Maharashtra Rain: વરસાદનો કહેર, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, 251 પશુઓએ પણ ગુમાવ્યો જીવ - At This Time

Maharashtra Rain: વરસાદનો કહેર, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, 251 પશુઓએ પણ ગુમાવ્યો જીવ


મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં વરસાદે તબાહી મચાવી છે. જેના કારણે અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે. જેમાંથી 11 લોકોના મોત વીજળી પડવાથી થયા છે.

સમગ્ર મામલે વાત કરીએ તો 1 જૂનથી મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 14 લોકોના મોત થયા છે, જેમાંથી 11 લોકોના મોત વીજળી પડવાથી થયા છે. ડિવિઝનલ કમિશનરની કચેરી દ્વારા તૈયાર કરાયેલા પ્રાથમિક સર્વે રિપોર્ટમાં જણાવાયું છે કે છેલ્લા બે દિવસમાં પરભણી અને હિંગોલી જિલ્લામાં ચાર મૃત્યુ નોંધાયા છે. આ ચાર પીડિતોમાંથી બે 14 વર્ષીય છોકરો અને એક 40 વર્ષીય મહિલા છે.

મરાઠવાડાના કુલ આઠમાંથી સાત જિલ્લામાં તબાહી

પૂરના પાણીમાં તણાઈ જવાથી બે લોકોના મોત નીપજ્યા જ્યારે એક ગૌશાળા ધરાશાયી થવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. આ મૃત્યુ મરાઠવાડાના કુલ આઠ જિલ્લામાંથી સાતમાં થયા છે, જ્યારે છત્રપતિ સંભાજીનગરમાં કોઈ મૃત્યુ થયું નથી. સર્વેક્ષણ અહેવાલ મુજબ, લાતુર જિલ્લામાં સૌથી વધુ ચાર મૃત્યુ થયા છે, જ્યારે પરભણી અને નાંદેડમાં ત્રણ-ત્રણ મૃત્યુ થયા છે. અન્ય ચાર જિલ્લાઓ - જાલના, હિંગોલી, બીડ અને ધારાશિવમાં એક-એક મૃત્યુ નોંધાયા છે.

1 જૂનથી મરાઠવાડાના તમામ આઠ જિલ્લાઓમાં કુદરતી આફતોને કારણે માણસો ઉપરાંત 251 પ્રાણીઓએ પણ જીવ ગુમાવ્યા છે. જેમાંથી છેલ્લા બે દિવસમાં 99 પશુઓના મોત થયા છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.