પતંગ પર્વે શહેરના 47 વિજ ફીડરમાં ફોલ્ટ: સંખ્યાબંધ વિસ્તારોમાં પુરવઠો ઠપ્પ: તંત્ર દોડતું રહ્યું - At This Time

પતંગ પર્વે શહેરના 47 વિજ ફીડરમાં ફોલ્ટ: સંખ્યાબંધ વિસ્તારોમાં પુરવઠો ઠપ્પ: તંત્ર દોડતું રહ્યું


રાજકોટમાં રવિવારે ઉજવાયેલી મકરસંક્રાંતિ પતંગપર્વમાં પતંગોને કારણે સંખ્યાબંધ વિસ્તારોમાં વિજ પુરવઠો કપાતા અંધકાર છવાયો હતો અને મોડીરાત સુધી વિજ રીપેરીંગ ટીમો દોડતી રહી હતી.
પતંગ પર્વમાં પતંગ-દોરા વાયર સહિતના વિજ સંશાધનોમાં ભરાઇ જવાને કારણે વિજ ફોલ્ટ સર્જાવાનું સ્વાભાવિક હતું. વિજતંત્ર દ્વારા તાબડતોડ ફોલ્ટ રીપેરીંગ માટે આગોતરી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તમામ સબ ડીવીઝનોમાં ટીમોને રાઉન્ડ ધ ક્લોક તૈનાત રાખવામાં આવી હતી.
વિજતંત્રના સતાવાર સૂત્રોએ કહ્યું કે વિજવાયર, ટ્રાન્સફોર્મર, ફિડર વગેરેમાં પતંગ-દોરા ફસાવવા જેવા કારણોથી ઠેક ઠેકાણે ફોલ્ટ સર્જાયો હતો. કુલ 208 ફરિયાદો થઇ હતી અને મોડી રાત સુધી ફોલ્ટ રીપેરીંગની કામગીરી માટે દોડવું પડ્યું હતું. સંખ્યાબંધ વિસ્તારોમાં દિવસ દરમ્યાન ઓછામાં ઓછી એક વખત વિજ પુરવઠો કપાયાના બનાવો બન્યા હતાં.
શહેરમાં કુલ 47 ફિડરમાં ટ્રીપીંગ કે ફોલ્ટના બનાવો બન્યા હતા જેને કારણે ફીડર હેઠળના વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાયો હતો.
શહેરના સીટી ડીવીઝન હેઠળના સત્યમ, તિરુપતિ, રામેશ્ર્વર, મોરબી રોડ, આઇઓસી તથા પ્રેસ ફીડર ઉપરાંત એચડી ડીવીઝન-2 હેઠળના ગાયકવાડી, સેન્ટ્રલ જેલ, જીમખાના, આરએમસી, મીરાનગર, સંતોષનગર, ફીડર તથા એચટી-3 હેઠળના રાધિકા, માટેલ, કોઠારીયા, એટલાસ, સ્વાતિ પાર્ક, સર્વોદય, રીંગ રોડ, સાંઇબાબ જેવા ફિડર હેઠળના વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાયો હતો.
વિજતંત્રના સુત્રોએ કહ્યું કે મોટાભાગની ફરિયાદોમાં ફોલ્ટ તાબડતોડ રીપેર કરી દેવામાં આવ્યા હતા. 150 થી વધુનો ફીલ્ડ સ્ટાફ સતત દોડતો રહ્યો હતો. જો કે, કેટલાંક મોટા ફોલ્ટમાં રીપેરીંગમાં લાંબો વખત લાગતા કલાકો સુધી વિજ પુરવઠો ઠપ્પ હતો. રાજકોટમાં 208 જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 123 વિજ ફોલ્ટની ફરિયાદો હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.