વરસાદ બાદ રાજકોટ યાર્ડમાં શાકભાજીની આવક તળિયે; તહેવારો પૂર્વે ભાવમાં ભડકો
જન્માષ્ટ્રમીની રજા પૂર્વે હોટેલ્સ, રેસ્ટોરન્ટસ, ફાસ્ટ ફડ પાર્લર્સ દ્રારા ધૂમ ખરીદી: શ્રાવણમાં શાકભાજીમાં સૌથી વધુ બટેટાની આવક: વરસાદના લીધે ખેતરમાંથી શાકભાજી ઉપાડવું મુશ્કેલ
રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડમાં તાજેતરના વરસાદ બાદ શાકભાજીની આવકો ઘટીને તળિયે પહોંચી ગઇ છે. એક તરફ વરસાદના લીધે ખેતરમાંથી શાકભાજી ઉપાડી યાર્ડમાં લાવવું મુશ્કેલ બન્યું છે, બીજી બાજુ જન્માષ્ટ્રમીની રજાઓ પૂર્વે હોટેલ્સ, રેસ્ટોરન્ટસ અને ખાણીપીણીના ધંધાર્થી દ્રારા ધૂમ ખરીદી કરવામાં આવી રહી હોય ભાવમાં ભડકો થયો છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ સામાન્ય દિવસોમાં શાકભાજીની ૩૫થી ૪૦ જેટલી જણસીઓની આવક થતી હોય છે જે હાલમાં ઘટીને ૨૭ જેટલી થઇ ગઇ છે. શ્રાવણમાં શાકભાજીમાં સૌથી વધુ આવક બટેટાની થઇ રહી છે. વરસાદના લીધે ખેતરમાંથી શાકભાજી ઉપાડવું અને યાર્ડ સુધી લાવવું મુશ્કેલ બન્યું હોય તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જન્માષ્ટ્રમીનો ઉત્સવી માહોલ બની ગયો હોય હવે ખેડૂતો યાર્ડમાં આવવાનું ટાળે છે. યાર્ડમાં હોલસેલ માર્કેટમાં ભાવ વધતા રિટેલ શાક માર્કેટમાં પણ બેથી ત્રણ ગણા ભાવ વધ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.