બોટાદ-ધંધૂકામાં 50થી વધુનો ભોગ લેનાર લઠ્ઠાકાંડને પગલે બે એજન્સીના પોલીસ અધિકારીઓ વચ્ચે વિવાદ
અમદાવાદ,તા.02 ઓગષ્ટ 2022,મંગળવારબોટાદ-ધંધૂકામાં ૫૦થી વધુ લોકોના ભોગ લેનાર લઠ્ઠાકાંડના પગલે બે એજન્સીના પોલીસ અધિકારીઓ વચ્ચેના વિવાદની ચર્ચા જોરમાં છે. સરકાર વિરોધી ગતિવિધી કરતા તત્વો અને હાર્ડકોર ગુનેગારોને પકડતી બંને એજન્સીઓ વચ્ચે થયેલા મતભેદને પગલે અધિકારીઓ લડી લેવાના મૂડમાં આવી ગયા છે. આ એજન્સીઓ વચ્ચે હાલ પુરતો તો તાલમેલ તૂટી ગયાનું સૂત્રો જણાવી રહ્યા છે. એક એજન્સીને બીજી એજન્સીએ લોકેશન આપ્યું જેના આધારે લઠ્ઠાકાંડનો આરોપી ઝડપાયો હતો. જો કે, મહત્વની લિંક આપનાર એજન્સીને મહત્વ આપવાની જગ્યાએ આરોપીને પકડવાનો જશ એક જ એજન્સી ખાટી ગઈ જેને લઈને મતભેદ ઉભા થયા હતા. મુખ્ય આરોપીની ધરપકડ મામલે થયેલા મતભેદથી બંને એજન્સી લડી લેવાના મૂડમાં છેરાજ્યના અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ જીલ્લાના ગામોમાં આઠ દિવસ અગાઉ સર્જાયેલા લઠ્ઠાકાંડને ટપોટપ લોકોના મોત થવા લાગ્યા હતા. અસરગ્રસ્તોને જૂદી જૂદી હોસ્પિટલોમાં પહોંચાડવા પડેલી સ્થાનિક પોલીસને કઈ કરી શકે તેવી સ્થિતીમાં રહી ન હતી. બીજી તરફ મિથેનોલ કેમિકલથી તૈયાર થયેલા દેશી દારૂને કારણે લઠ્ઠાકાંડ સર્જાયો હોવાની વિગતો એફએસએલ રિપોર્ટ પરથી સ્પષ્ટ થઈ હતી. આ કેમિકલની હેરફેર પાછળના મુખ્ય આરોપીનું નામ પણ પોલીસ પાસે આવી ગયું હતું. રાજ્યમાં બોમ્બ બ્લાસ્ટ, દેશ વિરોધી, સરકારી વિરોધી ગેરકાયદે પ્રવૃત્તી હોય કે અન્ય કોઈ મોટા ગુનાઈત બનાવો બને ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ બંને એજન્સીને અજમાવવા આવતી હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી બંને એજન્સી તાલમેલની કામ કરી સફળ ઓપરેશનો પાર પાડી ચૂકી છે. જો કે,લઠ્ઠાકાંડેની આ તાલમેલને નજર લાગી હોય તેમ બંને એજન્સીઓ વચ્ચે વિવાદ થયો છે. લઠ્ઠાકાંડના મુખ્ય આરોપીને ઝડપી લેવા માટે બંને એજન્સીઓ વચ્ચે સંકલન ચાલી રહ્યું હતું. જે મુજબ એક એજન્સીએ બીજી એજન્સીને લોકેશન આપ્યું જેના આધારે આરોપી પકડાયો હતો. લઠ્ઠાકાંડના મુખ્ય આરોપીની ધરપકડ માટે મહત્વની લિંક આપનાર એજન્સીને સાઈડમાં રાખી બધો જશ એક એજન્સી ખાટી ગઈ હતી. આ મુદ્દે બંને એજન્સીના અધિકારીઓ વચ્ચેના સબંધોમાં કડવાશ પેદા થઈ અને પોલીસ અધિકારીઓ પણ લડી લેવાના મૂડમાં આવી ગયા હતા. હવે, આવનાર દિવસોમાં બે એજન્સી વચ્ચેની લડાઈમાં કયા પોલીસ અધિકારીનું પત્તું કપાશે અને કોણી જીત થશે તેની ચર્ચા પણ શરૂ થઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.