કળિયુગમાં દાનવોના નાશ માટે કાયદો અમોઘ શસ્ત્ર, જેમ દાનવો દ્વારકાધીશના સુદર્શનથી ભય પામે છે તેમ ગુનેગારો કાયદાથી ભય પામે છે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી - At This Time

કળિયુગમાં દાનવોના નાશ માટે કાયદો અમોઘ શસ્ત્ર, જેમ દાનવો દ્વારકાધીશના સુદર્શનથી ભય પામે છે તેમ ગુનેગારો કાયદાથી ભય પામે છે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી


*કળિયુગમાં દાનવોના નાશ માટે કાયદો અમોઘ શસ્ત્ર, જેમ દાનવો દ્વારકાધીશના સુદર્શનથી ભય પામે છે તેમ ગુનેગારો કાયદાથી ભય પામે છે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી*

*આપણી અર્થવ્યવસ્થાને નુકશાન કરતા બુટલેગરો, જાહેર સેવકો, જી.એસ.ટી કૌભાંડીઓ, ભુમાફીયાઓ, ડ્રગ માફીયાની સંપતિ જપ્ત કરવા ગુજરાત વિશેષ કોર્ટનો કાયદો બન્યો છે, નાના-મોટા ગુનાઓમાં ફસાયેલા આરોપી માટે નહિ*
.......
• *ગુનેગારોને ઝડપથી સજા અપાવવા તથા ગુનામાંથી ભેગા કરેલી મિલકતને જપ્ત કરવાના બેવડા ઉદ્દેશથી આ ઔતિહાસિક કાયદો લાવવામાં આવ્યો*

• *તમામ મોટા ગુનેગારો સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સર્જીકલ સ્ટ્રાઇક એટલે આ કડક કાયદો*

• *આ કાયદો ગરીબો અને શોષિતોની સંપત્તિ પડાવીને એકઠી કરેલી સંપત્તિને ગુનેગારો પાસેથી જપ્ત કરી ગરીબો, શોષિતો અને વંચિતોના વિકાસ માટેનું ગંગાજળ*

• *આ કાયદો ઐતિહાસિક અને સમગ્ર દેશમાં પ્રથમ, અમૃતકાળની મહત્વની ભેટ સાબિત થશે*

• *ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર*
.....

વિધાનસભા ગૃહમાં ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક રજૂ કરતાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આપણી અર્થવ્યવસ્થાને નુકશાન કરતા બુટલેગરો, જી.એસ.ટીના કૌભાંડીઓ, જાહેર સેવકો, રાષ્ટ્ર વિરોધીની પ્રવૃત્તિ કરનારા લોકો, ભુમાફીયાઓ, ડ્રગ માફીયાની સંપતિ જપ્ત કરવા ગુજરાત વિશેષ કોર્ટનો કાયદો બન્યો છે, સંજોગોની મજબૂરીના કારણે અથવા ક્ષણિક આવેગમાં થયેલા કોઇ નાના-મોટા ગુનાઓમાં ફસાયેલા આરોપીઓને આ કાયદો લાગુ પડતો નથી. આવા તમામ મોટા ગુનેગારો સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સર્જીકલ સ્ટ્રાઇક એટલે આ કડક કાયદો છે. મુખ્યમંત્રીશ્રી કક્ષાએ અનેક બેઠકો અનેક દિવસોની ચર્ચા, સમીક્ષા બાદ આજે લવાયેલો આ ઐતિહાસિક કાયદો સમગ્ર દેશમાં પ્રથમ છે, ગુજરાત વિશેષ કોર્ટનો આ કાયદો અમૃતકાળની એક મહત્વની ભેટ સાબિત થશે.

મંત્રીશ્રીએ કહ્યુ કે, કળિયુગમાં દાનવોના નાશ માટે કાયદો અમોઘ શસ્ત્ર છે. જેમ દાનવો દ્વારકાધીશના સુદર્શન અને સોમનાથ મહાદેવના ત્રિશૂળથી ભય પામે છે તેમ ગુનાહિત પ્રવૃત્તિ કરીને ગુનો આચારનારા લોકો આ કાયદાથી ભય પામે છે. આ કાયદો ગરીબો અને શોષિતોની સંપત્તિ પડાવીને એકઠી કરેલી સંપત્તિને ગુનેગારો પાસેથી જપ્ત કરી ગરીબો, શોષિતો અને વંચિતોના વિકાસ માટેનું ગંગાજળ છે.

સાચો ન્યાય ત્યારે જ થાય જ્યારે આરોપીને સજા ઝડપથી મળે તેમ કહી મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, ઘણા ગુનાઓ ગંભીર હોય છે, પરંતુ તેમાં સજા ઓછી હોય છે. જેથી આવા ગુનાના આરોપીઓ જામીન ઉપર છુટીને વારંવાર ગુનાહીત પ્રવૃતિ આચરતા રહે છે અને આવા ગુનાઓના માધ્યમથી આર્થિક રીતે પણ સદ્ધર થતા જાય છે. એટલુ જ નહિ, આ જ નાણાનો ઉપયોગ ફરી વખત ગુનાહિત નેટવર્ક બનાવવામાં ઉપયોગ કરે છે, અને મોંઘા વકીલ રોકીને કેસ લડે છે. કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને આવા આરોપીઓ પૈસાદાર બનતા જાય છે અને પોલીસ અને ન્યાય વ્યવસ્થા લાચાર બની રહે છે. આવું ન થાય તે માટે આવા આરોપીને જેલમાં મોકલવાની સાથે સાથે તેને આર્થિક ફટકો મારવો પણ ખૂબ જરૂરી બને છે. આમ ગુનેગારોને ઝડપથી સજા અપાવવા તથા ગુનામાંથી ભેગા કરેલી મિલકતને જપ્ત કરવાના બેવડા ઉદ્દેશથી આ કાયદો લાવવામાં આવ્યો છે.

ગુનેગારોની કમર તોડવા અને એમ કરીને જનતાનો વિશ્વાસ કાયદા અને પોલીસમાં જાળવી રાખવાના શૂભ આશય સાથે લવાયેલુ ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક વિધાનસભા ગૃહ ખાતે પસાર થયુ હતું.
.......

*જે ગુનાઓમાં ૩ વર્ષથી વધુ સજાની જોગવાઇ હોય અને ગુનાઓ આચરીને મેળવેલી મિલકત એક કરોડથી વધુની હોય તે આરોપીને આ કાયદો લાગુ પડશે*
.....
• આ કાયદાની જોગવાઇઓને સરળ ભાષામાં સમજીએ તો આ કાયદાની કલમ(૨)મા સ્પષ્ટતા કરવામા આવી છે કે આ કાયદાની જોગવાઇ એવા ગુનાઓ માટે જ છે કે જેમાં ૩ વર્ષથી વધુ સજાની જોગવાઇ હોય અને જેમાં પોલીસને લાગે કે તે ગુનાના આરોપી પાસે ગુનાઓ આચરીને મેળવેલી મિલકત એક કરોડથી વધુની હોય.
• આ ૩ વર્ષથી વધુની સજાવાળો ગુનો કોઇપણ કાયદા હેઠળનો હોય શકે છે. એટલે કે દારૂબંધીનો ગુનો હોય, NDPS એક્ટ હેઠળનો ગુનો હોય, જી.એસ.ટીનો ગુનો હોય કે પછી એન્ટી કરપ્શન એક્ટ હેઠળનો ગુનો હોય તેને આ કાયદો લાગુ પડે છે.
• કેસોને ઝડપથી ચલાવવા માટે કાયદાની કલમ (૩) હેઠળ ખાસ અદાલત રચવાની જોગવાઇ કરવામાં આવી છે. આ અદાલતમાં એવા જ કેસો ચાલી શકે છે કે જેને સરકાર દ્વારા આ અદાલતમાં ચલાવવાની મંજૂરી આપવામાં આવે. આ તમામ કેસોની ઇન્સાફી કાર્યવાહી મહત્તમ એક વર્ષમાં પૂરી કરવાની રહે છે.
• કાયદાની કલમ ૧૫ હેઠળ આવા કેસોમાં આરોપી પાસે ગુનાહિત પ્રવૃત્તિમાંથી કમાયેલી મિલકતને સરકાર દ્વારા જપ્ત કરી શકાશે, અને આ જપ્તીની કામગીરી પણ છ માસની સમય-મર્યાદામાં પૂર્ણ કરવાની જોગવાઇ કરી છે.
• કલમ (૫) હેઠળ આ પ્રકારના ગુનાઓમાં આરોપીની મિલકત જપ્તી કરવા માટે સરકાર દ્વારા અધિકૃત અધિકારીની નિમણૂંક કરવામાં આવશે. આ અધિકારી પણ એડિશ્નલ સેશન્સ જજ કક્ષાના નિવૃત ન્યાયિક અધિકારી હશે.
• કલમ-૧૪ હેઠળ અધિકૃત અધિકારીને ગુનાના તપાશનીશ અધિકારી દ્વારા મળેલી મિલકત જપ્તીની દરખાસ્તનો પૂરતો અભ્યાસ કર્યા બાદ આરોપીને આ મિલકત કેવી રીતે મેળવવામાં આવી તેની સ્પષ્ટતા કરવા નોટીસ મોકલવામાં આવશે.
• જો સંબંધિત કેસમાં આરોપી નિર્દોષ છૂટી જાય તો તેને જપ્ત કરેલી મિલકત પરત મળી શકે છે.
• વિશેષ કોર્ટના હુકમ સામે અને અધિકૃત અધિકારીના મિલ્કત જપ્તીના હુકમ વિરૂધ્ધ નામ. હાઇકોર્ટમાં અપીલ પણ કરી શકાય છે. જો મૂળ ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો થાય તો મિલકત પરત કરવી અથવા તો વાર્ષિક પાંચ ટકા વ્યાજ સાથે મિલકતની રકમની ચુકવણી કરવાની જોગવાઇ કરવામાં આવી છે.
........
*આ કાયદાના અમલથી રાજ્યનો સામાન્ય નાનો આરોપી મોટો ગુંડો બનતા અટકી જશે*
.....
• કોઇ નાનો આરોપી મોટો ગુંડો બને નહિ તેનું ધ્યાન હવે આ કાયદો રાખશે. એ પહેલા તેની તાકાત ખતમ કરી દેવામાં આવશે.
• આ કાયદામાં કોઇ વ્યકિત જ નહિ પરંતુ કોઇ સંગઠન, મંડળી, કોઇ ચીટર કંપની કે સંસ્થાને પણ આરોપી ગણી તેની મિલકત જપ્ત કરી શકાય છે.
• મિલકતની વ્યાખ્યામાં તમામ પ્રકારની મિકલત આવરી લેવામાં આવી છે. રોકડ, દાગીના, શેર, વાહન, કોઇ ઘર કે દુકાન કે અન્ય કોઇ પણ પ્રકારની આકસ્યામતો હવે જપ્ત કરી શકાશે.
...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.