ઘર પાસે ગોબર કરતી ગાયને દૂર લેવાનું કહ્યાનો ખાર રાખી કોળી દંપતી પર ત્રણ ભરવાડ શખ્સોનો હુમલા
સદગુરુ પાર્કમાં ઘર પાસે ગોબર કરતી ગાયને દૂર લેવાનું કહ્યાનો ખાર રાખી કોળી દંપતી પર ત્રણ ભરવાડ શખ્સોએ હુમલો કર્યો હતો. લાકડી-પાઈપના ઘા મારતા ઘવાયેલા કેવલભાઈ અરવિંદભાઈ ડાંગર(કોળી) અને તેના પત્ની રસ્મિતાબેનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ તરફ કુવાડવા રોડ પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ કરી હતી.
ફરિયાદી રસ્મીતાબેન કેવલભાઇ ડાંગર (કોળી) (ઉ.વ.22, રહે. સદગુરુ પાર્ક શેરી નં.2 અમરગઢ, ભીચરી)એ જણાવ્યું કે, ગઈકાલે બપોરના ચારેક વાગ્યે અમારા પાડોશમાં રહેતા લાલાભાઇ રામભાઇ ભરવાડ જેઓની ગાયો શેરીમાં અમારા ઘર પાસે પોદળા કરતી હતી.
જેથી અમે તેમને કહેલ કે, ગાયો અહીં આવવા દેતા નહીં. તેમ કહેતા તેમણે કહ્યું કે, ’ગાયો તો અહીં આવશે, થાય તેમ કરી લ્યો.’ બાદમાં રાત્રીના સાડા નવથી દશ વાગ્યા દરમ્યાન આ લાલાભાઇની જ્ઞાતિના અન્ય ત્રણેક માણસો મારા ઘર પાસે આવેલ અને મારી તેમજ મારા પતિ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. જેમાં આ ત્રણેય ભરવાડ શખ્સમાંથી બે ના હાથમાં લાકડી હતી તેમજ એકના હાથમાં પાઇપ હતો અને આ ત્રણેય શખ્સોએ લાકડી તથા પાઇપ વડે મને તથા મારા પતિને માથે શરીરે માર મારવા લાગેલ.
જેમાં મને શરીરે હાથપગે મુંઢ ઇજા થયેલ અને મારા પતિને નાકના ભાગે લાકડી મારતા લોહી નિકળવા લાગેલ. ત્યારબાદ ત્યાં માણસો ભેગા થઇ જતા આ શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. મારા નણંદ કિરણબેન ડાંગરે 108 ને ફોન કરતા 108માં અમને સરકારી હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરાયા હતા. મારા પતિ કેવલને નેણ પાસે ત્રણ ટાંકા આવ્યા છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.