રસ્તે ચાલીને મોબાઈલ પર વાત કરતાં લોકોના હાથમાંથી ફોનની ઝોંટ મારી ભાગી જતો ગઠિયો પકડાયો - At This Time

રસ્તે ચાલીને મોબાઈલ પર વાત કરતાં લોકોના હાથમાંથી ફોનની ઝોંટ મારી ભાગી જતો ગઠિયો પકડાયો


રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ચોરી-લૂંટની ઘટનામાં વધારો થઈ ગયો હોય તેને અટકાવવા માટે પોલીસે કમર કસી લીધી છે. ખાસ કરીને ચાલું વાહને મોબાઈલ ઉપર વાત કરતાં કે ચાલીને જતી વખતે મોબાઈલ ઉપર વાત કરતાં લોકોના હાથમાંથી મોબાઈલની ઝોંટ મારીને ગઠિયા ફરાર થઈ જતાં હોવાની ઘટનાને અંજામ આપનાર ગઠિયાને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વાય.બી.જાડેજા, પીએસઆઈ એમ.જે.હુણ સહિતના સ્ટાફે કાલાવડ રોડ પર પ્રેમમંદિર પાસે આવેલા બગીચાના ખુણા પાસેથી પીન્ટુ કાનજીભાઈ સોલંકી (ઉ.વ.20, રહે.આંબેડકરનગર)ને પકડી પાડ્યો હતો.
પિન્ટુની ધરપકડ બાદ તેની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતાં તેણે કબૂલાત આપી હતી કે પંદરેક દિવસ પહેલાં સાંજના સમયે તેણે જડ્ડુઝ હોટેલથી આગળ સદ્ગુરુનગર સામેથી એક બહેન ફોનમાં વાત કરતાં ચાલીને જતાં હતાં.
ત્યારે મોટર સાઈકલ પર ધસી આવીને મોબાઈલ ફોનની લૂંટ કરીને નાસી ગયો હતો. એક વખત ચીલઝડપ કર્યા બાદ હાથમાં નહીં આવતાં પીન્ટુની હિંમત વધી ગઈ હતી જેથી થોડા જ સમય બાદ તેણે કાલાવડ રોડ, પ્રેમ મંદિર આગળના રોડ ઉપર એક મહિલા ફોન પર વાત કરતાં કરતાં જતાં હતાં ત્યારે તેમના હાથમાંથી પણ મોબાઈલ ફોનની ઝોંટ મારી હતી. પોલીસે પીન્ટુ પાસેથી ચીલઝડપ કરેલા બે મોબાઈલ અને ચીલઝડપમાં ઉપયોગ કરેલ મોટર સાયકલ મળી કુલ રૂા.48600નો મુદ્દામાલ કબજે કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.