ક્યારેક આશિક તો ક્યારેક બેરોજગારે ગોળી મારી:અમેરિકન રાષ્ટ્રપતિ પર થયેલા જીવલેણ હુમલાનો ઈતિહાસ, એક દોષિત તો આજે પણ આઝાદ ફરે છે - At This Time

ક્યારેક આશિક તો ક્યારેક બેરોજગારે ગોળી મારી:અમેરિકન રાષ્ટ્રપતિ પર થયેલા જીવલેણ હુમલાનો ઈતિહાસ, એક દોષિત તો આજે પણ આઝાદ ફરે છે


તારીખ- 13 જુલાઈ, સ્થળ- પેન્સિલ્વેનિયા, USAનું બટલર શહેર. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે બોલવાનું શરૂ જ કર્યું અને થોડીવારમાં તેમના પર ફાયરિંગ થયું. એક ગોળી તેમનો કાન વીંધીને જતી રહી. રાષ્ટ્રપતિનો ચહેરો લોહીથી રંગાયો હતો. આ ઘટનાએ સમગ્ર વિશ્વને અમેરિકામાં થયેલી રાજકીય હત્યાઓની યાદ અપાવી. ટ્રમ્પ એવા પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ કે પૂર્વ રાષ્ટ્રપતિ નથી કે જેમની હત્યાનો કેસ કરવામાં આવ્યો હોય. અમેરિકાના રાજકીય ઈતિહાસમાં એવાં ઘણાં નામો છે જેમની હત્યા કરવામાં આવી છે અથવા તો હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જાણો આ સ્ટોરીમાં તે તમામ નેતાઓ વિશે... અબ્રાહ્મ લિંકન
તારીખ- 14 એપ્રિલ 1865, સ્થળ- વોશિંગ્ટન. અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ અબ્રાહ્મ લિંકન ફોર્ડ થિયેટરમાં 'અવર અમેરિકન કઝિન' નાટક જોઈ રહ્યા હતા. આ ઘટના સમયે બાલ્કનીમાં બેઠેલા લિંકનના સિક્યુરિટી ગાર્ડ 'જ્હોન પાર્કર' તે સમયે તેમની સાથે ન હતા. ઈન્ટરવલ દરમિયાન જ તે થિયેટરની બહાર નીકળી ગયા હતા. રાત્રે 10.15 વાગ્યે તક જોઈને હુમલાખોર જ્હોન વાઈક્સ બૂથે લિંકનને માથાના પાછળના ભાગે ગોળી મારી દીધી હતી. લિંકનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં બીજા દિવસે સવારે, 15 એપ્રિલે તેમનું અવસાન થયું. શૂટર, જ્હોન વાઇક્સ બૂથ, એક થિયેટર આર્ટિસ્ટ હતો. લિંકનને ગોળી મારનાર જ્હોન વાઇક્સ બૂથનો 10 દિવસ પછી વર્જિનિયામાં અમેરિકન સૈનિકો સાથે સામનો થયો. જ્યાં તેની હત્યા કરવામાં આવી હતી. અબ્રાહ્મ લિંકન ગુલામી અને જાતિવાદના વિરોધી હતા. તેમણે આ માટે પ્રચાર શરૂ કર્યો. તેમના પ્રયાસોને કારણે, અમેરિકાની ગુલામી પ્રથાને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી, જેનાથી નારાજ થઈને જ્હોન બૂથે લિંકનની હત્યા કરી હતી. જેમ્સ ગારફિલ્ડ તારીખ: 2 જુલાઈ, 1881, સ્થળ: વોશિંગ્ટન ડીસી. અમેરિકાના 20મા રાષ્ટ્રપતિ જેમ્સ ગારફિલ્ડે પદ સંભાળ્યાને માત્ર 4 મહિના થયા હતા. તેઓ વોશિંગ્ટન ડીસીના બાલમોર સ્ટેશન પર હતા. તેઓને ન્યુ ઈંગ્લેન્ડ જવા માટે ટ્રેન પકડવાની હતી. વાસ્તવમાં તે વિલિયમ કોલેજમાં જઈ રહ્યા હતા જ્યાં તેમણે અભ્યાસ કર્યો હતો. અહીં તે તેમના બે પુત્રોનો અલ્મા મેટર સાથે પરિચય કરાવવાના હતા, પરંતુ તે આવું કરી શકે તે પહેલાં ચાર્લ્સ ગુઈટો નામના વ્યક્તિએ તેમને ગોળી મારી દીધી. ગોળી તેમની છાતીમાં ઘૂસી ગઈ હતી. ડોક્ટરોએ ગોળી કાઢવા માટે ઘણા દિવસો સુધી પ્રયાસ કર્યો પરંતુ સફળતા મળી ન હતી. ટેલિફોનના શોધક ગ્રેહામ બેલે આ માટે એક ખાસ મશીન બનાવ્યું જેથી તે છાતીમાં લાગેલી ગોળી કાઢી શકે, પરંતુ તે પણ સફળ ન થઈ શક્યા. અઢી મહિના પછી 19 સપ્ટેમ્બરે તેમનું અવસાન થયું. 39 વર્ષીય ગુઈટોને ગારફિલ્ડની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. અનેક વ્યવસાયોમાં નિષ્ફળ ગયા બાદ ગુઈટો રાજકારણમાં જોડાયા હતા. તેમને લાગ્યું કે તેમને હજુ સુધી તે સ્થાન મળ્યું નથી જેના તે લાયક હતા. પ્રેસિડેન્ટ ગારફિલ્ડે તેમને યુરોપિયન એમ્બેસીમાં નિયુક્ત ન કરતાં તેમનો રોષ વધી ગયો. તે નફરતથી ભરેલા હતા. તેમણે રાષ્ટ્રપતિની હત્યા કરવાની યોજના શરૂ કરી. તક જોઈને પોતાનું કામ કર્યું. વિલિયમ મેકકિન્લી
તારીખ- 6 સપ્ટેમ્બર 1901, સ્થળ- બફેલો. અમેરિકાના 25મા રાષ્ટ્રપતિ વિલિયમ મેકકિન્લીનો બીજો કાર્યકાળ ચાલી રહ્યો હતો. તેમની પહેલાં બે અમેરિકન રાષ્ટ્રપતિઓ મૃત્યુ પામ્યા હતા પરંતુ તેઓ તેમની આસપાસ કડક સુરક્ષા ઇચ્છતા ન હતા. મેકિન્લીને લોકોને મળવું સારું લાગતું હતું. રાષ્ટ્રપતિ બફેલોમાં એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. તેમના સેક્રેટરીને ડર હતો કે તેમની હત્યા થઈ શકે છે, તેથી તેમણે બે વાર કાર્યક્રમ રદ કર્યો, પરંતુ બંને વખત રાષ્ટ્રપતિએ મેકકિન્લીએ ફરી કાર્યક્રમ કરાવ્યો. મેકકિન્લી આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે ભાષણ પણ આપ્યું હતું. આ પછી, તેમણે લોકો સાથે હાથ મિલાવવાનું શરૂ કર્યું, ત્યારે લિયોન એફ. જોલ્ગોઝ નામના વ્યક્તિએ નજીકથી બે ગોળીઓ ચલાવી. એક ગોળી તેમના શરીરને અડીને બહાર નીકળી ગઈ. બીજી ગોળી તેમના પેટમાં વાગી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડોક્ટર્સ ગોળી કાઢી શક્યા ન હતા. આ કારણે તેમને ગેંગરીન થઈ ગયું. 8 દિવસ પછી 14 સપ્ટેમ્બરે તેમનું અવસાન થયું. 28 વર્ષીય હુમલાખોરે કબૂલાત કરી. તે સત્તાધારી વિરોધી હતો. 1893ની આર્થિક કટોકટીમાં તેણે નોકરી ગુમાવી દીધી હતી. તેને લાગ્યું કે આ નેતાઓ જ દેશની આ હાલતનું કારણ છે. તે સરકાર વિરોધી બની ગયો હતો. જ્હોન એફ કેનેડી
તારીખ- 22 નવેમ્બર, 1963, સ્થળ- ડલ્લાસ. તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડી ફરી એકવાર રાષ્ટ્રપતિ બનવાની તૈયારીમાં વ્યસ્ત હતા. તેમને વિશ્વાસ હતો કે તેઓ ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે. દરમિયાન તેમણે ટેક્સાસની મુલાકાત લેવાનું નક્કી કર્યું. અહીં તેમની ડેમોક્રેટિક પાર્ટીના કેટલાક નેતાઓ વચ્ચે પરસ્પર વિવાદ થયો હતો. કેનેડી ચૂંટણી પહેલાં કોઈપણ ભોગે આ વિવાદનો અંત લાવવા માગતા હતા. તેઓ 21 નવેમ્બરે ટેક્સાસ પહોંચ્યા હતા જ્યાં તેમણે કેટલાક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. બીજા દિવસે તે ડલ્લાસ પહોંચ્યા. તેમને જોવા માટે રસ્તાઓ પર લોકોની ભારે ભીડ ઊમટી પડી હતી. કેનેડી તેમના એરફોર્સ વન પ્લેનમાંથી બહાર નીકળ્યા અને તેમની પત્ની જેક્લીન સાથે ત્યાં પાર્ક કરેલી એક ખુલ્લી લિમોઝીન કારમાં બેઠા. રેલી સ્થળ પર રસ્તાની બંને બાજુએ ઊમટી પડેલી ભીડ તેમના નારા લગાવી રહી હતી. કેનેડી લોકોનો ઉત્સાહ જોઈને ખૂબ જ ખુશ થયા. આ દરમિયાન ભીડમાંથી બે ગોળીઓ ચલાવવામાં આવી હતી. એક ગોળી સીધી કેનેડીના માથામાં અને બીજી ગરદનમાં વાગી હતી. રાષ્ટ્રપતિની સુરક્ષામાં લાગેલા સૈનિકો તેમને પાર્કલેન્ડ મેમોરિયલ હોસ્પિટલ લઈ ગયા. પરંતુ તબીબોએ તેમને બપોરે 1 વાગ્યે મૃત જાહેર કર્યા હતા. કેનેડીની કારમાં મુસાફરી કરી રહેલા ગવર્નર કોનાલી પણ આ હુમલામાં ઘાયલ થયા હતા, પરંતુ તેઓ જલદી સ્વસ્થ થઈ ગયા હતા. આ ઘટનાએ અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી હતી. તેમની હત્યા શા માટે કરવામાં આવી તેનું રહસ્ય આજદિન સુધી જાણી શકાયું નથી. રોનાલ્ડ રીગન
તારીખ- 30 માર્ચ, 1981, સ્થળ- વોશિંગ્ટન ડીસી. અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન વોશિંગ્ટન ડીસીમાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ કડક સુરક્ષા વચ્ચે કારમાં બેસીને જઈ રહ્યા હતા. તેમની આસપાસ મીડિયા અને લોકોની ભીડ હતી. અચાનક એ જ ભીડમાંથી એક વ્યક્તિ બહાર આવ્યો અને તેમણે રીગન પર ગોળીબાર શરૂ કર્યો. ગોળી મારનાર વ્યક્તિનું નામ જોન હિંક્લે હતું. એક ગોળી બુલેટપ્રૂફ ગાડીના કાચ પર અથડાયા પછી છાતીમાં જઈને ઘૂસી. થોડીવારમાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને તેમનો જીવ બચી ગયો. આ ઘટનામાં રિગનના 3 સહયોગીઓને પણ ગોળી વાગી. જોકે બધા લોકો બચી ગયા હતા. ગોળી મારનાર જોન હિંક્લેને તાત્કાલિક પકડી લેવામાં આવ્યો. તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટમાં હિંક્લેના વકીલની દલીલ હતી કે તે માનસિક રીતે અસ્વસ્થ છે. વકીલે કોર્ટમાં દલીલ સાબિત પણ કરી કે તે માનસિક રીતે નબળો છે. આ પછી કોર્ટે હિંકલેને માનસિક હોસ્પિટલમાં મોકલી દીધો. તે 35 વર્ષ સુધી અહીં રહ્યો. તેને 2016માં રિલીઝ કરવામાં આવ્યો હતો. આ પછી, જૂન 2022માં, કોર્ટે હિંકલેને સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કર્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.