ગુજરાતમાં નવેમ્બરના અંત કે ડિસેમ્બરની શરૂઆતમાં ચૂંટણીના સંકેત, ચૂંટણી પંચે વિવિધ વિષયો પર કરી સમીક્ષા - At This Time

ગુજરાતમાં નવેમ્બરના અંત કે ડિસેમ્બરની શરૂઆતમાં ચૂંટણીના સંકેત, ચૂંટણી પંચે વિવિધ વિષયો પર કરી સમીક્ષા


ગુજરાતમાં હાલ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે રાજ્યની મુલાકાતે આવેલા ચૂંટણીપંચના અધિકારીઓએ ચાલી રહેલી ચૂંટણીલક્ષી તૈયારીની સમીક્ષા કરી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં તમામ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. વિધાનસભા ચૂંટણીને લઈને રાજ્યમાં પૂરજોશમાં તૈયારીઓ તેજ થઇ ગઇ છે. ત્યારે તમને જણાવી દઇએ કે, હાલ ચૂંટણીપંચની ટીમના સભ્યો ગુજરાતમાં છે. નવેમ્બરના અંત સુધીમાં કે ડિસેમ્બરની શરૂઆતમાં ચૂંટણીના સંકેત દેખાઇ રહ્યાં છે. ચૂંટણીપંચે મેઇન પાવર, ટ્રાન્સપોર્ટેશન અને કાયદા-વ્યવસ્થાની સમીક્ષા પણ કરી છે. ચૂંટણીપંચે સરકારના વિવિધ વિભાગોના સચિવો સાથે પણ બેઠક કરી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ચૂંટણી પંચના અધિકારીઓ હાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે તેઓએ રાજ્યમાં ચૂંટણી માટે ચાલી રહેલી તૈયારીની સમીક્ષા કરી હતી. આ સાથે ચૂંટણી પંચના અધિકારીઓએ રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારથી સાથે જિલ્લા ચૂંટણી અધિકારીઓ, જિલ્લા પોલીસ અધીક્ષકો તેમજ પોલીસ કમિશનરો સાથે પણ સમીક્ષા બેઠક યોજી હતી.
ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા 9 વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ તૈયાર કરાઇ છે. જેમાં વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર ધર્મેન્દ્ર શર્મા, વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર નિતેશ વ્યાસ, નાયબ ચૂંટણી કમિશનર હૃદેશ કુમાર, વરિષ્ઠ અગ્ર સચિવ એન.એન. બુટોલિયા, નિયામક યશવેન્દ્ર સિંહ, નિયામક દિપાલી માસિરકર, અગ્ર સચિવ એસ. બી. જોશી, નાયબ સચિવ શુભ્રા સક્સેના અને સંયુક્ત નિયામક અનુજ ચાંડકનો સમાવેશ થાય છે.
આ ટીમે 17 અને 18 સપ્ટેમ્બરના રોજ ચૂંટણીની તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં મતદાર યાદી, SSR, EVM/VVPAT તેમજ મતદાન મથકો પર ખાતરીપૂર્વકની લઘુત્તમ સુવિધાઓ, મેનપાવર, ટ્રાન્સપોર્ટેશન, કાયદો-વ્યવસ્થા, સુરક્ષા, SVEEP, તાલીમ અને ક્ષમતા નિર્માણને આવરી લેતા તમામ મુખ્ય વિષયો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ સાથે આગામી ચૂંટણી દરમિયાન સુચારું સંચાલન સુનિશ્ચિત કરવા તમામ મહત્વના મુદ્દાઓ અંગે જિલ્લાઓમાંથી પ્રતિભાવો લેવામાં આવ્યા હતા. રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારથી અને રાજ્ય પોલીસ નોડલ ઓફિસર દ્વારા વિગતવાર પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.