સોનેથ ગોપેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે લોકમેળો ભરાયો.
*આઠ ગામોના સીમાડા વચ્ચે આવેલ છે,ગોપેશ્વર મહાદેવજીનું ધામ.*
*દર વર્ષે શ્રાવણ મહિના ના છેલ્લા દિવસે એટલે કે અમાસ ના દિવસે ભરાય છે,પરંપરાગત ભાતીગળ મેળો...*
*આજુબાજુના ગામોના હજારો લોકોની ભીડ ઉમટે છે મહાદેવજી ના દર્શન કરવા અને મેળો માણવા.*
ઉત્તર ગુજરાતમાં અનેક ઐતિહાસિક દેવસ્થાનો આવેલ છે, જેમાં સરહદી વિસ્તારના છેવાડાના સુઈગામ તાલુકામાં પણ ઘણાં બધાં પ્રાચીન દેવસ્થાનો આવેલ છે, જેમાનું ગોપેશ્વર મહાદેવ નું ધામ એટલે સુઈગામ તાલુકાના સોનેથ ગામે આઠ ગામોના સીમાડામાં અફાટ કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલ ભગવાન શિવજી નું ગોપેશ્વર ધામ, જે સોનેથ ઉપરાંત ઝંડાલા, ગઢા,કોરડા, (નવાગામ,રામપુરા),વાવડી કિલાણા અને ડાભી સહિત આઠ ગામોના સીમાડા વચ્ચે ગોપેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે, આ શિવલિંગ સ્વયંભૂ પ્રકટ થયેલું હોવાની લોકવાયકા છે,.
આ ગોપેશ્વર મહાદેવજીના શિવાલયે શ્રાવણ માસ,શિવરાત્રી, તેમજ અન્ય દિવસોમાં પણ શિવભક્તો તેમજ શ્રદ્ધાળુઓ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે,
આઠ ગામોના સીમડાના સૌંદર્ય વચ્ચે આવેલ ગોપેશ્વર મહાદેવના શિવલિંગ વિશે લોકવાયકા એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્રારા આ નિર્જન જગ્યાએ ગોપીઓ સાથે રાસલીલા રમવામાં આવતી, આ રાસલીલા જોવા માતા પાર્વતી પણ ગોપીવેશ ધારણ કરીને આવતાં, એક દિવસ શિવજીએ પાર્વતી ને પૂછતાં માતા પાર્વતી એ જણાવેલ કે તેઓ કૃષ્ણ દ્વારા રચવામાં આવતી રાસલીલા જોવા ગોપી વેશ ધારણ કરીને જાય છે. ત્યારે ભગવાન શિવજીએ પણ રાસલીલા જોવા આવવા માટેની તૈયારી દર્શાવી,એટલે માતા પાર્વતી એ સમજાવ્યું કે કૃષ્ણ ની આ રાસલીલા માં ફક્ત એક કૃષ્ણ સિવાય અન્ય કોઈ પુરુષ આ રાસલીલા માં નથી હોતા,એટલે આપ ત્યાં ના આવી શકો.ત્યારે ભગવાન શિવજી પણ ગોપી વેશ ધારણ કરીને પાર્વતીજી સાથે આ જગ્યાએ રાસલીલા જોવા આવ્યા હતા.
ભગવાન શિવજી પણ ગોપીવેશ લઈ સ્ત્રીરૂપે આ રાસલીલા માં આવ્યા છે, એ જાણી ભગવાન કૃષ્ણ એ પોતાની યોગશક્તિ થી આ નિર્જન સ્થળ પર એવી અદ્દભુત રાસલીલા રચાવી કે ભગવાન શિવજીને સમય અને સ્થળનું ભાન જ ન રહ્યું અને શિવજીને જ્યારે પોતે રાસલીલા માં સ્ત્રી વેશ લઈ ને આવ્યા છે તેનું ભાન થયું ત્યારે તેઓ ક્ષહોભ અનુભવવા લાગ્યા અને અહીં લિંગ સ્વરૂપે સમાઈ ગયા,.
સમયાંતરે પાંડવો એ વનવાસ દરમ્યાન અહીં આવેલ અને આ ગોપેશ્વર મહાદેવ ની પૂજા અર્ચના કરી હોવાનું પણ માનવામાં આવે છે, શ્રાવણ મહિનાના દર સોમવારે હોમ-હવન કરવામાં આવે છે તેમજ શિવલિંગ ના સામે જ આવેલ પાતાળગંગા કુંડમાં પિતૃ તર્પણ વિધિ પણ કરવામાં આવે છે,અને લોકો ગોપેશ્વર મહાદેવને દૂધ, દહીંની આથણી પણ ચડાવે છે, આ શિવલયની બાજુમાં આવેલ કાળભૈરવ ના મંદિર ઉપર પણ બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. અને લોકો ગોપેશ્વર મહાદેવ ના દર્શન ની સાથે કાળ ભૈરવ દાદા ના પણ દર્શન કરી ધન્યતા અનુભવે છે.
અહીં વર્ષોથી પરંપરાગત ગોપેશ્વર મહાદેવના શિવાલયે શ્રાવણી અમાસ ના દિવસે લોકમેળો ભરાય છે અને આ મેળામાં આજુબાજુના તમામ ગામોના તેમજ તમામ સમાજના લોકો ભગવાન ગોપેશ્વર મહાદેવના અને કાળ ભૈરવદાદા ના દર્શન ની સાથે કુદરતી સૌંદર્ય વચ્ચે મેળા ની અનેરી મોજ માણે છે. મેળામાં નાના-મોટા વહેપારીઓ પણ ધંધા માટે પોતાની હાટડી ઓ બનાવે જે જેવી કે મીઠાઈની દુકાનો,ફરસાણની,કટલરી ની રમકડાંની,ઠંડાં પીણાં ની,અને ભેળ-પુરી,પાણીપુરી ની લારીઓ, પાન બીડીના ગલ્લા ઓ વગેરે મેળાના આગળના દિવસે ગોઠવાઈ જતાં હોય છે અને બાળકો માટે તો ફુગ્ગા વાળા ઓ એક અનેરું આકર્ષક નું કેન્દ્ર બની જતા હોય છે,
આ મેળાને અહીંની તળપદી ભાષામાં (મતીરીયો મેળો ) પણ કહેવાય છે.
આ મેળામાં નવયુવાનો તેમજ વડીલો દેશી ઢોલના તાલે રાહડા રમતા હોય છે.તેમજ મેળામાં મધુર પાવાઓ ના સુર સાંભળીને તો જાણે બે ઘડી તો વૃંદાવનમાં જ હોઈએ તેવો આભાસ પણ આ મેળો કરાવે છે, આમ આખો દિવસ લોકો મેળાની મોજ માણે છે, અને આ મેળો ખૂબ જ શાંતિપૂર્વક યોજાય છે.
આ ગોપેશ્વર મહાદેવના શિવાલયે જવા માટે નો પાકો રસ્તાની સુવિધા ન હોવા છતાં પણ લોકો મેળામાં હજારોની સંખ્યામાં ઉમટી પડે છે, અને મેળાનો લ્હાવો માણે છે.
.(ઝાલા જીતેન્દ્રસિંહ-સુઈગામ mo.9925923862).
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.