ગીર સોમનાથના છેવાડાના વિસ્તાર સાપનેસની સરકારી શાળાની વિદ્યાર્થીની ક્રિષ્નાએ પાસ કરી નવોદયની પરીક્ષા* - *કોડીનાર જવાહર નવોદય વિદ્યાલયમાં નિઃશુલ્ક રહેવા-જમવાની સુવિધા સાથે આગળ અભ્યાસ કરશે ક્રિષ્ના* - At This Time

ગીર સોમનાથના છેવાડાના વિસ્તાર સાપનેસની સરકારી શાળાની વિદ્યાર્થીની ક્રિષ્નાએ પાસ કરી નવોદયની પરીક્ષા* ———- *કોડીનાર જવાહર નવોદય વિદ્યાલયમાં નિઃશુલ્ક રહેવા-જમવાની સુવિધા સાથે આગળ અભ્યાસ કરશે ક્રિષ્ના*


*“उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः।“*
*(કોઈપણ કામ મહેનતથી સિદ્ધ થાય છે, માત્ર વિચારવાથી નહીં)*
----------
*ગીર સોમનાથના છેવાડાના વિસ્તાર સાપનેસની સરકારી શાળાની વિદ્યાર્થીની ક્રિષ્નાએ પાસ કરી નવોદયની પરીક્ષા*
----------
*કોડીનાર જવાહર નવોદય વિદ્યાલયમાં નિઃશુલ્ક રહેવા-જમવાની સુવિધા સાથે આગળ અભ્યાસ કરશે ક્રિષ્ના*
----------
*દુર્ગમ અને છેવાડાના વિસ્તારના વિદ્યાર્થીઓને પણ સારું અને ઉચ્ચ શિક્ષણ મળે તે દિશામાં સરકારશ્રીના ઉત્તમ પ્રયત્ન: ક્રિષ્નાના પિતા*
----------
*યુ-ટ્યૂબ દ્વારા વીડિયો ડાઉનલોડ કરી અંતરિયાળ વિસ્તારની સરકારી શાળામાં તૈયારી કરાવતા શિક્ષકો*
----------
આલેખન:- ગૌરાંગ જોશી

*ગીર સોમનાથ, તા.૧૧:* ઉદ્યમેન હિ સિધ્યન્તિ કાર્યાણી ન મનૌરથૈ: જેનો અર્થ થાય છે કે, કોઈપણ કામ મહેનતથી જ થાય છે. માત્ર બેસીને વિચારવાથી કાર્ય થતું નથી. ગીર સોમનાથના છેવાડાના વિસ્તાર સાપનેસમાં પશુપાલનનો વ્યવસાય કરી ગુજરાન ચલાવતા બાબુભાઈ લોમાની દીકરી ક્રિષ્નાએ ઉપરોક્ત ઉક્તિ સાર્થક કરી બતાવી છે અને સરકારી શાળામાં જ ભણી પોતાના ખંત અને શિક્ષકોની મહેનતથી નવોદયની પરીક્ષા પાસ કરી જવાહર નવોદય વિદ્યાલયમાં સ્થાન મેળવ્યું છે. જેથી શિક્ષકોના અથાક પ્રયત્નો થકી એ પણ સાબિત થયું છે કે, સરકારશ્રીનો પ્રયાસ છેવાડાના વિસ્તારોમાં વસતા માનવીને પણ મુખ્યધારામાં લાવી વિકાસના મીઠા ફળ ચાખે તેવો હોય છે.

દેશ સહિત રાજ્યમાં પણ તમામ વિદ્યાર્થીઓને સારું અને ઉચ્ચ શિક્ષણ મળે તે ખૂબ આવશ્ય છે. આ દિશામાં ‘પ્રવેશોત્સવ’ સહિત સરકારશ્રી અનેક પગલાં લઈ રહ્યાં છે. ઉપરાંત દેશમાં ગરીબ વિદ્યાર્થીઓને આર્થિક મદદ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની ઘણી શૈક્ષણિક યોજના અને શિષ્યવૃત્તિઓ ઉપલબ્ધ છે. સાપનેસની ૧૧ વર્ષની ક્રિષ્ના પણ હવે ગુણવતા સભર શિક્ષણ માટેની યોજનાનો લાભ મેળવશે અને કોડીનાર ખાતે જવાહર નવોદય વિદ્યાલયમાં નિઃશુલ્ક રહેવા અને જમવાની સુવિધા સાથે ધો.૬થી૧૨ સુધીનો અભ્યાસ કરશે.

પશુપાલનનો વ્યવસાય કરતા ક્રિષ્નાના પિતા પોતાનો પ્રતિભાવ આપતા જણાવે છે કે, અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને પણ સારું અને ઉચ્ચ શિક્ષણ મળે તે દિશામાં સરકારશ્રીના ઉત્તમ પ્રયત્ન છે. સરકારી શાળાના શિક્ષકોના પ્રયત્ન પણ ખૂબ જ સરાહનીય છે. જેના કારણે જ મારી દીકરીએ સફળતા મેળવી. નવોદયની પ્રવેશ પરીક્ષામાં ધો.૬ની પ્રવેશ પરીક્ષા માટે ગીર સોમનાથમાંથી કુલ ૫૩૩૫ વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જેમાંથી ૪૯૧૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ તમામ વિદ્યાર્થીઓમાંથી ક્રિષ્ના લોમાએ પણ મેરિટમાં સ્થાન મેળવ્યું છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી એચ.કે.વાજાના જણાવ્યાનુસાર સાપનેસ એવો છેવાડાનો વિસ્તાર છે. જ્યાં ઈન્ટરનેટ સહિત અન્ય સુવિધા મેળવવી દુર્ગમ છે. જેથી યુ-ટ્યૂબ દ્વારા પહેલા જ વીડિયો ડાઉનલોડ કરી અંતરિયાળ વિસ્તારની સરકારી શાળામાં શિક્ષકો નવોદય પરીક્ષાની તૈયારી કરાવતા હતાં. જેથી વિદ્યાર્થીઓ સંખ્યાજ્ઞાન, ભૂમિતિ સંરચના, આકૃતિ પૂર્ણ, દર્પણ પ્રતિબિંબ જેવા મુદ્દાઓ સરળતાથી સમજી શકે. આવી રીતે સાપનેસના માર્ગદર્શક શિક્ષકોની મહેનતથી ટ્યૂશન વગર જ ક્રિષ્નાએ સફળતા મેળવી છે.

નોંધનીય છે કે, દરેક જિલ્લામાં નવોદયની શાળા આવેલી છે. અહીં છેવાડાના તેજસ્વી તારલાઓ સહિતના વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ સહિતની ઈત્તર પ્રવૃત્તીઓથી ઉજ્જવળ ભવિષ્ય ઘડવામાં તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તેમજ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માટે અલગ હોસ્ટેલની સુવિધા હોય છે. જે બાળકો આ શાળામાં પ્રવેશ મેળવવામાં સફળ થાય છે તેમને ભણતર, હોસ્ટેલમાં રહેવાના, સ્કૂલ યુનિફોર્મ, સ્ટેશનરી સહિત તમામ અન્ય ખર્ચમાંથી મુક્તિ મળે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.