ઝારખંડમાં સીએમના સહયોગીને ત્યાં ઇડીના દરોડા : 5.32 કરોડની રોકડ જપ્ત - At This Time

ઝારખંડમાં સીએમના સહયોગીને ત્યાં ઇડીના દરોડા : 5.32 કરોડની રોકડ જપ્ત


- રોકડ ગણવા માટે કેશ કાઉન્ટિંગ મશીન લાવવા પડયા- રાજ્યમાં અગાઉ માઇનિંગ સેક્રેટરી પૂજા સિંઘલને ત્યાંથી પણ ત્રણ કરોડની રોકડ પકડવામાં આવી હતીરાંચી : ઇડીએ ઝારખંડમાં સીએમ હેમંત સોરેનના સહયોગીને ત્યાં પાડેલા દરોડામાં ૫.૩૨ કરોડની રોકડ પકડી છે. ઇડીએ સીએમના રાજકીય પ્રતિનિધિ પંકજ મિશ્રાને ત્યાં પાડેલા દરોડામાં રોકડ એટલી હતી કે તેને ગણવા માટે કેશ કાઉન્ટિંગ મશીન લાવવા પડયા હતા. ઇડીએ આ કાર્યવાહીના ભાગરુપે ઝારખંડમાં કુલ ૧૮ સ્થળોએ દરોડા પાડયા હતા. તેણે સાહિબગંજ જિલ્લા, બેરહેઇટ અને રાજમહલ ખાતે પણ દરોડા પાડયા હતા. રાજ્યમાં ટોલ પ્લાઝાના ટેન્ડરોની ફાળવણીમાં ગેરરીતિ અંગે દરોડા પડાયા હતા.અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ ટીમોએ ૫.૩૨ કરોડની રોકડ પકડી છે અને તેણે કેટલાય દસ્તાવેજો મેળવ્યા છે જેની તેઓ સમજૂતી આપી શક્યા નથી. ગેરકાયદેસરના કોલ માઇનિંગ અંગે રાજ્ય પોલીસ સમક્ષ એફઆઇઆર નોંધાઈ છે અને ઇડી સમક્ષ પણ કેસ નોંધાયો છે. આ ઉપરાંત ઝારખંડમાં ટોલ પ્લાઝા ટેન્ડરમાં પણ ગેરરીતિની તપાસ જારી છે. આ પહેલા ફેડરલ એજન્સીએ મેમાં આઇએએસ કેડરની અધિકારી પૂજા સિંઘલ અને તેના ઉદ્યોગપતિ પતિને ત્યાં દરોડા પાડયા હતા. ૨૦૦૦ની બેચના ઓફિસર ઝારખંડના માઇનિંગ સેક્રેટરી હતા. તેના ઉદ્યોગપતિ પતિ અને બીજા લોકો મની લોન્ડરિંગમાં સંડોવાયેલા છે. તેમની સામે પણ તપાસ ચાલી રહી છે. ઇડી દ્વારા તેમની માઇનિંગ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવતા રાજ્ય સરકારે તેમને સસ્પેન્ડ કર્યા હતા. તેમની સામે અને બીજા સામે રાંચીની સ્પેશ્યલ એમએલએ કોર્ટમાં આ સપ્તાહે તહોમતનામુ ફાઇલ કરવામાં આવ્યું છે. તેમની સામે ટૂંક સમયમાં કાર્યવાહીની પ્રક્રિયા શરુ થઈ શકે છે. અધિકારીઓને હજી પણ બીજા પુરાવા મળવાની આશા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.