંહની અંત્યેષ્ટિ 2008માં અલાહાબાદમાં થઈ હતી અને તેનું સમાધિ સ્થળ ક્યાંય નથી. તો પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનું સમાધિ સ્થળ અભય ઘાટના નામથી અમદાવાદમાં છે.) ડો. મનમોહન સિંહ પર બનેલી ફિલ્મનો વિવાદ શું છે?
ડો. મનમોહન સિંહની સાથે PMOમાં મીડિયા સલાહકાર હતા, સંજ્યા બારૂ. તેમણે ડો. મનમોહન સિંહ પર પુસ્તક લખ્યું છે, 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'. ફિલ્મ ખાસ ચાલી નહીં. ફિલ્મનો વિરોધ પણ ઘણો થયો હતો. મનમોહન સિંહના નિધન પછી પત્રકાર વીર સંઘવીએ આ ફિલ્મની ટીકા કરી હતી. હંસલ મહેતાએ તેનું સમર્થન કર્યું. હંસલ મહેતાએ ટીકાનું સમર્થન કરતાં જ અનુપમ ખેર મેદાનમાં આવ્યા ને નવો જ વિવાદ શરૂ થયો. વીર સંઘવીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, સારા માણસને ખરાબ ચીતરવા માટે મીડિયાનો ખરાબ ઉપયોગ કરવામાં આવ્યો. મનમોહન સિંહ વિશે ફેલાવાયેલા જૂઠાણાને ફિલ્મમાં બતાવાયા છે. ફિલ્મમાં મનમોહન વિશેના કામો અને તેનું સત્ય છુપાવાયું છે. આ ટ્વિટને હંસલ મહેતાએ સમર્થન કર્યું હતું. હંસલ મહેતા વિશે અનુપમ ખેરે લખ્યું કે, ફિલ્મ કોઈને ન ગમે તે પોતાનો અંગત મત છે પણ હંસલ મહેતા તમે ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ના ક્રિએટિવ ડિરેક્ટર હતા. તો હંસલ મહેતાએ જવાબ લખ્યો કે, વધારે વિવાદ ટ્વિટર પર નથી કરવો, રૂબરૂ મળીને ચર્ચા કરીશું. છેલ્લે, ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મમાં ડો. મનમોહન સિંહનો રોલ નિભાવતા અનુપમ ખેર એક ડોયલોગ બોલે છે - મુઝે કોઈ ક્રેડિટ નહીં ચાહિએ. મુઝે અપને કામ સે મતલબ હૈ, ક્યોંકિ મેરે લિએ દેશ પહલે આતા હૈ... રિયલ લાઈફમાં ડો. મનમોહન સિંહ આવા જ હતા… સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ : યશપાલ બક્ષી )


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.