બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના પંચાબ્દી મહોત્સવ પ્રસંગે - At This Time

બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના પંચાબ્દી મહોત્સવ પ્રસંગે


બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના પંચાબ્દી મહોત્સવ પ્રસંગે

રાણપુર પાસે આવેલ શ્રીજી વિદ્યાધામ ગુરુકુળ ખાતે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યો

આ પ્રસંગે રાણપુરમાં આવેલ ટેક્સપીન બેરિંગ કંપનીના માલિક વિશાલભાઈ મકવાણા,રીયલ સ્પિનટેક્સ કંપનીના માલિક કૌશલઅલી કલ્યાણીનું મુખ્યમંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યુ,સમૂહ લગ્નમાં સર્વ જ્ઞાતિના 51 દંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા, સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાણપુર પાસે લીમડી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તેમજ તૃતીય સમૂહ લગ્નોત્સવમાં ૫૧ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. આ નવયુગલોને મુખ્યમંત્રીએ ભાવિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી.શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ - કરમડ દ્વારા હાલમાં ત્રિદિવસીય પંચાબ્દિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના બીજા દિવસે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું. એ પછી તેઓ મહોત્સવના સભામંડપમાં પધાર્યા હતા. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહોત્સવમાં સભામાં ઉપસ્થિત ભાવિકોને સંબોધતા કહ્યું હતું કે, કરમડ ગામની પાવન ભૂમિમાં શ્રી હરિની અસીમ કૃપાથી તેમજ જોગી સ્વામીના દિવ્ય આશિષથી વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાનું પ્રવર્તમાન કરતી ગુરુકુળરૂપી ગંગાનું પ્રાગટ્ય થયું છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શ્રી રામ તથા ભગવાન શ્રીકૃષ્ણએ પણ ગુરુકુળમાં શિક્ષણ મેળવ્યું હોવાનું ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુરુકુળની એ જ પરંપરા નાલંદા, વલભી તથા તક્ષશિલા જેવી વિદ્યાપીઠો - ગુરુકુળ થકી જળવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આધુનિક સમયને અનુરૂપ જ્ઞાનથી દેશની યુવા પેઢીને કૌશલ્યવાન બનાવવા સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓ શરૂ કરાવી છે. વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વમાં દેશના યુવાનો માટે સ્ટાર્ટઅપ શિક્ષણ સ્પોર્ટ્સ અને સ્કીલના ક્ષેત્રમાં નવા નવા અસરો ખુલ્યા છે. યુવાનોના સ્કીલ ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરીને દેશને વિશ્વનું સ્કીલ કેપિટલ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષાપત્રીને આચરણની આદર્શ આચારસંહિતા સમાન ગણાવતા જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણે રચેલી શિક્ષાપત્રી લોકસેવાનો પથ ચીંધે છે, સાથે સરળ જીવન કેવી રીતે જીવવું તેનો માર્ગ બતાવે છે. જાહેર જીવનમાં રહેલા લોકો માટે ભગવાન સ્વામિનારાયણના ઉપદેશો આજે પણ પ્રસ્તુત છે.મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, શ્રી હરિના સાચા અનુયાયીઓ હંમેશા રાજ્યહિત અને સમાજહિતને પ્રાધાન્ય આપે છે. રાષ્ટ્રહિત પ્રથમ અને સમાજનું ભલું કરવાનો સદભાવ એ સ્વામિનારાયણ અનુયાયીઓની ઓળખ છે. સ્વામિનારાયણ સંપ્રદાય ગુરુકુળની પરંપરાને જીવંત રાખીને ભારતીય ઋષિ સંસ્કૃતિને જાળવી રાખવાનું કાર્ય કરી રહ્યું છે. ગુરુકુળ શિક્ષણ પ્રણાલી દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય મૂલ્યનિષ્ઠ અને કર્મઠ સમાજ રચના માટે સમર્પિત યુવા પેઢી તૈયાર કરી રહ્યું છે.
વ્યસન મુક્તિ તેમજ વિવિધ સામાજિક કાર્યો માટે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા થતી પ્રવૃત્તિઓને મુખ્યમંત્રીએ બીરદાવી હતી.મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વિકાસથી વિરાસતના તેમના સંકલ્પને સાકાર કરવા માટે વિવિધ ધર્મ - સંપ્રદાયના ગુરુકુળો જ્ઞાન સિંચનના સબળ માધ્યમ બન્યા છે. શ્રીજી વિદ્યાધામ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ - કરમડના પંચાબ્દી મહોત્સવ નિમિત્તે કરાયેલા વિવિધ આયોજન બદલ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજીએ જણાવ્યું હતું કે, બે હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નિઃશુલ્ક રહી શકે તેવા અદ્યતન નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું સરળ અને પ્રજાવત્સલ એવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે હંમેશા કાર્યરત રહે છે. લોક કલ્યાણ માટે અનેક મહત્વના નિર્ણયો તેમની સરકાર દ્વારા લેવામાં આવ્યા છે.આ મહોત્સવના આયોજક શ્રીજીસ્વરૂપદાસજી સ્વામીએ સ્વાગત પ્રવચન કરીને સૌને હૃદયપૂર્વક આવકાર્યા હતા. આ સાથે જણાવ્યું હતું કે , અમારા આ વિદ્યાધામની સ્થાપનામાં સરકારનો ખૂબ સાથ-સહકાર મળ્યો છે. આ પ્રસંગે રાણપુરમાં આવેલ ટેક્સપીન બેરિંગ કંપનીના માલિક વિશાલભાઈ મકવાણા તેમજ રીયલ સ્પિનટેક્સ કંપનીના માલિક કૌશલઅલી કલ્યાણીનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.આ મહોત્સવના અધ્યક્ષ દેવપ્રસાદદાસજી સ્વામી, ભકિતજીવનદાસજી સ્વામી, ક્રિષ્ન વલ્લભદાસજી સ્વામી, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને દસાડા પાટડી ધારાસભ્ય પી.કે. પરમાર, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેયુર સંપટ, રાજકીય અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને જયેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો, દાતાઓ, મહંતો હરિભક્તો બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

તસવીર:વિપુલ લુહાર,રાણપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.