ડિરેક્ટર યશ ચોપરાએ શાહરૂખ ખાનને કદરૂપો કહ્યો હતો:કિંગ ખાને ‘લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલ’માં તેની કારકિર્દીના શરૂઆતી તબક્કાનો કિસ્સો શેર કર્યો
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનને તાજેતરમાં 77માં લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. એવોર્ડ બાદ શાહરૂખ ખાન સાથે વાતચીતનું સેશન યોજાયું હતું, જેમાં તેણે પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસો વિશે વાત કરી હતી. અભિનેતાએ કહ્યું છે કે તેની કારકિર્દીની શરૂઆતમાં એક નિર્દેશકે તેને કદરૂપો કહ્યો હતો. સેશન દરમિયાન શાહરૂખને પૂછવામાં આવ્યું કે તે ફિલ્મોમાં કેવી રીતે આવ્યો? આ અંગે અભિનેતાએ કહ્યું હતું કે, હું એક વખત ડિરેક્ટરની ઓફિસમાં ગયો હતો. તે ખૂબ પ્રખ્યાત છે, હું તેમનું નામ નહીં લઉં. હું તેમનું નામ લઉં તો પણ તેમને વાંધો નહીં હોય, પણ હું તેમનું નામ લેવા માંગતો નથી. તેમણે મને કહ્યું કે તમારા વિશે સૌથી આકર્ષક બાબત એ છે કે તમે કદરૂપા છો. કારણ કે અન્ય હીરો સ્વિસ ચોકલેટ જેવા દેખાય છે. હું સ્વિસ ચોકલેટ જેવો દેખાતો નહોતો, તેથી મેં કહ્યું ઠીક છે હું કદરૂપો છું, તેથી હું તેવો રોલ કરીશ. મેં એવા જ રોલ કર્યા. અને તે ફિલ્મ 'ડર' કરી હતી. શરૂઆતમાં શાહરૂખે તે દિગ્દર્શકનું નામ જાહેર કર્યું ન હતું, જો કે બાદમાં તેણે ખુલાસો કર્યો કે તેને કદરૂપો કહેનાર દિગ્દર્શક બીજું કોઈ નહીં પણ યશ ચોપરા છે. શાહરૂખ ખાને તેમની સાથે 'ડર' ફિલ્મ કરી હતી. અભિનેતાએ કહ્યું છે કે ફિલ્મ 'ડર'નું શૂટિંગ પૂરું થયા પછી યશ ચોપરાએ તેને કહ્યું હતું કે, તું આટલો કદરૂપો પણ નથી લાગતો. હું તને લવ સ્ટોરીમાં કાસ્ટ કરવા માંગુ છું. શાહરૂખે કહ્યું કે તે લવ સ્ટોરી ફિલ્મ બીજી કોઈ નહીં પણ બ્લોકબસ્ટર હિટ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' હતી. વાર્તાલાપ દરમિયાન, શાહરુખ ખાને ફિલ્મ 'ડર'નો આઇકોનિક ડાયલોગ 'આઇ લવ યુ કક્કક કિરણ' પણ ફરીથી બનાવ્યો, જેને સાંભળીને સમગ્ર સ્ટેજ તાળીઓના ગડગડાટથી ભરાઇ ગયો. 77મો લોકર્ના ફિલ્મ ફેસ્ટિવલ સ્વિત્ઝરલેન્ડના લોકર્નો શહેરમાં યોજાયો હતો. અહીં શાહરૂખ ખાનને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. જોકે, ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર એક વૃદ્ધ વ્યક્તિ સાથે શાહરૂખ ખાનનું વલણ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સને પસંદ આવ્યું ન હતું. વીડિયોમાં શાહરૂખ એક વૃદ્ધ વ્યક્તિને ધક્કો મારતો જોવા મળ્યો હતો, જેના કારણે સોશિયલ મીડિયા પર શેમ ઓન યૂ શાહરૂખ ટ્રેન્ડ થયો હતો. આ ફિલ્મ ફેસ્ટિવલમાં 2002માં રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ફિલ્મ 'દેવદાસ'ની સ્ક્રીનિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.