ભાસ્કર વિશેષ:કરોડપતિ ટ્યૂટર્સ... સુપર રિચ બાળકોને ભણાવવા માટે 3 કરોડ સુધી ફી, ફ્લેટ, કાર અને ફ્લાઇટની પણ સુવિધા, નોકરી છોડવી જરૂરી નથી - At This Time

ભાસ્કર વિશેષ:કરોડપતિ ટ્યૂટર્સ… સુપર રિચ બાળકોને ભણાવવા માટે 3 કરોડ સુધી ફી, ફ્લેટ, કાર અને ફ્લાઇટની પણ સુવિધા, નોકરી છોડવી જરૂરી નથી


કેટલાક દિવસ પહેલાં લંડનમાં આર્કિટેક્ચરના વિદ્યાર્થીને ભણાવવા માટે પાર્ટટાઇમ ટીચરની જરૂર હોવાની જાહેરાત અપાઇ હતી. તેમાં મળનારી વાર્ષિક ટ્યૂશન ફી 3 કરોડ રૂપિયાથી વધુ બતાવાઇ હતી. આ જાહેરાત ટ્યૂટર્સ ઇન્ટરનેશનલ તરફથી અપાઇ હતી. આવી જ ઑફર ઓક્સફોર્ડ ટ્યૂટોરિંગ એજન્સીએ પણ આપી હતી. તે અનુસાર કોલેજનો અભ્યાસ શરૂ કરવા જઇ રહેલા વિદ્યાર્થીને ભણાવવા માટે ટ્યૂટરને રૂ.2.11 કરોડ આપવામાં આવશે. 9 સપ્તાહની રજા પણ મળશે. ઇટાલીના એક ક્લાયન્ટે દીકરીને આર્કિટેક્ચરલ એન્જિનિયરિંગ ભણાવવા માટે વાર્ષિક 21 કરોડ ફી આપવાની વાત કરી છે. બ્રિટનના આર્કિટેક્ટ્સ દ્વારા વાંધો વ્યક્ત કરાયા બાદ આ જાહેરાત હટાવી લેવાઇ છે. કારણ કે આ રકમ બ્રિટિશ આર્કિટેક્ટના સરેરાશ પગારથી 7 ગણી વધુ છે. ટ્યૂટર્સ ઇન્ટરનેશનલના સ્થાપક એડમ કૉલર જણાવે છે કે આ સુપર-રિચ બાળકો માટે ખાનગી શિક્ષણની ઝડપી ગતિએ વધતી દુનિયા છે. તેમના મતે પહેલાં આવું ક્યારેય થયું નથી. ક્લાયન્ટ નથી ઇચ્છતા કે ટ્યૂટર અત્યારની નોકરી છોડી દે. જોકે ટ્યૂટરે વિદ્યાર્થીને કોર્સ અને પરીક્ષાની તૈયારી કરાવવાની સાથે જ આર્કિટેક્ચરલ કંપનીમાં પ્લેસમેન્ટ સુધી મદદ કરવી પડશે. આ વ્યવસ્થા વિદ્યાર્થીની આર્કિટેક્ચરલ ટ્રેનિંગનાં પૂરાં 7 વર્ષ સુધી ચાલી શકે છે. બ્રિટનની એજ્યુકેશનલ ચેરિટી સંસ્થા સટન ટ્રસ્ટ અનુસાર ગત વર્ષે ઇંગ્લેન્ડ તેમજ વેલ્સમાં 11-16 ઉંમરના 30% કિશોરોએ તગડી ફી ચૂકવીને પ્રાઇવેટ ટ્યૂટર્સની મદદ લીધી હતી. ટ્યૂટર્સ ઇન્ટરનેશનલની પાસે વિશ્વભરમાં આવા વિશેષ ક્લાયન્ટ્સ માટે 40 શિક્ષક છે. સૌથી વધુ માંગ અમેરિકા, ઇટાલી અને યુએઇથી છે. બ્રિટન, મોનાકો, સ્પેન, ફ્રાન્સ, થાઇલેન્ડ, કેનેડા, દ.આફ્રિકા, કતાર અને ઓસ્ટ્રેલિયામાં પણ માંગ છે. મોટા ભાગના ક્લાયન્ટ અબજોપતિ છે, સારાં પરિણામ માટે તેઓ કોઇ પણ હદ સુધી ખર્ચ કરવા માટે તૈયાર છે. કૉલર અનુસાર કેમ્બ્રિજમાં ફેલ થયેલા વિદ્યાર્થીને ફરીથી કોર્સ કરાવવા માટે ક્લાયન્ટે 3.17 કરોડ રૂપિયાની ફી ઉપરાંત ફ્લેટ, કાર અને ફ્લાઇટની ટિકિટની સુવિધા પણ આપી છે. ક્લાયન્ટ્સ સર્વશ્રેષ્ઠ લોકો ઇચ્છે છે. કામ સરળ નથી. શ્રેષ્ઠ પરિણામ માટે બધું જ સમર્પિત કરવું પડે છે. અરબીમાં વાત કરનારા શિક્ષકને પ્રતિ કલાક રૂ.16 હજારની ઑફર
એજન્સીઓ દ્વારા અપાતી ઓફર્સ દંગ કરે તેવી છે. જેમ કે ઇબિઝા, કોસ્ટવૉલ્ડ અને સરેમાં ગરમી દરમિયાન અરબી બોલતા શિક્ષકોને 7 વર્ષ સુધી વિદ્યાર્થીને ભણાવવા માટે અંદાજે 16 હજાર રૂપિયા પ્રતિ કલાક મળશે. જિબુતીમાં ફ્રેન્ચ, ગણિત અને રીડિંગ શીખવાડવા માટે 1.5 કરોડનો પગાર અને ઘરની સુવિધા મળશે. એ જ રીતે મોટર સ્પોર્ટ્સ, ઘોડેસવારી અને આર્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પરિવારનાં બે બાળકોને ભણાવવા માટે બે ટ્યૂટર્સને વાર્ષિક 3 કરોડની ફી ચૂકવાશે. એક પ્રોફેશનલ ગોલ્ફર પોતાનાં સંતાનોને ભણાવવા માટે 2.34 કરોડ રૂપિયાની ફી આપે છે. એજન્સી ક્લાયન્ટ્સ પાસેથી ટ્યૂટર્સના પગાર ઉપરાંત 33% કમિશન પણ લે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.