EDITOR'S VIEW: દિલ્હી ચૂંટણીનું દંગલ:કેજરીવાલના પોસ્ટર, આતિશીના આંસૂ ને મોદીનો 'આપદા' પ્રહાર, જાણો, ચર્ચાસ્પદ પાંચ ચેપ્ટર - At This Time

EDITOR’S VIEW: દિલ્હી ચૂંટણીનું દંગલ:કેજરીવાલના પોસ્ટર, આતિશીના આંસૂ ને મોદીનો ‘આપદા’ પ્રહાર, જાણો, ચર્ચાસ્પદ પાંચ ચેપ્ટર


દિલ્હીની ચૂંટણી આડે હવે એક મહિનો એ કતલનો મહિનો છે. 5 ફેબ્રુઆરીએ મતદાન ને 8 ફેબ્રુઆરીએ પરિણામ આવશે. દિલ્હી પર આમ આદમી પાર્ટીનો કબજો છે. છેલ્લા પાંચ વર્ષમાં આમ આદમી પાર્ટીના મંત્રીઓ પર ઘણાં માછલાં ધોવાયાં. સત્યેન્દ્ર જૈન, સંજય સિંહ, મનીષ સિસોદિયા, અરવિંદ કેજરીવાલે જેલમાં જવું પડ્યું. આના આધારે આપ અત્યારે ઈમોશનલ વોટ બેન્ક ઊભી કરે છે. પણ કેજરીવાલ સરકારને ભાજપ ભીંસમાં લીધા કરે છે. આ બધા વચ્ચે દિલ્હીવાસીઓ મૌન છે અને આ મૌન બધા પક્ષોને અકળાવે છે. નમસ્કાર, દિલ્હી વિધાનસભાની ગયા વખતની ચૂંટણીમાં કોંગ્રેસનો ગજ વાગ્યો નહીં. પણ ભાજપ માટે દિલ્હીના દરવાજા આમ આદમી પાર્ટીએ બંધ કરી દીધા. અન્ના હજારે સાથે લોકપાલ આંદોલનમાં જોડાઈને પોતાનું કદ વધારનાર અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ હવે તે પડદા પાછળ રહીને કામ કરે છે. ભાજપ કેજરીવાલને ઘેરી રહ્યો છે અને કેજરીવાલ ભાજપ પર ભારે પડી રહ્યા છે. દિલ્હીની ચૂંટણીની જાહેરાત પહેલાં ઘણા નવા ચેપ્ટર ખુલ્યાં છે. ચેપ્ટર-1 મોદીએ કહ્યું, 'આપદા' દિલ્હી પર ત્રાટકી છે
ત્રણ દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ચૂંટણીસભાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, આ 'આપ' હકીકતમાં આપદા બનીને દિલ્હી પર ત્રાટકી છે. ભ્રષ્ટાચાર પણ કરે છે ને મહિમામંડન પણ કરે છે. ચોરી કરે છે ને સીનાજોરી પણ કરે છે. દારૂની દુકાનોમાં કૌભાંડ, બાળકોની શાળાઓમાં કૌભાંડ, ગરીબોની સારવારમાં કૌભાંડ, પ્રદૂષણ સામે લડવાના નામે કૌભાંડ... હું તો દિલ્હીમાં આયુષ્યમાન યોજના આપવા માગું છું પણ આપદાવાળા આ યોજના લાગૂ થવા દેતા નથી. નુકસાન દિલ્હીવાસીઓને થાય છે. દિલ્હીની આપદા સરકાર પાસે કોઈ વિઝન નથી. તેનું ઉદાહરણ આપણી યમુનાજી છે. મોદીએ કેજરીવાલના બંગલા પર નિશાન સાધીને કહ્યું કે, હું પણ શીશ મહેલ બનાવી શકતો હતો. પણ મારું સપનું હતું કે દેશવાસીઓને પાકું ઘર મળે. દેશ જાણે છે કે મોદીએ ક્યારેય પોતાના માટે ઘર નથી બનાવ્યું. કેજરીવાલે કહ્યું, આપદા તો ભાજપમાં આવી છે
દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે આપદા દિલ્હીમાં નહીં પરંતુ ભાજપમાં આવી છે. ભાજપ પાસે ન તો સીએમ ચહેરો છે કે ન એજન્ડા. અમે દિલ્હીમાં એટલું કામ કર્યું છે કે અમે કલાકો સુધી કામની ગણતરી કરાવી શકીએ છીએ. પીએમ તેમના 43 મિનિટના ભાષણમાં કોઈ કામ ગણાવી શક્યા નથી. કેજરીવાલે આ પલટવાર પીએમ મોદીની રેલીના દોઢ કલાક બાદ કર્યો હતો. ચેપ્ટર-2 બીધુરીનો બફાટ ને આતિશીના આંસુ
કાલકાજી સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી સિંહ સામે રમેશ બિધુરી ભાજપના ઉમેદવાર છે. બિધુરી તેમના બે નિવેદનોના કારણે વિવાદમાં આવી ગયા છે. તેણે પહેલાં કહ્યું- હું દિલ્હીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવીશ. વિવાદ થયો એટલે તેમણે આ અંગે માફી માંગી હતી. જોકે, થોડા સમય પછી તેણે એક મીટિંગમાં કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ તેના પિતા જ બદલી નાખ્યા છે. તે માર્લેનામાંથી સિંહ બની ગઈ છે. આ ઘટના પછી દિલ્હીનાં મુખ્યમંત્રી આતિશીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં આતિશીએ કહ્યું કે, ભાજપના નેતા રમેશ બિધુરીએ મારા 80 વર્ષના પિતાનું અપમાન કર્યું છે. ચૂંટણી માટે આવી ગંદી રાજનીતિ કરશો? મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આ દેશની રાજનીતિ આટલી નીચે જઈ શકે છે. આટલું બોલીને આતિશી પ્રેસ કોન્ફરન્સમાં રડવાં લાગ્યાં હતાં. આતિશીએ કહ્યું, 'હું રમેશ બિધુરીને કહેવા માંગુ છું, મારા પિતા આખી જિંદગી શિક્ષક રહ્યા છે. તેમણે હજારો ગરીબ બાળકોને ભણાવ્યા છે. હવે તે 80 વર્ષના છે અને એટલી ગંભીર હાલતમાં છે કે તે કોઈના ટેકા વગર ચાલી પણ શકતા નથી. ચેપ્ટર-3 કેજરીવાલ સામે ભાજપનું પોસ્ટર બોમ્બિંગ
ભાજપે સોશિયલ મીડિયામાં કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટરો મૂકવાનું શરૂ કર્યું છે. કેજરીવાલના અલગ અલગ ફિલ્મો સાથેના પોસ્ટરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે પણ આ પોસ્ટરની દિલ્હીવાસીઓ પર સીધી અસર થાય છે કે અવળી અસર, તે ફેબ્રુઆરીમાં ખબર પડી જશે. ભાજપે અત્યાર સુધીમાં એક પછી એક 6 જેટલા પોસ્ટરો રિલિઝ કરી દીધા છે. એક પોસ્ટરમાં પુષ્પાના ગેટઅપમાં કેજરીવાલને બતાવીને કહ્યું છે, AAP નહીં આપ-દા હૈ મૈં... તો બીજા પોસ્ટરમાં ભૂલભૂલૈયાના છોટા પંડિતના રોલમાં ફીટ કરીને લખ્યું છે- ચુનાવી હિન્દુ. સ્કેમ વેબસિરિઝના પોસ્ટરમાં કેજરીવાલને સૂટબૂટમાં બતાવીને લખ્યું છે - ફર્ઝી વોટર્સ સે ઈશ્ક હૈ... ચેપ્ટર-4 મતદાર યાદીનો વિવાદ
વિવાદ: કેજરીવાલે એવો આરોપ લગાવ્યો હતો કે, વોટિંગમાં ગરબડ કરાવવા માટે ભાજપે મતદાર યાદીમાંથી 5000 મતદાતાઓના નામ ડિલિટ કરાવી નાખ્યા. ઈલેક્શન કમિશનરનો જવાબ : મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે કહ્યું, 'મતદાર યાદી માટે અનેક સવાલો ઉઠી રહ્યા છે. મતદાર યાદીમાંથી નામો કાઢી નાખવાની ફરિયાદ કરવામાં આવી હતી. દરેક પ્રશ્નનો જવાબ આપવો એ અમારી જવાબદારી છે. અમારો જવાબ સ્પષ્ટ છે. આજે દરેક સવાલનો જવાબ મળશે. જો છેલ્લી 30 ચૂંટણીના આંકડા જોઈએ તો અન્ય પક્ષોને વધુ વોટ મળ્યા છે. મતદાર યાદીમાંથી નામો દૂર કરવાની પ્રક્રિયા છે, જેમાં ચૂંટણી પંચથી લઈને BLO સુધીની દરેક વ્યક્તિ મહત્વની ભૂમિકા ભજવે છે. આના વિના કોઈ નામ કાઢી શકાતું નથી. ચેપ્ટર-5 ઈવીએમમાં ગરબડનો આરોપ, ECનો જવાબ
વિવાદ: આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ ઈવીએમમાં ગરબડ કરીને પરિણામ પલટી નાખે છે. ઈલેક્શન કમિશનરનો જવાબ : દેશમાં સંપૂર્ણ રીતે નિષ્પક્ષ રીતે ચૂંટણી થઈ રહી છે. ચૂંટણી પંચ પર પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેનો કોઈ આધાર નથી. EVM બિલકુલ સેફ છે. તમામ EVM એજન્ટની સામે સીલ કરીને મોકલવામાં આવે છે. ઈવીએમમાં ​​પાર્ટી એજન્ટની સામે ચૂંટણી ચિહ્નો નાખવામાં આવે છે. ચૂંટણી ચિહ્નો સાતથી આઠ દિવસ અગાઉ મુકવામાં આવે છે. આ અંગે દરેક પક્ષને જાણ કરવામાં આવી છે. ઈવીએમની સમગ્ર પ્રક્રિયા ટ્રાન્સપેરન્ટ છે. ઈવીએમમાં ​​કોઈ ગેરકાયદેસર વોટ નાંખી શકે નહીં. દિલ્હીની રાજનીતિમાં એક વર્ષમાં 3 ઉથલ પાથળ જોવા મળી 1. 176 દિવસ જેલમાં રહીને કેજરીવાલ બહાર આવ્યા
EDએ 21 માર્ચે દારૂ નીતિ કેસમાં કેજરીવાલની ધરપકડ કરી હતી. કેજરીવાલે લગભગ 176 દિવસ જેલમાં વિતાવ્યા. હાલમાં જામીન પર બહાર છે. તેની સામે બે તપાસ એજન્સીઓ (ED અને CBI)એ કેસ નોંધ્યો છે. સુપ્રીમ કોર્ટે 12 જુલાઈએ તેમને ED કેસમાં જામીન આપ્યા હતા. તો 13 સપ્ટેમ્બરના રોજ સીબીઆઈ કેસમાં જામીન મળ્યા પછી તે તિહાર જેલમાંથી બહાર આવ્યા. 2. મોદીના જન્મદિવસે જ કેજરીવાલનું રાજીનામું
15 સપ્ટેમ્બરે જેલમાંથી બહાર આવવાના ત્રીજા દિવસે કેજરીવાલે પાર્ટી ઓફિસમાં કહ્યું- 'ભાજપે મારા પર બેઈમાની અને ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે, હવે જનતામાં મારી ઈમાનદારીનો ન્યાય થશે. હવે જનતાની અદાલતનો નિર્ણય આવશે. બે-ત્રણ દિવસમાં ધારાસભ્યોની બેઠકમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. હું ચૂંટણી સુધી મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહીં. આ પછી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરે સાંજે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આતિશી અને અન્ય 4 મંત્રીઓ પણ તેમની સાથે હાજર હતા. આ પછી તરત જ આતિશીએ નવી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. 3. આતિશી દિલ્હીના નવાં મુખ્યમંત્રી બન્યાં
​​​​​​​આતિશીએ 21 સપ્ટેમ્બરે દિલ્હીના 9મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શપથ બાદ આતિશીએ અરવિંદ કેજરીવાલના ચરણ પણ સ્પર્શ્યા હતા. તે દિલ્હીની સૌથી નાની વય (43 વર્ષ) સીએમ બન્યાં હતાં. આ પહેલાં કેજરીવાલ 45 વર્ષની વયે સીએમ બન્યા હતા. સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત પછી આતિશી દિલ્હીનાં ત્રીજાં મહિલા સીએમ છે. દિલ્હીના રાજકારણમાં આમ આદમી પાર્ટીનો દબદબો
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી છેલ્લા ત્રણ વખતથી દિલ્હીમાં સરકાર ચલાવી રહી છે. 2013ની ચૂંટણીમાં AAP પહેલીવાર સત્તામાં આવી હતી. તે વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નહોતી. તે ચૂંટણીમાં ભાજપે 33.12 ટકા મતો સાથે 31 બેઠકો જીતી હતી. પહેલીવાર ચૂંટણી લડનાર AAPએ 29.64 ટકા મતો સાથે 28 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 24.67 ટકા વોટ મળ્યા અને 8 સીટો પર AAPએ કોંગ્રેસના સમર્થન સાથે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં સરકાર બનાવી. તેમની પહેલી સરકાર લાંબો સમય ટકી શકી નહીં. જેના કારણે 2015માં ફરી એકવાર વિધાનસભાની ચૂંટણી કરવી પડી હતી. AAPએ આ ચૂંટણીમાં 70માંથી 67 બેઠકો જીતીને ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. ભાજપ માત્ર ત્રણ સીટો જીતી શકી હતી. કોંગ્રેસને એક પણ બેઠક મળી નહોતી. આ પછી AAP 2020માં યોજાયેલી ચૂંટણીમાંAAP 70 માંથી 62 સીટો જીતવામાં સફળ રહી. ભાજપને આઠ બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં પણ કોંગ્રેસને એકપણ સીટ નહોતી મળી. દિલ્હી વિધાનસભાની 2020ની ચૂંટણીનું પરિણામ
દિલ્હી વિધાનસભાની કુલ 70 સીટ છે અને તેમાંથી બહુમતી માટે 36 સીટની જરૂર હોય છે. પાંચ વર્ષ પહેલાં 2020માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે પરિણામો આ મુજબ હતાં. આ વખતની દિલ્હી ચૂંટણીનું ગણિત છેલ્લે, શાયરાના અંદાજમાં કટાક્ષ કરનારા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે દિલ્હીની ચૂંટણીની જાહેરાત પછી પણ શાયરાના અંદાજમાં કટાક્ષ કરી દીધો હતો. સબ સવાલ અહમિયત રખતે હૈં, જવાબ તો બનતા હૈ આદતન કલમબંદ જવાબ દેતે હૈં, આજ તો રૂબરૂ ભી બનતા હૈ ક્યા પતા હમ કલ હોં ન હોં આજ જવાબ તો બનતા હૈ… સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ : યશપાલ બક્ષી )


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.