રક્ષાબંધનની ખરીદીને લઇને બુધવારે આખો દિવસ ટ્રાફિકજામ રહ્યો
અમદાવાદ,તા.10 ઓગષ્ટ 2022, બુધવારરક્ષાબંધનના આગલા દિવસ એટલેકે બુધવારે પૂર્વ અમદાવાદના વિવિધ બજારોમાં જોરદાર ખરીદી નીકળી હતી. રાખડી, ગીફ્ટ અને મીઠાઇઓની ખરીદી માટે પડાપડી જોવા મળી હતી. જેને લઇને શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પર સવારથી જ આજે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.પૂર્વ અમદાવાદની તમામ સ્કૂલોમાં બુધવારે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાખડી બાંધવી, સુંદર કલાત્મક રાખડી બનાવવાની સ્પર્ધા,રક્ષાબંધન પર્વ પર નિબંધ સહિતની પ્રવૃતિઓનું આયોજન જોવા મળ્યું હતું. બીજી તરફ વિવિધ પોલીસ સ્ટેશનોમાં પણ વિદ્યાર્થીનીઓએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી હતી. રક્ષાબંધન ગુરૂવારે હોવાથી બુધવારથી જ બહેનો ભાઇના ઘરે જવા નીકળી ગઇ હતી. આજે એસ.ટી.સ્ટેન્ડો, ખાનગી વાહનો, લકઝરી બસોમાં ભારે ભીડ જોવા મળી હતી. મીઠાઇઓની દુકાનોમાં ભારે ખરીદી નીકળી હતી. કાલુપુર બ્રિજ, સારંગપુર બ્રિજ, લાલદરવાજા, બાપુનગર ભીડભંજન બજાર, કુબેરનગર બજાર, મણિનગર, ઇસનપુર, ધોડાસર, નરોડા સહિતના વિવિધ બજારોમાં ખરીદી માટે ભીડ રહેતા મોડી સાંજ સુધી રોડ પર ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.