ચોમાસામાં પાણીજન્ય રોગચાળાથી બચવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા જારી – પાણી ઉકાળીને પીવું, સ્વચ્છતા રાખવી, ખુલ્લા-વાસી પદાર્થો ખાવાનું ટાળવું
રાજકોટ તા. ૨૫ જૂન - ચોમાસામાં વરસાદના કારણે પીવાનું પાણી દૂષિત થવાથી, પાણીજન્ય રોગચાળો થવાની સંભાવના રહેતી હોય છે, પરંતુ સવેળાની પૂર્વ તૈયારી અને આગોતરા આયોજનથી પાણીજન્ય રોગચાળો અટકાવી શકાય છે. આ માટે જિલ્લા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આ સાથે જાહેર જનતાને તેને અનુસરવા ખાસ અપીલ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમાં રાખવા જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શનમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પી.કે.સિંઘ અને તેમની ટીમ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, ખુલ્લામાં વેચાતા ખાદ્ય પદાર્થ જેવાકે બરફના ગોલા, કુલ્ફી, ઠંડાપીણા, લસ્સી, શેરડીનો રસ તથા વધુ પાકી ગયેલા ફળો ખાવાના ઉપયોગમાં લેવાથી કોલેરા, ઝાડા, ઝાડા-ઉલ્ટી, કમળો ટાઈફોઈ વગેરે પાણીજન્ય રોગચાળાઓ થાય છે. આ રોગચાળાથી બચવા માટે નીચે મુજબનાં પગલાઓ લેવા અતિ આવશ્યક છે.
(૧) પીવાના પાણીને ઉપયોગમાં લેતા પહેલા ૨૦ મિનિટ સુધી ઉકાળવું. ત્યારબાદ જ પીવું. અથવા ક્લોરીનેશન વાળું પાણી જ પીવું.
(ર) પીવાના ૨૦ લીટર પાણીમાં એક ક્લોરિનની ટીકડી ભૂકો કરીને દ્રાવણ બનાવીને નાંખવું અને અડધા કલાક પછી જ પીવાના ઉપયોગમાં લેવું.
(૩) ઘરોની આજુબાજુ ગંદકી કરવી નહીં, કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો.
(૪) જાહેર જગ્યાઓ જેમકે હોટલ, રેસ્ટોરન્ટ, નાસ્તાની લારીઓમાં વેચાતા વાસી અખાદ્ય પદાર્થ કે ખુલ્લામાં વેચાતા કાપેલા, પાકી ગયેલા ફળો ખાવાનું ટાળો.
(૫) ખાદ્યપદાર્થોને ઢાંકીને રાખવો. તથા દૂધ ઉકાળીને જ પીવું.
(૬) શાળા કોલેજ જેવા જાહેર સંસ્થાન અને ગ્રામ પંચાયતોના પાણી સંગ્રહસ્થાન(ટાંકી)ની નિયમિત સફાઈ થાય તેની તકેદારી રાખવી.
(૭) મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનીયા જેવા રોગોથી બચવા મચ્છરનો ઉપદ્રવ અટકાવવો.
(૯) મચ્છરનો ઉપદ્રવ અટકાવવા ઘરની આજુ બાજુ નાના ખાડા, ખાબોચિયામાં પાણી ભરાયા હોય તેને વહેતું કરો, તથા ઘરમાં જૂના ભંગાર, ટાંકી, ટાયર, તૂટેલા માટલાં, તથા જૂના પાત્રોમાં પાણી ન ભરવા દો. તુર્ત જ નિકાલ કરો.
(૧૦) આપના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો રોગચાળો નોંધાય તો તુરંત જ સ્થાનિક આરોગ્ય કાર્યકર આશાબહેનને જાણ કરો. જેથી ત્વરિત રોગ અટકાયતી પગલાં લઈ શકાય.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.