ભાસ્કર વિશેષ:ઓડિશાના પુરીમાં કાલે દેવસ્નાન પૂર્ણિમા... વર્ષમાં એક વાર ખૂલતા ‘સોનાના કૂવા’ના પવિત્ર જળથી મહાપ્રભુ જગન્નાથજી સ્નાન કરશે - At This Time

ભાસ્કર વિશેષ:ઓડિશાના પુરીમાં કાલે દેવસ્નાન પૂર્ણિમા… વર્ષમાં એક વાર ખૂલતા ‘સોનાના કૂવા’ના પવિત્ર જળથી મહાપ્રભુ જગન્નાથજી સ્નાન કરશે


ઓડિશાસ્થિત પુરીના જગન્નાથજી મંદિરમાં 22 જૂને થનારા અનોખા ઉત્સવ દેવસ્નાન પૂર્ણિમાની તૈયારી સંપન્ન થઈ છે. આ દિવસે મહાપ્રભુ જગન્નાથજીનો જન્મ થયો હોવાનું કહેવાય છે. આથી મહાપ્રભુ, તેમના ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીની પ્રતિમાઓને શ્રીમંદિરમાં ભક્તો સામે સ્નાન કરાવાય છે. આવું દૃશ્ય વર્ષમાં એક વાર જ જોવા મળે છે. આ વખતે પણ ભગવાનના સ્નાન માટે સોનાના કૂવામાંથી પાણી લાવવામાં આવશે. શુક્રવારે સવારે સુના ગોસાઈ (કૂવાની દેખરેખ કરનાર) દેવેન્દ્ર નારાયણ બ્રહ્મચારીની ઉપસ્થિતિમાં કૂવો ખોલવામાં આવશે. તેમણે ભાસ્કરને જણાવ્યું હતું કે આ કૂવો 4-5 ફૂટ પહોળો વર્ગાકારમાં છે. તેમાં નીચેની બાજુએ દીવાલો પર પાંડ્ય રાજા ઇન્દ્રદ્યુમ્ને સોનાની ઈંટો લગાવડાવી હતી. સિમેન્ટ-લોખંડથી બનેલું લગભગ દોઢથી બે ટન વજનનું ઢાંકણું 12થી 15 સેવક ભેગા મળીને ખોલે છે. કૂવો ખોલીએ ત્યારે તેમાંથી સોનાની ઈંટો જોઈ શકાય છે. ઢાંકણામાં એક કાણું છે તેમાંથી શ્રદ્ધાળુઓ સોનાની વસ્તુઓ તેમાં અર્પણ કરે છે. તેમાં કેટલું સોનું છે એ આજ સુધી કોઈએ ચકાસ્યું નથી. કહેવાય છે કે એ મંદિરના આંતરિક રત્નભંડાર સાથે જોડાયેલો છે, જે 1978થી બંધ છે. ત્યારથી આંતરિક રત્નભંડારનું કોઈ ઑડિટ થયું નથી. સવારે કૂવામાં ઉતર્યા વિના દોરડાની મદદથી સાફસફાઈ કરાશે. પછી પીત્તળના 108 કુંભમાં તેમાંથી પાણી ભરાશે. ઘડામાં 13 સુગંધિત વસ્તુઓ મૂકીને નારિયેળથી ઢાંકી દેવાશે. દેવસ્નાન પૂર્ણિમાએ ગડા બડુ સેવક (આ કામ માટે મંદિરમાં નિયુક્ત કરાયા છે) જ ઘડા સ્નાન મંડપમાં લાવશે અને ભગવાનને સ્નાન કરાવશે. મંદિરના પૂજાવિધાનના વરિષ્ઠ સેવક ડૉ. શરતકુમાર મોહંતીના કહેવા પ્રમાણે આ કૂવો જગન્નાથ મંદિરના પ્રાંગણમાં જ દેવી શીતલા અને તેમના વાહન સિંહની પ્રતિમાની બરાબર વચ્ચે બન્યો છે. રથયાત્ર સુધી દર્શન નહીં... દેવસ્નાન પછી ભગવાન જગન્નાથને તાવ આવે છે, તેવી પ્રથા છે. ત્યાર પછી તેઓ 15 દિવસ કોઈને દર્શન આપતા નથી. આ સમયમાં તેમના અનન્ય ભક્ત રહી ચૂકેલા આલારનાથ ભગવાન દર્શન આપે છે. 7 જુલાઈએ રથયાત્રાના બે દિવસ પહેલાં ગર્ભગૃહ ભક્તો માટે ખૂલી જાય છે. આખું વર્ષ ગર્ભગૃહમાં દર્પણ રાખીને પ્રભુની છબિને સ્નાન કરાવવાની પરંપરા
ડૉ. મોહંતીના કહેવા પ્રમાણે આખું વર્ષ ભગવાનને ગર્ભગૃહમાં જ સ્નાન કરાવાય છે પરંતુ આ સ્નાનની પ્રક્રિયા જુદી છે. તેમાં મૂર્તિની સામે મોટું દર્પણ રાખવામાં આવે છે, પછી દર્પણ પર દેખાતી પ્રભુની છબિ પર ધીરેધીરે જળ અર્પણ કરવામાં આવે છે પરંતુ દેવસ્નાન પૂનમ માટે મંદિર પ્રાંગણમાં મંચ તૈયાર થાય છે. ત્યાં ત્રણ મોટી ચોકી પર ભગવાનને બિરાજિત કરવામાં આવે છે. ભગવાનની કાષ્ટકાયાને પાણીથી રક્ષણ મળે તે માટે શરીર પર અનેક પ્રકારનાં સુતરાઉ વસ્ત્ર વીંટવામાં આવે છે. પછી મહાપ્રભુજીને 35, બળભદ્રજીને 33, સુભદ્રાજીને 22 માટલાં જળથી સ્નાન કરાવાય છે. બાકીનાં 18 માટલાં સુદર્શનજી પર ચઢાવવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.