પૃથ્વી પછી મંગળ પર અમર બન્યું દેવેન્દ્ર લાલનું નામ!:પોસ્ટમાસ્ટરનો દીકરો બન્યો અમદાવાદની PRLનો ડાયરેક્ટર, મંગળ પર જ્વાળામુખીઓના વિસ્તારમાં મોટા ખાડાને નામ અપાયું 'લાલ ક્રેટર' - At This Time

પૃથ્વી પછી મંગળ પર અમર બન્યું દેવેન્દ્ર લાલનું નામ!:પોસ્ટમાસ્ટરનો દીકરો બન્યો અમદાવાદની PRLનો ડાયરેક્ટર, મંગળ પર જ્વાળામુખીઓના વિસ્તારમાં મોટા ખાડાને નામ અપાયું ‘લાલ ક્રેટર’


નાસાએ 2005માં મંગળ પર માર્સ ઓર્બિટર (અવકાશ યાન) મોકલ્યું હતું.આ ઓર્બિટરમાં ફીટ થઈ શકે તેવું એક રડાર 2006માં મોકલ્યું. આ રડારનું નામ શરદ. આ શરદ રડાર મંગળ પર ક્યાં કેટલા જ્વાળામુખી, બરફ, પાણી, ખાડા છે તેનું સંશોધન કરીને ડેટા મોકલે છે. આ રડારે થોડા દિવસો પહેલાં એવો ડેટા મોકલ્યો કે, મંગળ પર જ્વાળામુખીનો વિસ્તાર છે ત્યાં ત્રણ મોટા ખાડા છે. એમાં બે ખાડાનો એરિયા 10-10 કિલોમીટરનો છે અને એક ખાડો તો 50 કિલોમીટરની ગોળાઈનો છે. ગ્રહ પરના ખાડા માટે એસ્ટ્રોનોમીમાં ક્રેટર શબ્દ વપરાય છે. આ ત્રણ ક્રેટર્સ મળતાં વૈજ્ઞાનિકો રોમાંચિત બન્યા અને ત્રણેયનાં નામ રાખવાનું નક્કી થયું. ભારતમાં સાયન્સ રિલેટેડ જેટલા મહત્વના કામ થાય છે તેમાં મહત્વની ભૂમિકા અમદાવાદની પીઆરએલ (ફિઝિક્સ રિરર્ચ લેબોરેટરી)ની હોય છે. આ સંશોધનમાં પીઆરએલના સાયન્ટિસ્ટ પણ સામેલ હતા. આ વિજ્ઞાનીઓએ વિચાર્યું કે, મંગળ પર સૌથી મોટો ક્રેટર મળી આવ્યો છે તેને પીઆરએલના પૂર્વ ડાયરેક્ટર દેવેન્દ્ર લાલનું નામ આપવું જોઈએ. એટલે આ ક્રેટર હવે 'લાલ ક્રેટર'થી ઓળખાશે.
આટલી પૂર્વ ભૂમિકા વાંચ્યા પછી હવે એ વિગતે જાણીએ કે, મંગળ પર ખાડા (ક્રેટર) કેવી રીતે મળ્યા, પીઆરએલના પૂર્વ ડાયરેક્ટર દેવેન્દ્ર લાલ કોણ હતા, મંગળ પર શરદ રડાર કેવી રીતે કામ કરે છે...
પહેલાં જાણીએ મંગળ અને તેના ક્રેટર વિશે
મંગળ સૂર્યમંડળનો ચોથો મોટો ગ્રહ છે. સૂર્યમંડળના તમામ ગ્રહોમાં આ ગ્રહનું નિર્જીવ પર્યાવરણ પૃથ્વીને સૌથી વધુ મળતું આવે છે. વર્ષો સુધી વૈજ્ઞાનિકો મંગળ પર જીવન હોવાની શક્યતાઓ ઉપર સંશોધન કરતા રહ્યા છે. પૃથ્વીથી મંગળનું અંતર 225 મિલિયન કિલોમીટર છે. મંગળ પર નાનાં મોટા ક્રેટર્સ (ખાડા) મળીને 3 લાખ જેટલી સંખ્યા છે. તેમાંથી એક હજાર ક્રેટર્સના જ નામ રાખવામાં આવ્યા છે. ક્રેટર એટલે ખાડો એ બરાબર પણ આપણે રસ્તા પર આડાઅવળા ખાડા જોઈએ છે તેવા ખાડા નહીં પણ મોટા બાઉલ આકારના ગોળાઈ અને ઊંડાઈ ધરાવતા ક્રેટર્સ. આપણી કલ્પના એવી છે કે ઊડતી કરાબી પૃથ્વી પર ઉતરી આવે ને ફરી ઊડી જાય, પછી જે ગોળ ખાડાની નિશાની રહી જાય તે આકારના ખાડાને ક્રેટર્સ કહે છે. મંગળ પર ક્રેટર્સ મળ્યા કેવી રીતે?
મંગળ પર ક્રેટર્સ કેવી રીતે મળ્યા, તે જાણવા માટે આપણે ભૂતકાળમાં જવું પડશે. નાસાએ 2005માં મંગળ પર અભ્યાસ કરવા માટે માર્સ ઓર્બિટર (અવકાશ યાન) 2005માં મોકલ્યું હતું. આ યાન પહોંચી તો ગયું પણ તેમાં રડાર લગાવવું જરૂરી હતું. એટલે પૃથ્વી પરથી રડારને છુટ્ટું મોકલવાનું અને પછી તેને માર્સ ઓર્બિટર સાથે જોડવાનું હતું. આ માટે એક રડાર બનાવવામાં આવ્યું. સ્પેસમાં જે રડાર મોકલીએ, તેના અલગ અલગ પ્રકાર હોય છે. તેમાં 'માર્સ શાલો રડાર સાઉન્ડ' પ્રકારનું એક રડાર બનાવાવમાં આવ્યું. તેનું નામ રાખવામાં આવ્યું, શરદ. આ રડારને ઈટાલિયન સ્પેસ એજન્સી એજેંજિયા સ્પેજિયાલ ઈટાલિયાનાએ બનાવ્યું, અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ મંગળ તરફ મોકલ્યું અને શરદનું સંચાલન રોમની સેપિએન્ઝા યુનિવર્સિટી ઈન્ફોકોમ દ્વારા કરવામાં આવ્યું. શરદ રડારનું કામ એ હતું કે, તે જઈને મંગળની સપાટી પરના ફોટા મોકલે,તે પણ હાઈરિઝોલ્યુશનમાં. મંગળ ગ્રહ પર જે અવાજ આવતો હોય તે પણ મોકલે. ટૂંકમાં આ શરદ નામનું રડાર મંગળની સપાટીના ફોટા અને ત્યાં આવતો અવાજ કેપ્ચર કરીને નાસાને અને સ્પેસ એજન્સીઓને મોકલી આપે. નવેમ્બર 2006થી તે આ જ કામ કરે છે. શરદ રડારમાં હોય છે શું?
શરદ એ 20 મેગાહર્ટ્સની ફ્રિકવન્સી પર કામ કરે છે. જે 10 મેગાહર્ટ્સની બેન્ડવિથ સાથે 'ચિરપ્ડ' સિગ્નલ સંચાલિત કરે છે. ચિરપ્ડ એટલે સિગ્નલની ઉપર-નીચેની ફ્રિકવન્સી. તેની પલ્સવિડ્થ 85 હર્ટ્સ છે અને રિટ્ન થાય ત્યારે 700.28 હર્ટ્સ હોય છે. એન્ટીના 10 મીટરનું ડિપોલ હોય છે. શરદ એ ઈલેક્ટ્રોનિક બોક્સ છે (જેને એસઈબી) કહે છે. તેમાં દરેક ઈલેક્ટ્રોનિક્સ (ઈન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલર, ટ્રાન્સમીટર, રિસિવર અને એન્ટિના મેચિંગ નેટવર્ક) સામેલ છે. એક મેટલ ફ્રેમની અંદર ઈલેક્ટ્રોનિક મોડ્યુલ માટે થર્મલ રેડિએટરના રૂપમાં કામ કરે છે. માર્સ ઓર્બિટર એ ઓપન ફ્રેમ સ્પેસક્રાફ્ટ છે અને શરદને ઓટોનોમસ થર્મલ કંટ્રોલ છે. તે એન્ટેના અને બે ફાઈબર ટયૂબો દ્વારા બનાવવામાં આવ્યું છે. જેને વાળીને એક ઘોડિયાં જેવા આકારમાં મૂકવામાં આવ્યું છે. તેને એરોબ્રેકિંગથી ઉદ્દભવતી હીટીંગથી બચાવવા માટે થર્મલ ઈન્સુલેટર દ્વારા કવર કરવામાં આવ્યું છે. એકવાર રિલિઝ થયા બાદ એન્ટેના ઈલાસ્ટીક જેવા મટીરીયલથી સ્ટ્રેચ થઈને પોતાની પોઝીશન લઈ લે છે. એક મેટલ વાયર ટ્યુબની અંદરથી પસાર થઈને રેડિએટીંગ એલિમેન્ટની તપાસ કરે છે. એટલે એક એન્ટેના એવું હોય છે જે મંગળ પર ક્યા ક્યા ખનીજ છે તેની તપાસ કરે છે. શરદ રડારે મંગળ પર શું કર્યું?
શરદ રડારે મંગળના ઉત્તરી ધ્રુવ એટલે બરફ જામે છે તે વિસ્તારમાં પ્રવેશ કર્યો અને તેનાથી જાણ થઈ કે મંગળની સપાટી પર પૃથ્વીની જેમ પ્લેટ છે અને તે 300 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે. અમુક પ્લેટ 175 કિલોમીટરની છે. શરદે આ પ્લેટનો અભ્યાસ કર્યો તો જાણ થઈ કે મંગળ પર બરફ જમા થાય છે. શરદ રડારે 22 નવેમ્બર 2016ના દિવસે એવો મેસેજ આપ્યો કે, મંગળ પર આવેલા યુટોપિયા પ્લેનેટિયા ક્ષેત્રમાં મોટી માત્રામાં બરફ જમા થાય છે. આ બરફ પીગળે તો મોટું તળાવ બની જાય. જ્યારે મંગળ ગ્રહનો ઝૂકાવ વધે છે ત્યારે તેના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ પ્રવેશે છે. વાયુ મંડળ ઘટ્ટ થઈ જાય છે. જોરથી પવન ફૂંકાય છે. મંગળની સપાટી પર મોડા પ્રમાણમાં પાણી છે તે જોવા મળ્યું છે. શરદનો ઉપયોગ એના માટે પણ થાય છે કે ઉત્તર ધ્રુવીય વિસ્તારમાં દબાયેલા ક્રેટર્સને શોધી લે છે. આવા જ ત્રણ ક્રેટર્સ શરદ રડારે શોધ્યાં છે જેમંગળ પરના થાર્સિસ વિસ્તારમાં આવેલા છે. થાર્સિસ વિસ્તાર શું છે, તે જાણીએ તે પહેલાં સાયન્સના એ 'લાલ' વિશે જાણીએ જેના પરથી ક્રેટરનું નામ પણ લાલ પડ્યું છે. કોણ હતા દેવેન્દ્ર લાલ?
પ્રોફેસર દેવેન્દ્ર લાલ ભારતના મહાન વૈજ્ઞાનિકોમાંના એક હતા. તેમનો જન્મ 14 ફેબ્રુઆરી 1929ના દિવસે વારાણસીમાં થયો. તે પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાનાં હતા. તેમના પિતા પોસ્ટ માસ્ટર હતા. દેવેન્દ્ર લાલે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. 1947માં BSc અને 1949માં MScની ડિગ્રી મેળવી. ત્યાંથી તે મુંબઈ ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR)માં વિજ્ઞાની તરીકે સેવા આપવા લાગ્યા ને સાથેસાથે 1960માં બોમ્બે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી થયા. પીએચ.ડી સ્ટુડન્ટ તરીકે તેમણે TIFRમાં પ્રોફેસર બર્નાર્ડ પીટર્સની નીચે કામ કર્યું અને આ કામ કરતાં કરતાં તેમને કોસ્મિક-રેઈઝ ફિઝિક્સ અને કોસ્મિક-રેઈઝની અસરોનો અભ્યાસ કરવામાં રસ પડ્યો. કોસ્મીક-રે એટલે બ્રહ્માંડમાંથી પૃથ્વી પર આવતા તરંગો. લગ્નના અઠવાડિયાંમાં જ પત્નીને ગ્લેશિયરના સંશોધનમાં લઈ ગયા
અભ્યાસમાં ગળાડૂબ દેવેન્દ્ર લાલની સાથે TIFRમાં કામ કરતાં અરૂણા સાથે પ્રેમ થયો ને 1955માં બંનેએ લગ્ન કરી લીધા. પ્રોફેસર લાલની કામ પ્રત્યેની નિષ્ઠા અને સાયન્સમાં તેમનો રસ જુઓ. લગ્ન પછી કપલ હનિમુનમાં જાય. પણ દેવેન્દ્ર લાલ લગ્નના અઠવાડિયાંમાં જ પત્ની અરુણાને પોતાની સાથે કઠીન ફિલ્ડવર્કમાં લઈ ગયાં. હિમાલયના ગ્લેશિયરથી બનતા સરોવરોના અભ્યાસ માટે બંને ગયાં. ત્યાં ગ્લેશિયરથી બનતા સરોવરો કોસ્મોજેનિક છે કે નહીં, તેનો અભ્યાસ કરવા ગયા હતા. કોસ્મોજેનિક એટલે હિમાલયમાં બરફથી બનતા સરોવરોમાં બ્રહ્માંડથી અવતરતા કિરણોની હાજરી છે કે નહીં, તેનો અભ્યાસ કરવા ગયા હતા. 1993માં પત્ની અરૂણાનું નિધન થતાં તે માનસિક રીતે ભાંગી પડ્યા હતા. એ પછી પણ પૃથ્વી પર કોસ્મિક-રેઈઝની કેટલી તીવ્ર અસરો છે, તેના પર દેવેન્દ્ર લાલે સતત કામ કર્યું. TIFR ખાતે તેમણે ભારતની પહેલી રેડિયો કાર્બન અને ટ્રીટીયમ ડેટિંગ લેબોરેટરી શરૂ કરી. તેમના લાંબા કરિયર દરમિયાન તેમણે સતત ક્રિએટિવિટી સાથે રિસર્ચ કર્યા. તેમની કારકિર્દીની શરૂઆતમાં તેમણે 1958માં સ્ક્રિપ્સ ઇન્સ્ટિટ્યૂશન ઓફ ઓશનોગ્રાફીમાં તેમના કલિગ અને ગાઈડ જેમ્સ આર્નોલ્ડ સાથે કામ શરૂ કર્યું. સ્ક્રિપ્સ ઇન્સ્ટિટ્યૂશન ઓફ ઓશનોગ્રાફી પાછળથી કેલિફોર્નિયાની નવી રચાયેલી સાન ડિએગો યુનિવર્સિટીમાં મર્જ થઈ ગઈ.
એ પછી 1972થી 1983 સુધી અમદાવાદમાં PRL (ફિઝિક્સ રિસર્ચ લેબોટેરરી)ના ડાયરેક્ટર પદે રહ્યા. તેમણે અમદાવાદ PRLના માળખાંમાં પણ ઘણા ફેરફાર કર્યા. નવા રંગરૂપ આપ્યા. નવા વિભાગો શરૂ કરાવ્યા. તેમની એક જ ઈચ્છા હતી કે, નવી પેઢી નવા સંશોધનો કરતી થાય. PRLમાં લાંબો સમય રહ્યા પછી આર્નોલ્ડ અને પીટર સાથે સતત કોસ્મિક-રેઈઝ પર સાન ડિઆગોમાં રહીને કામ કર્યું. 1 ડિસેમ્બર 2012ના દિવસે તેમનું નિધન થયું. શું કહે છે પીઆરએલના વર્તમાન ડાયરેક્ટર?
અમદાવાદની ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી (PRL)ના વર્તમાન ડાયરેક્ટર ડો. અનિલ ભારદ્વાજે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, 1972થી 1983 સુધી દેવેન્દ્ર લાલ પીઆરએલના ડાયરેક્ટર હતા. તે દેશના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક હતા જેમણે પીઆરએલમાં ઘણી નવી ચીજો શરૂ કરી. મીટીયોર્સ (ઉલકા)ની સ્ટડી કરવું તે તેની વિશેષતા હતી. જ્યારે અમે ક્રેટર્સની શોધ કરી. ત્યારે વિચાર આવ્યો કે આને નામ આપવું જોઈએ. સૌથી મોટો ક્રેટર્સ 50 કિલોમીટરના ડાયામીટર્સનો હતો. તેનું નામ અમે લાલ ક્રેટર્સ સૂચવ્યું. દેવેન્દ્ર લાલ ભારતના પ્રસિદ્ધ કોસ્મો કેમિસ્ટ રહ્યા. તેમનું યોગદાન દેશ અને વિદેશમાં પણ નોંધપાત્ર રહ્યું છે. ક્રેટર શોધ્યા પછી નામ રાખવાની પ્રક્રિયા શું હોય છે? જવાબમાં ડો. અનિલ ભારદ્વાજ કહે છે, ક્રેટર શોધ્યા પછી તેનું નામકરણ કરવા માટે ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન છે. આ આંતરરાષ્ટ્રીય સંસ્થાન છે. તેના ક્રાઈટેરિયા હોય છે. તેની રિક્વાયર્મેન્ટ હોય છે તે મુજબ નામ મોકલીને પ્રક્રિયા કરવી પડે છે.
ભારતના મંગળ યાનનો ઉલ્લેખ કરીને તેમણે રસપ્રદ વાત એ કરી કે, મંગળયાન લોન્ચ થયું હતું 5 નવેમ્બર 2013એ. 10 મહિના પછી 24 સપ્ટેમ્બર 2014એ મંગળની કક્ષામાં સ્થાપિત થયું. તેમનો મિશન લાઈફ ટાઈમ છ મહિનાનો હતો એટલે તે છ મહિના જ કામ કરી શકવા સક્ષમ હતું, પણ તે સાડાઆઠ વર્ષથી પણ વધારે સમય સુધી મંગળ આસપાસ ફરતું રહ્યું. તેણે સતત આપણને મંગળ વિશે જાણકારી આપી. દેવેન્દ્ર લાલે કાર્બન ડેટિંગ મશીન બનાવ્યું હતું
અમદાવાદના વૈજ્ઞાનિક અને TIFRમાં દેવેન્દ્ર લાલ સાથે કામ કરી ચૂકેલા પ્રોફેસર પંકજ જોશી કહે છે કે, TIFRમાં દેવેન્દ્ર લાલની નિયુક્તિ હોમી ભાભાએ કરી હતી. હોમી ભાભાએ શરૂઆતમાં કોસ્મિક રેઈઝ એક્સપેરિમેન્ટ્સ ચાલુ કર્યા હતા. કોસ્મિક રેઈઝ એટલે એટોમિક ન્યુક્લિઆઈ એટલે પ્રોટોન અને પરમાણુંનું કેન્દ્ર હોય તેને ન્યુક્લિઆઈ કહેવાય. એટોમિક ન્યુક્લિઆઈ બહુ જ મોટામાં મોટા વેલોસિટીથી પૃથ્વી પર આવતા હોય છે. એનું ઓરિજીન આપણને ખબર નથી. માનો કે સૂર્ય છે તો તેની સૌર ઊર્જા ક્યાંથી આવે છે તે આપણને ખબર છે પણ કોસ્મિક રેઈઝ અલગ અલગ દિશામાંથી પૃથ્વી પર આવે છે. આજે પણ એ રહસ્ય જ છે. ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR)માં પ્રોફેસર યશપાલ હતા, હોમી ભાભા હતા, પ્રોફસર શ્રીકાંતન અને દેવેન્દ્ર લાલ પણ એ જ ટીમમાં હતા. પ્રોફેસર લાલે આ કામ તો કર્યું જ પણ જિયોફિઝિક્સમાં વધારે કામ કર્યું. તેમણે કાર્બન ડેટિંગ મશીન બનાવ્યું હતું એટલે હડપ્પા અને બીજી સંસ્કૃતિના અવશેષો કેટલા જૂના છે તે જાણવા માટેનું મશીન કાર્બન ડેટિંગ કહેવાય છે. એ પણ TIFRમાં બનાવ્યું હતું. એ નિડર રીતે ઓપિનિયન આપતા. સ્પષ્ટ વક્તા હતા. મારા કરતાં તો ઘણા સિનિયર હતા પણ એમની ટ્રાન્સપેરન્ટ પર્સનાલિટી હતી. હવે જાણીએ મંગળના એ વિસ્તાર વિશે જ્યાંથી આ ક્રેટર્સ મળી આવ્યા
મંગળ ગ્રહ પર પશ્ચિમ ગોળાર્ધમાં વિષુવવૃત્તની નજીક વિશાળ જ્વાળામુખી ઉચ્ચપ્રદેશ છે જેનું નામ થાર્સિસ છે. આ પ્રદેશ સૌરમંડળના સૌથી મોટા જ્વાળામુખીનું ઘર છે, જેમાં ત્રણ પ્રચંડ જ્વાળામુખી છે. જેને આર્શિયા મોન્સ, પાવોનિસ મોન્સ અને એસ્ક્રેયસ મોન્સ કહેવાય છે. બાઈબલના ગ્રીક લેટિન શબ્દ તાર્શિશ પરથી વિસ્તારનું નામ થાર્સિસ પડ્યું. મંગળના પશ્ચિમ છેડાથી પૂર્વ છેડા સુધી થાર્સિસ વિસ્તાર વિકસેલો છે અને લગભગ તે 5 હજાર કિલોમીટરમાં ફેલાયેલો છે. થાર્સિસ એ મંગળની સપાટીના 25% જેટલા વિસ્તારને આવરી લે છે. આ વિસ્તારમાં પર્વતીય ભાગો દેખાય છે તે જ્વાળામુખી છે અને બીજા ગોળાકાર નાના-મોટા ખાડા દેખાય છે તે ક્રેટર્સ છે. એમાં 50 કિલોમીટર મોટો ક્રેટર્સ છે, લાલ ક્રેટર. વારાણસીના પોસ્ટ માસ્ટરના દીકરાનું નામ વૈજ્ઞાનિક તરીકે પૃથ્વી પર તો અમર છે જ, હવે દેવેન્દ્ર લાલનું નામ મંગળ પર પણ અમર થઈ ગયું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.