1991ના એક કેસમાં કોર્ટે દોષી ઠેરવ્યા તો મંત્રી સજાની સુનાવણી પહેલા જ દોષસિદ્ધિની ફાઈલ લઈને ભાગ્યા - At This Time

1991ના એક કેસમાં કોર્ટે દોષી ઠેરવ્યા તો મંત્રી સજાની સુનાવણી પહેલા જ દોષસિદ્ધિની ફાઈલ લઈને ભાગ્યા


- 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા રાકેશ સચાન કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતાકાનપુર, તા. 07 ઓગષ્ટ 2022, રવિવારઉત્તર પ્રદેશમાં મંત્રી કોર્ટમાંથી પોતાના પર સિદ્ધ થયેલા દોષના આદેશની મૂળ ફાઈલ લઈને ફરાર થઈ ગયા હોવાની એક ચોંકાવનારી ઘટના બની છે. કેબિનેટ મંત્રી રાકેશ સચાન પર પોતાની સજાની ફાઈલ લઈને કોર્ટમાંથી ભાગી જવાનો ગંભીર આરોપ લાગ્યો છે. કાનપુરની એક કોર્ટે શનિવારે સચાનને એક કેસમાં દોષી ઠેરવ્યા હતા. જોકે કોર્ટ સજા સંભળાવે તે પહેલા જ મંત્રી પોતાના વકીલની મદદથી દોષસિદ્ધિ આદેશની મૂળ પ્રતિ લઈને ફરાર થઈ ગયા હતા. એટલું જ નહીં, તેઓ જામીનના બોન્ડ ભર્યા વગર જ કોર્ટ રૂમમાંથી ભાગી ગયા હતા. આ કારણે મંત્રી વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવા કોર્ટ પ્રેઝન્ટર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. શું છે સમગ્ર કેસહકીકતે 1991માં પોલીસે તત્કાલીન સમાજવાદી પાર્ટીના નેતા રાકેશ સચાન પાસેથી એક ગેરકાયદેસર હથિયાર જપ્ત કર્યું હતું. તે મામલે તેમના વિરૂદ્ધ સશસ્ત્ર અધિનિયમ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો. શનિવારના રોજ કાનપુરની અપર મુખ્ય મહાનગર મેજિસ્ટ્રેટ-3ની કોર્ટમાં તે કેસ (729/1991) મામલે સુનાવણી ચાલી રહી હતી અને કોર્ટે સચાનને દોષી ઠેરવ્યા હતા. કોર્ટ રાકેશ સચાનને દોષી સાબિત કરીને સજા સંભળાવવાની તૈયારીમાં હતી. તે પહેલા બચાવ પક્ષને સજા મામલે દલીલ શરૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ અચાનક જ રાકેશ સચાન દોષસિદ્ધિના આદેશની ફાઈલ લઈને કોર્ટમાંથી ગાયબ થઈ ગયા એટલે કોર્ટ અને પોલીસ પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો. કોણ છે રાકેશ સચાન?રાકેશ સચાને સાઈકલ પર સવાર થઈને પોતાની રાજકીય ઈનિંગ શરૂ કરી હતી. મતલબ કે, તેઓ પહેલા સમાજવાદી પાર્ટી સાથે સંકળાયેલા હતા. ત્યાર બાદ 1993 અને 2002માં તેઓ ઉત્તર પ્રદેશની ઘાટમપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ 2009માં તેઓ ફતેહપુર લોકસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ દ્વારા સામાન્ય ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા રાકેશ સચાન કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેઓ કાનપુર દેહાતની ભોગનીપુર વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય અને પ્રાંતની યોગી કેબિનેટમાં ખાદી ગ્રામોદ્યોગ, રેશમ ઉદ્યોગ, હાથવણાટ અને વસ્ત્રોદ્યોગ મંત્રી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.