CPI(M)ના મહાસચિવ સીતારામ યેચુરીની હાલત ગંભીર:શ્વાસનળીમાં ઈન્ફેક્શનને કારણે ICUમાં દાખલ કરાયા; દિલ્હી AIIMSમાં 23 દિવસથી સારવાર ચાલુ છે
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના મહાસચિવ સીતારામ યેચુરીની હાલત ગંભીર છે. તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને 19 ઓગસ્ટના રોજ ખૂબ જ તાવ આવતાં દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. 23 દિવસથી તેમની સારવાર ચાલી રહી છે. CPI(M) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'કોમરેડ સીતારામ યેચુરીને શ્વાસનળીમાં ભારે ઈન્ફેક્શનન થયું છે. ડોક્ટરોની ટીમ તેની સારવાર કરી રહી છે અને તેની સ્થિતિ પર નજર રાખી રહી છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, તેમને 19 ઓગસ્ટના રોજ ભારે તાવ આવતાં એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. 72 વર્ષીય CPMના નેતાનું પણ હાલમાં મોતિયાનું ઓપરેશન કરાયું હતું. એઈમ્સમાં હતા ત્યારે બુદ્ધદેવ ભટ્ટાચાર્યને શ્રદ્ધાંજલિ આપી હતી યેચુરી, જ્યારે AIIMSમાં દાખલ હતા, ત્યારે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યને 22 ઓગસ્ટના રોજ તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે 6 મિનિટ 15 સેકન્ડના વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, 'એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે મારે બુદ્ધદા પ્રત્યે મારી લાગણી વ્યક્ત કરવી પડી અને એઈમ્સમાંથી જ લાલ સલામ કહેવું પડી રહ્યું છે.' 23 ઓગસ્ટના રોજ, યેચુરીએ જમ્મુ અને કાશ્મીરમાં સીપીએમ, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચેના ગઠબંધન અંગે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી હતી. 29 ઓગસ્ટના રોજ, તેમણે X પર અબ્દુલ ગફૂર નૂરાનીના નિધન પર શોક સંદેશ પોસ્ટ કર્યો. 1975માં CPMમાં જોડાયા, સતત 3 વખત જનરલ સેક્રેટરી બન્યા
યેચુરી 1974માં સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)માં જોડાયા હતા. એક વર્ષ બાદ તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)માં જોડાયા. ઈમરજન્સી બાદ તેઓ એક વર્ષ (1977-78) દરમિયાન ત્રણ વખત JNU વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેઓ SFIના પહેલા પ્રમુખ હતા જે કેરળ કે બંગાળના ન હતા. યેચુરી 1984માં CPI(M)ની સેન્ટ્રલ કમિટીમાં ચૂંટાયા હતા. તેમણે 1986માં SFI છોડી દીધી હતી. ત્યારબાદ તેઓ 1992માં ચૌદમી કોંગ્રેસમાં પોલિટબ્યુરોમાં ચૂંટાયા હતા. યેચુરી જુલાઈ 2005માં પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા. તેઓ 19 એપ્રિલ 2015ના રોજ CPI(M)ના પાંચમા મહાસચિવ તરીકે ચૂંટાયા હતા. એપ્રિલ 2018 માં તેઓ ફરીથી CPI(M) ના મહાસચિવ તરીકે ચૂંટાયા. એપ્રિલ 2022માં, યેચુરીએ ત્રીજી વખત CPI(M)ના જનરલ સેક્રેટરી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ધો.12ની પરીક્ષામાં દેશમાં પ્રથમ રેન્ક મેળવ્યો હતો
સીતારામ યેચુરીનો જન્મ 12 ઓગસ્ટ, 1952ના રોજ ચેન્નાઈમાં થયો હતો. તેઓ હૈદરાબાદમાં ઉછર્યા અને દસમા ધોરણ સુધી ઓલ સેન્ટ્સ હાઈસ્કૂલમાં ભણ્યા હતા. તેઓ 1969ના તેલંગાણા આંદોલન દરમિયાન દિલ્હી પહોંચ્યા હતા. યેચુરીએ દિલ્હીની પ્રેસિડેન્ટ એસ્ટેટ સ્કૂલમાં એડમિશન લીધું અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) હાયર સેકન્ડરી પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક વન મેળવ્યો હતો. તેમણે સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હીમાંથી પ્રથમ ક્રમાંક સાથે અર્થશાસ્ત્રમાં બીએ કર્યું હતું. ત્યારબાદ તેમણે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માંથી અર્થશાસ્ત્રમાં MA કર્યું. તેમણે પીએચડી માટે જેએનયુમાં એડમિશન લીધું હતું. જો કે, 1975માં ઈમરજન્સી દરમિયાન તેમની ધરપકડને કારણે તેઓ તેને પૂર્ણ કરી શક્યા નહીં. 2021માં 34 વર્ષના પુત્રનું કોરોનાથી મોત થયું હતું
યેચુરીના પત્ની સીમા ચિશ્તી પત્રકાર છે. યેચુરીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમના પત્ની તેમને આર્થિક મદદ કરે છે. તેમના પ્રથમ લગ્ન વીણા મજુમદારની પુત્રી ઈન્દ્રાણી મજમુદાર સાથે થયા હતા. આ લગ્નથી તેમને એક પુત્રી અને એક પુત્ર છે. યેચુરીના પુત્ર આશિષનું 22 એપ્રિલ, 2021ના રોજ 34 વર્ષની વયે કોરોનાને કારણે નિધન થયું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.