લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર કેસમાં ઇડીએ કે.રાજેશની કસ્ટડી ઇડીને અપાઇ - At This Time

લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર કેસમાં ઇડીએ કે.રાજેશની કસ્ટડી ઇડીને અપાઇ


અમદાવાદ,તા.06 ઓગષ્ટ 2022,શનિવારસુરેન્દ્રનગર જિલ્લાના કલેકટર તરીકેના કાર્યકાળ દરમ્યાન હથિયારોના ગેરકાયદે રીતે લાયસન્સ ઇશ્યુ કરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવાના પ્રકરણમાં સીબીઆઇ દ્વારા ધરપકડ કરાયેલ રાજય સરકારના સામાન્ય વહીવટી વિભાગના જોઇન્ટ સેક્રેટરી કે.રાજેશ પર હવે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ(ઇડી) દ્વારા ગાળિયો કસાયો છે. જેના ભાગરૂપે આજે ઇડીએ કે.રાજેશની ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ મીરઝાપુર સ્થિત સ્પેશ્યલ પીએમએલએ કોર્ટ મારફતે વિધિવત્ કસ્ટડી મેળવી હતી. કોર્ટે કે.રાજેશના સાગરિત રફીક મેમણની કસ્ટડી ઇડીને આપી હતી.  કે.રાજેશના સાગરિત રફીક મેમણની પણ શનિવાર સાંજ સુધી કસ્ટડી ઇડીને અપાઇ  આવતીકાલે સાંજે ચાર વાગ્યા સુધી પૂછપરછના હેતુસર સ્પેશ્યલ પીએમએલએ કોર્ટે કે.રાજેશ અને રફીક મેમણની કસ્ટડી ઇડીને આપી હતી. કે.રાજેશ અને રફીક મેમણ સાબરમતી જેલમાં હોઇ ઇડીએ ટ્રાન્સફર વોરંટથી સ્પેશ્ય પીએમએલએ કોર્ટ મારફતે કસ્ટડી મેળવી હતી.જો કે, આજે કોર્ટમાં કેસની સુનાવણી દરમ્યાન કે.રાજેશે તેઓ તમામ તપાસ માટે તૈયાર હોવા અંગે અને કોર્ટને જે યોગ્ય લાગે તે હુકમ કરી શકે છે તેવું સ્પષ્ટ નિવેદન કર્યું હતુ. ઉલ્લેખનીય છે કે, અગાઉ કરપ્શન સીબીઆઇ સ્પેશ્યલ જજે આરોપી કે.રાજેશને તા.૧૮મી જૂલાઇ સુધી ચાર દિવસના રિમાન્ડ આપ્યા હતા, જેની મુદત પૂરી થતાં કે.રાજેશને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા. આરોપી કે.રાજેશે સરકારી હોદ્દા અને સત્તાનો દૂરપયોગ કરી પોલીસના રિપોર્ટ નેગેટિવ હોવાછતાં ગેરકાયદે રીતે ૨૭૧ હથિયારોના લાયસન્સ ઇશ્યુ કર્યા હતા. સુરેન્દ્રનગર કલેકટરના ઓફિશીયલ એકાઉન્ટમાં ડોનેશનના નામે પૈસા જમા લઇ ઉપાડયા હતા. ગેરકાયદે રીતે હથિયારોના લાયસન્સ ઇશ્યુ કરવા બદલ આરોપીએ અત્યારસુધીમાં લાખો રૂપિયાની લાંચ માંગી અને સ્વીકારી છે. એટલું જ નહી, આરોપીએ સરકારી જમીનોની પણ ખોટી રીતે ફાળવણી કરી તેમાં પણ કૌભાંડ આચરી લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાના આરોપ સીબીઆઇએ લગાવ્યા હતા. હવે આ સમગ્ર કેસમાં ઇડી ચિત્રમાં આવી છે અને તેણે આજે કે.રાજેશ અને તેના સાગરિત રફીક મેમણની કસ્ટડી મેળવી મહત્વની પૂછરપછ-તપાસ હાથ ધરી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.