બોટાદમાં બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત બાળ લગ્નો કરનારાં લોકોને 1 લાખ સુધીનો દંડ અને 2 વર્ષ સુધીની કેદની સજા થઇ શકે છે
(અજય ચૌહાણ)
બાળલગ્ન અટકાવીએ, બોટાદ જિલ્લાને બાળ વિવાહ મુક્ત જિલ્લો બનાવીએ અને "બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન"માં આપણુ યોગદાન આપીએ બાળ લગ્ન થતાં હોય તો તેની જાણ નજીકના પોલીસ સ્ટેશને અને ૧૦૦ નંબર પર ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮ પર સંપર્ક કરો
ભારતીય પરંપરા મુજબ આગામી દિવસોમા મોટા પ્રમાણમાં લગ્નો થતાં હોય છે. તેમજ સમૂહ લગ્નનું પણ આયોજન થતું હોય છે. આ લગ્નો પૈકી ઘણી જગ્યાએ બાળ લગ્નોની પણ સંભાવના રહેતી હોય છે સમૂહ લગ્ન આયોજકો અને વર-કન્યાના માતા-પિતા સહિત અને લોકો આવા બાળ લગ્નની મદદગારીમાં સામેલ હોય તેના પર ગુનો બને છે. તેથી બોટાદ જિલ્લામાં સમુહલગ્ન આયોજન કરતી સંસ્થાઓએ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સમક્ષ સમુહલગ્નના ૧૦ દિવસ અગાઉ સમુહલગ્નમા જોડાનાર યુગલોની યાદી જરૂરી આધાર-પુરાવાઓ સાથે રજુ કરવી તેમજ સમુહલગ્નમાં એકપણ બાળલગ્ન નથી તેનુ પ્રમાણપત્ર રજુ કરવુ. આવા બાળ લગ્નોની જાણકારી બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી અથવા પોલીસને મળે તો આવા લગ્ન અટકાવી શકાય છે. જેથી લગ્ન નક્કી થાય તે પહેલાજ વર ક્ન્યાની ઉમરની ચકાસણી કરી લેવામાં આવે તો બાળ લગ્ન અંગેનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તેવો અનુરોધ તંત્રએ કર્યો છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ અને નિયમ-૨૦૦૮ મુજબ ૨૧ વર્ષથી નીચેનો યુવક અને ૧૮ વર્ષથી નીચેની યુવતીના લગ્ન કરવાં,કરાવવા કે આવા લગ્ન કરવામાં મદદગારી કરવી એ ફોજદારી ગુનો બને છે. જો આવા લગ્ન કરાવવામાં આવે તો વર કન્યાના માતા-પિતા, વર અને કન્યામાંથી જે પુખ્ત વયનું હોય તે અને લગ્ન કરાવનાર ગોર મહારાજ તેમજ કેટરર્સ, મંડપ સર્વિસ વાળા, ફોટો ગ્રાફર અને વિડિયો ગ્રાફર વગેરે મદદ કરનાર તમામ ઇસમો સામે ફોજદારી ગુનો બને છે. આ કાયદા હેઠળ રૂપિયા એક લાખ સુધીનો દંડ અને બે વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે. જો આવા લગ્ન થતાં હોય અને લગ્ન થયા પહેલા જાણ કરવામાં આવે તો આવા લગ્ન અટકાવવામાં આવે છે. અને જો લગ્ન થઈ ગયા હોય તો તેઓની સામે જરૂરી તપાસ કરી ફરિયાદ દાખલ કરવામાં આવે છે. જેથી કોઈપણ વ્યક્તિએ આ પ્રકારના લગ્ન કરવા કે કરાવવા નહી જો કોઈ બાળ લગ્ન થતાં હોય તો તેની જાણ નજીકના પોલીસ સ્ટેશને અને ૧૦૦ નંબર પર ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮ પર બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ને ફોન નંબર(૦૨૮૪૯) ૨૭૧૩૨૩ અથવા જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ફોન નંબર (૦૨૮૪૯)૨૭૧૩૨૨ પર જાણ કરવા અનુરોધ કરવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.