ઈડીએ બે કલાક સુધી સોનિયા ગાંધીની પૂછપરછ કરી : સોમવારે ફરી બોલાવશે
નવી દિલ્હી, તા.૨૧એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ગુરુવારે લગભગ બે કલાક સુધી કથિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની પૂછપરછ કરી હતી. સ્વાસ્થ્યના કારણોને પગલે આજે ફરીથી તેમની પૂછપરછ કરાઈ નહોતી. ઈડી હવે નેશનલ હેરાલ્ડ કેસમાં સોમવારે સોનિયા ગાંધીની પૂછપરછ કરશે. દરમિયાન પૂછપરછના વિરોધમાં કોંગ્રેસ નેતાઓએ દેશભરમાં રસ્તા પર ઉગ્ર દેખાવો કર્યા હતા. પોલીસે મલ્લિકાર્જુન ખડગે, શશિ થરૃર સહિત કોંગ્રેસના ૭૫ સાંસદોની અટકાયત કરી હતી.સોનિયા ગાંધી ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષા સાથે બપોરે ઈડી ઓફિસ પહોંચ્યાં હતાં. ૭૫ વર્ષનાં સોનિયા ગાંધીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઈડી ઓફિસમાં એક ડૉક્ટરને પણ હાજર રખાયો હતો અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરાઈ હતી. વધુમાં તેમના સ્વાસ્થ્યના કારણોથી તેમની પુત્રી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને ઈડી ઓફિસમાં હાજર રહેવાની મંજૂરી અપાઈ હતી. ઈડીના સૂત્રોનું કહેવું છે કે લગભગ બે કલાકની પૂછપરછ પછી સોનિયા ગાંધીએ બ્રેક લેવાની અને પૂછપરછ વહેલા પૂરી કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં અધિકારીઓ સંમત થઈ ગયા હતા. જોકે, ઈડીના અધિકારીઓએ સોનિયા ગાંધીને ૨૬મી જુલાઈએ ફરી પૂછપરછ માટે બોલાવ્યા હતા. જોકે, સોનિયાએ ૨૫મી જુલાઈનો આગ્રહ કરતાં ઈડીએ એ બાબતે પણ સંમત થઈ ગઈ હતી. ત્યાર પછી સોનિયા ગાંધી પ્રિયંકા સાથે ઈડી ઓફિસથી રવાના થઈ ગયા હતા.નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગના આરોપો મુદ્દે સોનિયા ગાંધીની પૂછપરછના વિરોધમાં કોંગ્રેસ પક્ષે દેશભરમાં દેખાવો કર્યા હતા. કોંગ્રેસ સાંસદોએ સંસદના ગેટ-૧ પર દેખાવો કર્યા. આ સિવાય કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ રસ્તા પર પણ ઉગ્ર દેખાવો કર્યા હતા. પોલીસે મલ્લિકાર્જૂન ખડગે, શશિ થરૃર સહિત ૭૫ સાંસદોની અટકાયત કરી હતી. કોંગ્રેસના ૬ કાર્યકરોની ધરપકડ કરાઈ હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ દિલ્હીમાં કાર્યકરોએ શિવાજી બ્રીજ પર ત્રણ ટ્રેનો રોકી હતી. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે એક જ પરિવારના બે સભ્યોને વારંવાર સમન્સ પાઠવવા અયોગ્ય છે. અમને આંદોલન કરવાનો અધિકાર છે. સોનિયા ગાંધીએ ઈડી સમક્ષ હાજર થતા પહેલાં વિપક્ષની એક બેઠકમાં ભાગ લીધો હતો, જેમાં તેમના અધ્યક્ષપદે ૧૩ પક્ષો હાજર રહ્યા હતા. આ બેઠકમાં વિપક્ષે કેન્દ્ર સરકારના 'બદલાના રાજકારણ'નો વિરોધ કર્યો હતો. આ બેઠકની વિશેષ બાબત એ હતી કે તેમાં તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવનો ટીઆરએસ પક્ષ પણ જોડાયો હતો. અત્યાર સુધી ટીઆરએસ કોંગ્રેસની બેઠકોથી દૂર રહ્યો હતો. વિપક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું કે, રાજકારણમાં દુશ્મની ન હોવી જોઈએ. આ લોકો વિપક્ષને દુશ્મન માને છે. પહેલા તે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતા હતા, હવે તેઓ વિપક્ષ મુક્ત ભારતની વાત કરે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.