પ્રથમ વરસાદ બાદ ખરીફ પાકોને આ રીતે સુરક્ષિત રાખીએ - ખરીફ પાકોમાં કાતરા (હેરી કેટરપિલર)નું સંકલિત વ્યવસ્થાપન કરવા ખેડૂતલક્ષી જરૂરી સુચનો - At This Time

પ્રથમ વરસાદ બાદ ખરીફ પાકોને આ રીતે સુરક્ષિત રાખીએ – ખરીફ પાકોમાં કાતરા (હેરી કેટરપિલર)નું સંકલિત વ્યવસ્થાપન કરવા ખેડૂતલક્ષી જરૂરી સુચનો


રાજકોટ તા. ૦૩ જુલાઈ - ખરીફ પાકોમાં કાતરા(હેરી કેટરપિલરા)ના સંકલિત વ્યવસ્થાપન માટે રાજકોટ જિલ્લાના ખેડૂતોને સાવચેતીના પગલા લેવા ખેતીવાડી શાખા દ્વારા જરૂરી સુચનો અપાયા છે.
જેમાં શેઢા-પાળા પરથી ઘાસ દૂર કરવું, પ્રથમ વરસાદ બાદ શેઢા-પાળાનાં ઘાસમાં મુકેલ ઇંડાનાં સમુહ વીણી લઇ તેનો નાશ કરવો. પ્રથમ વરસાદ બાદ હેક્ટર દીઠ એક પ્રકાશ પિંંજરનો ઉપયોગ કરી ફૂદીઓને આકર્ષી નાશ કરવો. લીંબોળીના મીંજનો ભૂકો અથવા લીમડાના પાન ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ઉપરાંત પ્રથમ વરસાદ બાદ ૮ થી ૧૦ દિવસે શેઢાપાળા ઉપર અથવા ઊભા પાકમાં કાતરાનું નુકસાન જોવા મળે તો કિવનાલફોસ ૧.૫ ટકા ભૂકી ૨૫ કિ.ગ્રા./હે. પ્રમાણે છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો થાયોડીકાર્બ ૭૫ વેપા ૧૫ ગ્રામ અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઈસી ૪ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસ.જી. ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી શાખા દ્વારા જણાવાયું છે. આ અંગે વધુ જાણકારી માટે ખેડૂતો પોતાના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરી શકશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી રાજકોટ દ્વારા જણાવાયું છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.