સુરતની ઘટના બાદ રાજકોટમાં રાતભર પોલીસનું પેટ્રોલિંગ - At This Time

સુરતની ઘટના બાદ રાજકોટમાં રાતભર પોલીસનું પેટ્રોલિંગ


સુરતની ઘટના બાદ રાજકોટમાં રાતભર પોલીસનું પેટ્રોલિંગ રહ્યું હતું. આ તરફ જંગલેશ્વરમાં ફૂટ માર્ચ કઢાઈ હતી. શહેરમાં 324 જગ્યાએ ગણેશ પંડાલને મંજૂરી મળી છે. ઉપરાંત, શેરીઓ - ગલીઓમાં મહોત્સવ ઉજવાઈ છે. પોલીસ બાઈક દ્વારા પણ સતત પેટ્રોલિંગ રાખશે. સંવેદનશીલ સ્થળોએ ખાસ બંદોબસ્ત ફાળવાયો છે.
ગઈકાલે શહેર પોલીસ કમિશ્નરની કચેરી ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં સીપી બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 રાજનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી રાધિકા ભારાઇ, એસીપી જયવીરદાન ગઢવી, ભરત બસીયા વગેરે એસીપી જુદી-જુદી બ્રાંચના પીઆઇ, જુદા-જુદા પોલીસ મથકના પીઆઇ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત રાજકોટના તમામ વિસ્તારોમાં થતાં સાર્વજનિક ગણેશ મહોત્સવના આયોજકો હાજર રહ્યા હતાં. તમામ આયોજકોને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે. શાંતિ બની રહે તે અંગે સહકાર આપવા અને અગાઉ કરેલા જાહેરનામાના નિયમોનું પાલક કરવા સૂચના માર્ગદર્શન અપાયું હતું.
અધિક પોલીસ કમિશ્નરે પત્રકારોને સંબોધતા જણાવેલ કે, સુરતની ઘટના બાદ રાજકોટ સીપી દ્વારા તમામ પોલીસ મથક, ખાસ શાખાના અધિકારીઓને એલર્ટ કરાયા હતા. તે રાત્રે જ રાજકોટના ખુણે-ખુણેના પંડાલોની સ્થિતિ જાણી લેવાઇ હતી. અધિકારીઓ ફિલ્ડમાં ઉતરી ગયા હતા. આયોજકોની બેઠક બોલાવાઇ હતી. જેમાં આયોજકોને સૂચનાઓ અપાઇ હતી. દરેક પોલીસ મથકના પીઆઇને નાનામાં નાની બાબતે તકેદારી રાખવા કહેવાયું હતું.
ફિલ્ડમાં રહી દરેક ગણેશ પંડાલ અને દરેક વિસ્તારમાં પહોંચી વડીલો સાથે ચર્ચા કરી કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે અંગે પગલા લેવા સુચના કરાઇ છે. દરેક સમાજના લોકોને બોલાવી શાંતિ સમિતિની બેઠક કરવા સૂચના અપાઇ છે. પીસીઆર વાનથી પેટ્રોલીંગ થાય છે. તે વધારવા સુચના કરાઇ છે. ઉપરાંત બાઇક દ્વારા અને ફૂટ પેટ્રોલીંગ કરવા પણ કહેવાયું છે.
16મીએ રાજકોટ શહેરમાં ઇદની ઉજવણી પણ થશે. જેને લઇ આગામી સમયમાં શાંતિ સમિતિની બેઠકો થશે. દરેક સમાજના લોકોને કોઇ ઘર્ષણમાં ન ઉતરવા, મનમોટાવ ન થાય તેની તકેદારી રાખવા, શાંતિજળવાઇ રહે તેમ કરવા સુચના અપાઇ હતી. આયોજકોને અપીલ કરાઈ હતી કે, ગણેશ પંડાલમાં રાત-દિવસ સ્વયંસેવકની હાજરી રાખો અને સીસીટીવી ફીટ કરાવો. ઉલ્લેખનીય છેકે, શહેરમાં 324 જગ્યાએ ગણેશ પંડાલ અંગે મંજુરી માંગતી અરજી મળી હતી. આ ઉપરાંત પણ અનેક ઘરો, ઓફિસોમાં ગણેશ મૂર્તિની સ્થાપના થઈ છે.
ત્યારે પોલીસે એમ પણ અનુરોધ કર્યો છે કે, શક્ય હોય તો એક સાથે વિસર્જન યાત્રા ન કાઢવી, સવાર અને બપોર બાદ એમ પાર્ટ પાડવા, રોડ પર એક સાઇડ ખુલ્લી રહે અને વાહન ચાલકોને પરેશાની ન થાય તેની તકેદારી પણ રાખવી. પોલીસે જુદા જુદા પોલીસ મથકોમાં શાંતિ સમિતિની બેઠક બોલાવવા પણ તજવીજ હાથ ધરી છે.
ગઈકાલે ભક્તિનગર પોલીસે રાજકોટના સંવેદનશીલ વિસ્તારોની યાદીમાં આવતા જંગલેશ્વર વિસ્તારમાં પીઆઈ એમ.એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. પોલીસની માર્ચ કોઠારીયા રોડ થઈ, દેવપરા, વિવેકાનંદ સોસાયટી, નીલકંઠ પાર્ક, કેદાર સોસાયટી, એકતા સોસાયટી, ગોવિંદનગર વગેરે સોસાયટીમાં ફરી હતી. પીઆઈ સરવૈયાએ જણાવ્યું કે, તહેવારો કોમી એખલાસ સાથે ઉજવાય અને શાંતિ જળવાઈ રહે તેમ ઉજવણી કરવા અમે લોકોને અનુરોધ કર્યો છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.