વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 400ને પાર થયો:હજુ પણ 180 લોકો ગુમ, 8મા દિવસે સર્ચ ઓપરેશન ચાલુ; 181 મૃતદેહના માત્ર ટુકડા જ મળ્યા - At This Time

વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 400ને પાર થયો:હજુ પણ 180 લોકો ગુમ, 8મા દિવસે સર્ચ ઓપરેશન ચાલુ; 181 મૃતદેહના માત્ર ટુકડા જ મળ્યા


​​​​​​કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 402 પર પહોંચી ગયો છે. જેમાંથી 181 લોકોના મૃતદેહના માત્ર ટુકડા જ મળ્યા હતા. 180 લોકો હજુ પણ ગુમ છે. આજે (6 ઓગસ્ટ) સર્ચ ઓપરેશનનો 8મો દિવસ છે. રેસ્ક્યુ ટીમ આજે સોચીપારાના સનરાઈઝ વેલી વિસ્તારમાં સર્ચ કરશે. આ એક એવો દુર્ગમ વિસ્તાર છે, જ્યાં અત્યાર સુધી બચાવ કાર્ય કરવામાં આવ્યું નથી. એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા એક ટીમ અહીં પહોંચશે. અસરગ્રસ્ત વિસ્તારોને 6 ઝોનમાં વહેંચીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અહીં, પુથુમાલામાં સોમવારે મોડી રાત્રે ભૂસ્ખલનમાં માર્યા ગયેલા 29 અજાણ્યા લોકો અને 154 શરીરના ટુકડાના સામૂહિક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મંગળવારે તેમના આત્માની શાંતિ માટે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે. વાયનાડમાં 29-30 જુલાઈના રોજ સવારે 2 અને 4 વાગ્યાની આસપાસ મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટામાલા અને નૂલપુઝા ગામમાં ભૂસ્ખલન થયું હતું. અનેક મકાનો, પુલ, રસ્તા તુટી ગયા અને વાહનો તણાઈ ગયા હતા. પાલતુ કૂતરો ટીપુ 6 દિવસ પછી ઘરે પાછો ફર્યો
વાયનાડમાં ભૂસ્ખલન બાદ ગુમ થયેલો પાલતુ કૂતરો ટીપુ 6 દિવસ બાદ સોમવારે પોતાના ઘરે પરત ફર્યો હતો. બચાવ ટીમ હ્યુમન સોસાયટી ઈન્ટરનેશનલને પૂરના પાણીમાં ડૂબેલા ઘરમાં ટીપુ ફસાયેલો મળ્યો હતો. હ્યુમન સોસાયટીના હેમંત બાયટ્રોયે કહ્યું કે, અમે ટીપુને સુરક્ષિત રીતે બચાવીને ખૂબ જ ખુશ છીએ. તેમણે એમ પણ કહ્યું કે અમે હજુ સેંકડો ફસાયેલા પ્રાણીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હવે ટીપુને પશુપાલન વિભાગમાં લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેની મંડિકલ સારવાર કરાશે. પીડિતે કહ્યું- મારો પરિવાર, મારું ઘર બધું જ ખતમ થઈ ગયુંબીજી તરફ, વાયનાડના ચુરલમાલામાં રહેતા 42 વર્ષીય મન્સૂરે પીટીઆઈને જણાવ્યું - તે દિવસે હું મારા ઘરે ન હતો. મેં એક જ રાતમાં પરિવારના 16 સભ્યો ગુમાવ્યા. અત્યાર સુધી માત્ર 4 લોકોના મૃતદેહ મળ્યા છે. પુત્રનો મૃતદેહ મળી આવ્યો છે. હજી 12 લોકો લાપતા છે. મન્સુરે વધુમાં કહ્યું કે આ ઘટનામાં મારો પરિવાર, મારું ઘર બધું જ ખતમ થઈ ગયું છે. હવે મારી પાસે કંઈ બચ્યું નથી. હું અત્યારે મારા ભાઈ નાસિર સાથે રહું છું. ભૂસ્ખલન સ્થળથી દૂર રહેતા મન્સૂરના ભાઈ નાસિરે કહ્યું કે ઘટના પહેલા અધિકારીઓ દ્વારા કોઈ એલર્ટ આપવામાં આવ્યું નહોતી. જ્યારે પાણી વધી રહ્યું હતું, ત્યારે મેં મારા ભાઈના પરિવારને મારા ઘરે આવવા કહ્યું. તેઓએ કહ્યું કે તેઓ સુરક્ષિત છે, પરંતુ આ દુર્ઘટનામાં હવે બધું ખતમ થઈ ગયું છે.​​​​​​​​​​​​​​ સર્ચ ઓપરેશન અપડેટ્સ સર્ચ ઓપરેશનની તસવીરો... 5 વર્ષ પહેલા પણ અહીં ભૂસ્ખલનને કારણે 17 લોકોના મોત થયા હતા
​​​​​​​વાયનાડના 4 ગામોમાં ભૂસ્ખલન થયું છે - મુંડક્કાઈ, ચુરાલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા. પાંચ વર્ષ પહેલા 2019માં આ જ ગામોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું, જેમાં 17 લોકોના મોત થયા હતા. 5 લોકો આજદિન સુધી મળ્યા નથી. 52 મકાનો ધરાશાયી થયા હતા. વાયનાડમાં ભૂસ્ખલનનું કારણ શું છે?
વાયનાડ કેરળના ઉત્તર-પૂર્વમાં છે. કેરળનો આ એકમાત્ર ઉચ્ચપ્રદેશનો વિસ્તાર છે. એટલે કે, માટી, પથ્થરો અને વૃક્ષો અને તેના પર ઉગેલા છોડના ઊંચા અને નીચા ટેકરાવાળો વિસ્તાર. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના 2021ના અહેવાલ મુજબ કેરળનો 43% વિસ્તાર ભૂસ્ખલનથી પ્રભાવિત છે. વાયનાડની 51% જમીન પહાડી ઢોળાવવાળી છે. એટલે કે ભૂસ્ખલનની શક્યતા ઘણી વધારે રહે છે. વાયનાડ ઉચ્ચપ્રદેશ પશ્ચિમ ઘાટમાં 700 થી 2100 મીટરની ઉંચાઈ પર આવેલું છે. આ વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં ઘણો વરસાદ પડે છે. વાયનાડમાં કાબિની નદી છે. તેની ઉપનદી મનંતાવડી 'થોંડારમુડી' શિખરમાંથી નીકળે છે. ભૂસ્ખલનને કારણે આ નદીમાં પૂર આવવાથી ભારે નુકસાન થયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.