લોકોને પોતાના અધિકારોની ખબર હશે તો જ દેશ આગળ વધી શકશે : રમણ
રાયપુર, તા.૩૧દેશના નાગરિકો બંધારણની પરિકલ્પના અંગે જાગૃત હોય ત્યારે જ લોકતાંત્રિક દેશનો વિકાસ થઈ શકે. પ્રત્યેક વ્યક્તિને તેના અધિકારો અને કર્તવ્યો અંગે જાગૃત કરવા જોઈએ અને કાયદાના સ્નાતકોએ લોકોને બંધારણની જોગવાઈઓ સરળ શબ્દોમાં સમજાવવી જોઈએ તેમ મુખ્ય ન્યાયાધીશ એનવી રમણે રવિવારે રાયપુરમાં હિદાયતુલ્લાહ નેશનલ લૉ યુનિવર્સિટીને સંબોધન કરતાં જણાવ્યું હતું.રાયપુરમાં હિદાયતુલ્લાહ નેશનલ લૉ યુનિવર્સિટીના પાંચમા દિક્ષાંત સમારંભને સંબોધન કરતાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એનવી રમણે કાયદાને સામાજિક પરિવર્તનનું એક સાધન ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે કાયદાની યુનિવર્સિટીના શિક્ષણે સ્નાતકોને સામાજિક એન્જિનિયરોમાં પરિવર્તિત કરવા જોઈએ. યુવાનોની આ પેઢી દુનિયામાં ક્રાંતિ લાવી રહી છે. જળવાયુ સંકટ હોય કે માનવાધિકારોના ભંગ, તેઓ દુનિયાભરમાં એક તાકત બની રહ્યા છે. હકીકતમાં ટેક્નોલોજીકલ ક્રાંતિએ આપણામાંથી પ્રત્યેકને વૈશ્વિક નાગરિક બનાવી દીધા છે. હવે બધા લોકો માટે આ ક્રાંતિમાં જોડાવાનો સમય આવી ગયો છે.કાયદાના શાસન અને બંધારણ મારફત સામાજિક પરિવર્તન લાવવામાં યુવાનોની ભૂમિકા પર ભાર મૂકતા તેમણે કહ્યું કમનસીબ વાસ્તવિક્તા એ છે કે આધુનિક સ્વતંત્ર ભારતની આકાંક્ષાઓને પરિભાષિત કરનારો સર્વોચ્ચ દસ્તાવેજ એટલે કે બંધારણનું જ્ઞાન માત્ર કાયદાના વિદ્યાર્થીઓ, વકીલો અને ભારતીય વસતીના એક ખૂબ જ નાના વર્ગ સુધી મર્યાદિત રહી ગયું છે. બંધારણ પ્રત્યેક નાગરિક માટે છે. પ્રત્યેક વ્યક્તિને તેના અધિકારો અને કર્તવ્યોથી માહિતગાર કરવા જોઈએ. બંધારણયી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું અને જાગૃતિ વધારવી એ આપણું સામુહિક કર્તવ્ય છે. બંધારણીય જોગવાઈઓને સરળ શબ્દોમાં સમજાવવા અને તેને આત્મસાત કરવા માટે તમારો પ્રયાસ હોવો જોઈએ.સીજેઆઈએ કહ્યું કે, એક બંધારણીય લોકતંત્ર ત્યારે જ વિકાસ કરી શકે જ્યારે તેના નાગરિકો એ બાબતથી માહિતગાર હોય કે તેમના બંધારણની પરિકલ્પના શું છે. મોટાભાગે સૌથી નબળા લોકો સરકાર અથવા અસામાજિક તત્વો દ્વારા માનવાધિકારોના ભંગના શિકાર હોય છે. યુવાન વકીલ તરીકે તમે કાયદાકીય કાર્યવાહીના માધ્યમથી તેનો આકરો વિરોધ કરવા માટે સૌથી સારી સ્થિતિમાં છો. જરૃરિયાતમંદોને સસ્તો ન્યાય અપાવવામાં સમાજને તમારા સક્ષમ સહયોગની જરૃર છે. ભારતમાં કાયદાની મદદની સેવાને દુનિયામાં સૌથી મોટી ગણાવતા તેમણે કહ્યું કે આપણે આંદોલનને યોગ્ય દિશામાં ચલાવવા માટે પ્રતિભાશાળી યુવાનોની જરૃર છે. હું તમને બધાને શક્ય હોય ત્યાં સુધી વધુમાં વધુ નિઃશુલ્ક કેસ હાથ પર લેવાનો આગ્રહ કરું છું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.