‘છોટી કાશી’માં પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે પણ પ્રત્યેક શિવાયલોમાં ભોળાનાથનો જયજયકાર: ભક્તોના ઘોડાપુર
- 'શિવ'ની નગરીમાં આવેલા અનેક શિવાલયોમાં વહેલી સવારે શિવ ભક્તોએ મહાદેવની પૂજા- અર્ચના કરી ભાવવિભોર થયાજામનગર,તા.22 ઓગષ્ટ 2022,સોમવાર શિવની નગરી એવી 'છોટી કાશી' ના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં આજે દેવાધિદેવ મહાદેવના અતી પ્રિય એવા શ્રાવણ માસના અંતિમ સોમવારે પણ ભગવાન ભોળાનાથને રીજવવા માટેનો શિવભકતોમાં શિવમહીમાં અપરંપાર જોવા મળ્યો હતો, અને શહેરના અનેક નાના મોટા શિવાલયોમાં ભાવિકોએ વહેલી સવારથી જ કતાર લગાવી હતી, અને રુદ્રાભિષેક- જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરી 'હર હર મહાદેવ' ના નાદ સાથે ભોળાનાથને રિઝવવાનો પ્રયાસ કર્યો છે. શહેરના અનેક શિવાલયોમાં મહા આરતીની સાથે ભક્તજનોનો જયજયકાર જોવા મળ્યો હતો. 'છોટી કાશી'ના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં નાગમતી નદીના કાંઠે આવેલા પુરાણ પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર,ઉપરાંત મધ્યમાં આવેલા ભીડભંજન મહાદેવ મંદિર, તેમજ નાગેશ્વર મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, ગૌરીશંકર મહાદેવ મંદિર સહિતના નાના-મોટા અનેક શિવાલયોમાં આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે પણ ભોળાનાથ ને રિઝવવા માટે અનેક શિવભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. શહેરના મોટા ભાગના શિવાલયના દ્વારે આજે પણ વહેલી સવારથી જ શિવભક્તોની કતાર જોવા મળતી હતી, અને હાથમાં ફૂલ, બિલ્લીપત્ર, દૂધ તેમજ શીતળ જલ સહિતની પૂજા સામગ્રી સાથે ભોળાનાથને નમન કરવા માટે શિવભક્તો ઉમટી પડ્યા હતા, અને હર હર ભોલેના નાદ સાથેનો ઘંટનાદ જોવા મળ્યો હતો. શિવભક્તોમાં આ વખતે અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે, બે વર્ષના કોરોના કાર્ડ પછી શિવજીના પવિત્ર એવા શ્રાવણ માસમાં ભાવિકોને પ્રત્યેક શિવ મંદિરમાં પૂજા અર્ચના કરવા માટેની વિશાળ તક મળી હોવાથી શિવ ભક્તોના હરખની હેલી ચડી છે, અને શ્રાવણ માસનો અંતિમ સોમવાર પ્રત્યેક શિવાલયોમાં હકીકતે શિવમય માહોલ બનેલો જોવા મળ્યો હતો. શહેરના મોટાભાગના શિવાલયોના દ્વારે ભીડ ન થાય, તેના ભાગરૂપે તેમજ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય, તે માટે જામનગરના પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક સહિતની સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે, અને પ્રત્યેક શિવાલયોના દ્વારે પોલીસના જવાનો તેમજ હોમગાર્ડના જવાનો, ટ્રાફિક શાખાની ટીમ વગેરે ફરજ પર જોડાયા હતા. જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ પ્રત્યેક શિવાલયોના આસપાસના વિસ્તારમાં સફાઈ કાર્ય હાથ ધરી લેવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.