શિક્ષક પરિવારના ચાર સભ્યો કપુરાઇ ચોકડીથી ઇકો કારમાં બેસતા જણાયા.
ભાવનગરના મૂળ રહીશ રાહુલ જોશી એક વર્ષ પહેલા પરિવાર સાથે વડોદરા આવ્યા હતા અને ડભોઇરોડ કપુરાઇ ચોકડી પાસે કાન્હા આઇકોનમાં રહેતા હતા . પત્ની , પુત્ર અને પુત્રી સાથે રહેતા રાહુલ જોશી ગત તા . ૨૦ મીએ પરિવાર સાથે ઘરને લોક મારી સ્યૂસાઇડ નોટ લખીને ઘર છોડીને જતા રહ્યા હતા . તેઓનો મોબાઇલ નહી લાગતા તેમના ભાઇ પ્રણવ જોશીએ ડભોઇથી વડોદરા આવીને તપાસ કરી હતી . અને તેમના ભાઇ ગૂમ થયાની જાણ પાણીગેટ પોલીસને ગત તા . ૨૪ મીએ કરી હતી . પોલીસે રાહુલ જોશીના ઘરે પહોંચી તપાસ કરતા ઘર બંધ હતું જેથી ઘર ખોલીને અંદર જોતા બે ચિઠ્ઠી મળી હતી જે પૈકી એક ચિઠ્ઠીમાં હું પરિવાર સાથે આપઘાત કરવા જઇ રહ્યો છું તેવો ઉલ્લેખ કર્યો હતો અને તેમાં નિરવ ભૂવા , રાહુલ ભૂવા , બિટ્ટુ તથા અલ્પેશના નામો લખ્યા છે . પોલીસે પરિવાર પાસેથી ઉપરોક્ત ચારેય લોકોના નંબર મેળવીને તેઓની પૂછપરછ હાથ ધરી છે . પોલીસને ઘરમાંથી પાંચ મોબાઇલ ફોન મળતા તેની ડિટેલ મેળવવા માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે . પરિવારે આર્થિક સંકડામણના કારણે ઘર છોડયું હોવાનું પોલીસનું માનવું છે . રાહુલ જોશીની મકાનની લોન ઉપરાંત તેણે પરિવાર તથા અન્ય મિત્રો પાસેથી પણ ઉછીના રૃપિયા લીધા હતા . પોલીસે જણાવ્યું હતું કે વિવિધ વિસ્તારોના સીસીટીવી કેમેરા ચેક કરતા આ પરિવારના સભ્યો કપુરાઇ ચોકડી તરફ ચાલતા જતા જણાયા હતા અને બાદમાં અમદાવાદ તરફ જતી એક ઇકો કારમાં તેઓ બેસી ગયા હતાં . સ્યૂસાઇડ નોટમાં જે ચાર વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમની પણ પોલીસ દ્વારા પૂછપરછ ચાલી રહી છે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.