EDITOR’S VIEW: હવા ઝેરી બની રહી છે:પ્રદૂષણ મામલે અમદાવાદથી અબ દિલ્હી દૂર નહીં, રોજ 2 સિગારેટ જેટલો ધુમાડો ગુજરાતીઓ શ્વાસમાં લે, એર એક્શન પ્લાનના 4 સ્ટેજ સમજો
બુધવારે મહારાષ્ટ્રમાં મતદાન છે, અહીંની રાજકીય હવા દિલ્હી જેટલી જ પ્રદૂષિત છે. પોલિટિક્સમાં એવું કહેવાય છે કે, અબ દિલ્હી દૂર નહીં...હવે પ્રદૂષણમાં પણ એવું કહેવાશે કે અમદાવાદથી અબ દિલ્હી દૂર નહીં... દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર એટલું વધી ગયું છે કે જે માણસને સ્મોકિંગની ટેવ નથી તેના ફેફસાંમાં પણ રોજ 38 સિગારેટ જેટલો ધૂમાડો જઈ રહ્યો છે. અમદાવાદ પણ દિલ્હીના પગલે આગળ વધી રહ્યું છે. આજે નહીં તો બે-પાંચ વર્ષ પછી અમદાવાદની હાલત દિલ્હી જેવી જ થવાની છે. નમસ્કાર, દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)નું સ્તર સતત ભયજનક રીતે વધતું જાય છે. AQIના માપદંડ મુજબ દિલ્હીમાં ગંભીર હાલત છે. ફેફસાં જામ થઈ જાય એટલી ખરાબ હવા છે. AQIના માપદંડમાં છેલ્લો આંકડો 500નો છે અને તે ગંભીર માનવામાં આવે છે. દિલ્હીમાં તો AQI 500ને પાર થઈ ગયો છે. દિલ્હીમાં હવાના પ્રદૂષણે લોકોને ફરીથી કોરોનાકાળના લોકડાઉનની યાદ અપાવી દીધી છે. દિલ્હીમાં 12 ધોરણ સુધી ઓનલાઈન એજ્યુકેશન કરી દેવાયું છે. 50 ટકા ઓફિસોએ વર્ક ફ્રોમ હોમ કરી નાખ્યું છે. AQIના માપદંડ શું હોય છે? દિલ્હીની હવા એટલી ખતરનાક બની ગઈ કે સ્વસ્થ વ્યક્તિ પણ બીમાર પડી શકે
દેશમાં પ્રદૂષણનું સ્તર આપનાર સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના જણાવ્યા અનુસાર, છેલ્લા 2 દિવસમાં દિલ્હીમાં પ્રદૂષણ ખૂબ જ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. 17 નવેમ્બરે AQI 441 હતો. 18 નવેમ્બરે સવારે 6 વાગ્યે AQI 500ને પાર કરી ગયો. CPCBએ આ AQI ને અતિગંભીર કેટેગરીમાં રાખ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ હવામાં શ્વાસ લેનાર સ્વસ્થ વ્યક્તિ પણ બીમાર થઈ શકે છે. ઝડપથી વધી રહેલા પ્રદૂષણની ગંભીરતાને જોતા ભારતીય હવામાન વિભાગે દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ખરાબ હવાના કારણે ફેલાયેલી ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી એરપોર્ટ પર 160થી વધુ ફ્લાઈટ્સ મોડી પડે છે. 30 જેટલી ટ્રેનો પણ 3થી 4 કલાક મોડી પડી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં 12 ધોરણ સુધીની તમામ સ્કૂલો બંધ કરવા કહ્યું છે. AQI સુધારવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના સ્ટેજ-4ના તમામ કંટ્રોલને અમલમાં મૂકવાના આદેશો આપવામાં આવ્યા છે. દિલ્હી સિવાય ક્યા રાજ્યોની હવા ખરાબ બની રહી છે?
ઉત્તર અને મધ્ય ભારતમાં દિવાળી પછી પરાળી સળગાવવાની પ્રક્રિયા શરૂ થાય છે. જેના કારણે પ્રદૂષણમાં વધારો થવાની ગતિ પણ વધવા લાગે છે. દિલ્હીની નજીકના હરિયાણા અને પંજાબમાં મોટાભાગનો પરાળી બાળવામાં આવે છે. જેના કારણે 18 નવેમ્બરે રાજધાની ચંદીગઢમાં AQI લેવલ 268 પર પહોંચ્યું હતું. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌનું AQI સ્તર 224 હતું. અમદાવાદની શું સ્થિતિ છે?
અમદાવાદ જેમ જેમ વિસ્તરતું જાય છે તેમ તેમ પ્રદૂષણ પણ વકરતું જાય છે. અમદાવાદમાં રહેતા તમામ લોકો આનો અનુભવ કરી રહ્યા છે. એ વાત કહેવામાં અતિશયોક્તિ નથી કે પ્રદૂષણની બાબતમાં અમદાવાદ પણ હવે દિલ્હીની નજીક જતું જાય છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં AQI- એર ક્વોલિટી ઈન્ડેક્સ 150થી ઉપર રહે છે ને 200ની નજીક પહોંચી જાય છે. આ સારી નિશાની નથી. વર્ષમાં એક કે બે વાર અમદાવાદના કેટલાક વિસ્તારોમાં તો 260થી 358 સુધી AQI પહોંચી ગયો હોવાનું નોંધાયું છે અને આ જૂની વાત નથી. ત્રણ મહિના પહેલાં જ અમદાવાદના એસ.જી. હાઈ વિસ્તારનો AQI 358 થઈ ગયો હતો. આવું મોટાભાગે ત્યારે થાય છે જ્યારે હવા જાડી બની જાય છે. અમદાવાદની ભૌગોલિક સ્થિતિ એવી છે કે સાંજના સમયે મોટાભાગે હવા જાડી બની જાય છે અને તેના કારણે વાહનોનો, ફેક્ટરીઓનો ધૂમાડો ઉપર નથી જઈ શકતો અને આસપાસ ફેલાયેલો રહે છે. વાતાવરણ ધૂંધળું બની જાય છે. અમદાવાદમાં સામાન્ય રીતે સાંજના સમયે શહેરના પશ્ચિમ વિસ્તારમાં 150 કે તેનાથી વધારે AQI હોય છે, આટલી માત્રામાં AQI પહોંચે તો તે સ્વાસ્થ માટે હાનિકારક છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે. બોપલનો AQI સૌથી ઊંચો, મણિનગરનો 100થી પણ નીચે
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભારતના દરેક શહેરના, દરેક વિસ્તારના સતત અપડેટેડ AQI આંકડા જાહેર કરતું રહે છે. અમદાવાદની વાત કરીએ તો બોપલમાં સૌથી વધારે પ્રદૂષણ હોય છે. ત્યાં AQI 194 રહે છે. જે 200ની નજીક પહોંચી ગયો છે. બોપલમાં પ્રદૂષણ વધારે હોવાનું કારણ સતત થઈ રહેલા બાંધકામો છે. આ પછી બીજા નંબર પર ગ્યાસપુર આવે છે. અહીંનો AQI 162 છે. બીજા વિસ્તારોની વાત કરીએ તો... દિલ્હીમાં AQI સુધારવા માટે સરકાર શું કરી રહી છે?
18 નવેમ્બરે સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ દિલ્હી સરકારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો ચોથો તબક્કો લાગુ કર્યો છે. અગાઉ સરકારે 14 ઓક્ટોબરે GRAPનો પહેલો તબક્કો અને 21 ઓક્ટોબરે બીજો તબક્કો અમલમાં મૂક્યો હતો, પરંતુ તેનાથી પ્રદૂષણ કાબૂમાં આવ્યું નહીં. વાયુ પ્રદુષણ વધવાને કારણે સરકારે GRAP નિયમ બનાવ્યો છે. AQIના સ્તર અનુસાર તેને 4 તબક્કામાં વહેંચવામાં આવે છે... હવા અતિખરાબ હોય ત્યારે હેલ્થ પર શું અસર થાય છે? ક્યા રાજ્યમાં કેટલી સિગારેટ જેટલું પ્રદૂષણ?
AQI.in નામની વેબસાઈટમાં ચોંકાવનારા લેટેસ્ટ આંકડા આપવામાં આવ્યા છે કે, ભારતમાં ક્યા રાજ્યોમાં લોકો કેટલો ધૂમાડો લઈ રહ્યા છે. આ માટે તેમણે સિગારેટનું ઉદાહરણ આપ્યું છે. ક્યા રાજ્યોમાં એક વ્યક્તિ રોજ કેટલી સિગારેટ જેટલો ધૂમાડો લઈ રહી છે? છેલ્લે, દિલ્હીમાં હવે રહેવું પણ જોખમી બનતું જાય છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે સવાલ ઉઠાવ્યો છે કે, શું ભારતે હવે દિલ્હીને બદલે તેની રાજધાની બદલીને બીજું કોઈ શહેર કરી લેવું જોઈએ? થરૂરના આ સવાલનો તમારી પાસે શું જવાબ છે? સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ... (રિસર્ચ : યશપાલ બક્ષી )
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.