જસદણમાં મંગળવારે શહેરીજનો લાખો રૂપિયાનું ઉંધીયું ઝાપટી જશે: પતંગના પેચ સાથે મનના પેચ પણ લાગશે
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણમાં કાલે મંગળવારે મકરસંક્રાંતિ પર્વની શહેરીજનો રંગેચંગેથી ઉજવણી કરશે. આ અંગે ખાસ કરીને પતંગ રસિયાઓ હજારો રૂપિયા ખર્ચી પતંગ અને દોરાની ખરીદી કરી રહ્યા છે. મંગળવારે સવારે દરેક પતંગ રસિયાઓ અગાસીઓમાં મ્યુઝિક સિસ્ટમ સાથે ગોઠવાઈ પતંગ ચગાવવાની મજા સાથે મનના પેચ પણ લગાવશે. આમ તો મકરસંક્રાંતિ દાન પુણ્યનું મુખ્યત્વે પર્વ છે. એ અનુસંધાને જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જસદણના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે પતંગ રસિયાઓ સરકારની ગાઈડ લાઈનનું ચુસ્ત રીતે પાલન કરે તો કોઈપણ રીતે બનતાં અક્સ્માતોથી બચી શકાય. જસદણની પ્રજા આમ તો સ્વાદ રસિક છે ત્યારે લાખો રૂપિયાનુ ઉંધીયું ઝાપટી જશે. આ વર્ષે શાકભાજી ઉપરાંત ખાદ્ય તેલમાં ઘટાડો હોવાથી લોકોને ઉંધીયું સસ્તું મળે એવાં એંધાણ છે. ગત દિવાળીમાં બસો થી અઢીસો રૂપિયાના કીલોના ભાવે ઉંધીયું વેચાયું હતું પણ હાલમાં લીલા શાકભાજીની આવક હોવાથી શીંગતેલ સિવાય અન્ય ઓઇલમાંથી બનાવેલ ઉંધીયું સસ્તા ભાવે વેચાણ પણ મોટાં પાયે થશે. તેથી ગરીબ મધ્યમ વર્ગના લોકોને રાહત રહેશે આમ ઉત્તરાયણ પર્વને લઈને શહેરીજનોમાં અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.