ઘૂસિયા ખાતે ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ દ્વારા જ્ઞાન-ગમ્મતસભર “ભૂલકાં મેળો” યોજાયો
બાળપણનું ન થાય મૉલ,
ઘૂસિયામાં ખીલ્યાં 'ગીરનાં ફૂલ'
ઘૂસિયા ખાતે ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ દ્વારા જ્ઞાન-ગમ્મતસભર "ભૂલકાં મેળો" યોજાયો
ઉત્તમ સંસ્કારો સભર ભારતની નવીપેઢીનું
નિર્માણ થાય તેવો ‘ભૂલકાં મેળા’નો શુભહેતુ : શ્રી ભગવાનભાઈ બારડ
બાળકો દ્વારા ‘વ્યસનમુક્તિ’, ‘સ્વચ્છ ભારત અભિયાન’, ‘પર્યાવરણ બચાવો’નો અપાયો સંદેશો
સીદી સમૂદાયના બાળકોનું પરંપરાગત 'ધમાલ નૃત્ય' બન્યું આકર્ષણનું કેન્દ્ર
ગીર સોમનાથ, તા.૦૨: બાળકો પ્રભુનું સ્વરૂપ છે. ગમ્મત અને મસ્તી વગરનું બાળપણ નકામું છે. જેમ બાળકોની આંતરિક શક્તિ ખીલશે એટલાં જ એ ખૂલશે અને જીવનના પ્રગતિપથ પર આગળ વધશે. આ ઉક્તિને સાર્થક કરતા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ દ્વારા ઘૂસિયા ખાતે ડી.એમ.બારડ સંકુલના પટાંગણમાં ‘ગીરના ફૂલ’ થીમ સાથે આંકોલવાડી, જસાધાર, રસૂલપરા, જાંબૂર, ભીમદેવળ સહિત તાલાલા તાલુકાની વિવિધ ૧૨૦થી વધુ આંગણવાડી કેન્દ્રના ૧૧૦૦થી વધુ ભૂલકાઓ માટે જ્ઞાન-ગમ્મતસભર "ભૂલકાં મેળો" યોજાયો હતો.
આ "ભૂલકાં મેળા"માં બાળકોને સાપસીડી, થ્રોઈંગ ધ બૉલ, બોલ બેલેન્સ, સંગીત ખુરશી વગેરે જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી અને સાથે જ ‘રિંગણ તો રાજા’,”કચૂંબર કમાલ કરે, ધાણાં સાથે ધમાલ કરે”,”ખાતી નથી, પીતી નથી, ઢિંગલી મારી બોલતી નથી” વગેરે બાળગીતો પર મન મૂકીને થીરક્યાં હતાં.
ભૂલકાંઓ માટે ‘ટોમ એન્ડ જેરી’, ‘અવકાશયાત્રી’, ‘કાર-જીપ’ સહિતના કટઆઉટ્સ પણ મૂકવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં બાળકોને પોષકયુક્ત ખોરાક અને પ્રોટિનયુક્ત બિસ્કિટ્સનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી બાળકોની આંતરિક શક્તિઓની ઝલક જોવા મળી હતી. જેમાં તેમણે કાલી-ઘેલી ભાષામાં બાળગીત અને કવિતાઓ પ્રસ્તુત કરી હતી તેમજ સીદી સમૂદાયના બાળકોએ પરંપરાગત ધમાલ નૃત્ય કરી અને ઉપસ્થિત સર્વેનું દિલ જીતી લીધું હતું.
આ તકે, ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, “જ્યારે આપણે બાળક સાથે હોઈએ છીએ ત્યારે આપણો આત્મા પણ ખુશ થાય છે. જીવનનો આનંદ માણવાનું બાળકો પાસેથી શીખવા જેવું છે. કારણકે તે વર્તમાનમાં જીવે છે. સરકાર દ્વારા આંગણવાડીના બાળકોને પોષણયુક્ત આહાર મળે, સાત્વિક ખોરાક સાથે નવી પેઢીનું ઘડતર થાય એ દિશામાં કાર્ય થઈ રહ્યું છે. પ્રત્યેક બાળકોમાં નવા ભારત માટેનું આશાનું કિરણ ચમકે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ઉત્તમ સંસ્કારો સભર ભારતની નવીપેઢીનું નિર્માણ થાય તેવો અમારો શુભહેતુ છે. જેથી અમે આ આનંદસભર આયોજન કર્યું છે.”
આ તકે સમગ્ર બારડ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. જેમના દ્વારા આંગણવાડીના ભૂલકાંઓને પ્રોટિનયુક્ત બિસ્કિટ્સ, રંગબેરંગી ફૂગ્ગાઓ, બ્રિક્સ ગેમ, બ્યૂગલ, ઢોલ સહિતના રમકડાં અને પ્રોત્સાહક ઈનામનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જ્ઞાન-ગમ્મત સાથે સંસ્કારોનું સિંચન કરતી કાર્યપ્રવૃત્તિ
ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડ દ્વારા યોજાયેલા ભૂલકાં મેળામાં બાળકોએ જ્ઞાન-ગમ્મત સાથે સંસ્કારોનું સિંચન કરતી કાર્યપ્રવૃત્તિ પણ કરી હતી. ‘૨૦૨૪ વિકસિત ભારતનું ભવિષ્ય’, ‘સ્વચ્છતા ત્યાં પ્રભૂતા’, ‘અમારી આવતીકાલ માટે પાણી બચાવો’, ‘પર્યાવરણનું જતન કરીએ’ સહિત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરતાં સંદેશાઓ સાથે બાળકો દ્વારા આકાશમાં રંગબેરંગી બલૂન્સ છૂટાં મૂકવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકોએ મંચ પરથી ‘વ્યસન મુક્તિ‘, ‘સ્વચ્છતાનો સંદેશ’, ‘પર્યાવરણ બચાવો’ સહિતના સંદેશ આપી વિકસિત ભારતનાં ઘડતરમાં સહભાગી થવા માટે ઉત્તમ સંદેશાઓ આપ્યાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.