વીઆઇપી સેક્ટરોમાં કોરોનાના કેસ વધ્યાઃતંત્ર દોડયું - At This Time

વીઆઇપી સેક્ટરોમાં કોરોનાના કેસ વધ્યાઃતંત્ર દોડયું


ગાંધીનગર : ગાંધીનગર શહેરી વિસ્તારમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ
રહ્યો છે ત્યારે સોમવારે ૨૪ કલાક દરમિયાન કોર્પોરેશનનાચોપડે કુલ ૨૧ કેસ નોંધાયા
હતા જેમાં સેક્ટર-૧, ૨, અને સે-૮ સહિત
વીઆઇપી સેક્ટરોમાં સંક્રમણ વકરતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. તો બીજીબાજુ કલોલના
ગ્રામ્યવિસ્તારમાં પણ કોરોના વકરી રહ્યો છે. નારદીપુર, ડિંગુચા તથા
સોજામાં મળીને છ કેસ સામે આવ્યા છે.કોર્પોરેશનના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર શહેરી
વિસ્તારમાંથી સોમવારે કુલ ૨૧ કેસ મળી આવ્યા હતા જેમાંથી સેક્ટર-૧માં ચાર દર્દીઓનો
સમાવેશ થાય છે આ ઉપરાંત સેક્ટર-૨માં ત્રણ જ્યારે સેક્ટર-૮માં એક કેસ મળી આવ્યો છે.
વીઆઇપી સેક્ટરોમાં કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને આ
વીઆઇપી વિસ્તારમાં કોરોના વધુ વકરે નહીં તે માટે આરોગ્યલક્ષી કામગીરી પણ શરૃ કરી
દેવામાં આવી છે. સર્વેલન્સ અને ટેસ્ટીંગ વધારી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત
સરગાસણમાં પણ ત્રણ દર્દીઓ પ્રકાશમાં આવ્યા છે. આઇઆઇટીમાં બે જ્યારે મેડિકલ
કોલેજમાં વધુ બે વિદ્યાર્થીઓને ચેપ લાગ્યો છે.જ્યારે સેક્ટર-૭,૧૪, રાયસણ, રાંદેસણ તથા
કોટેશ્વરમાંથી એક-એક કેસ સરકારી ચોપડે નોંધાયો છે.

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં ખાસ કરીને કલોલ
તાલુકામાં કેસ ખુબ જ વધી રહ્યા છે. નારદીપુરમાંથી ૩૪ અને ૩૫ વર્ષની બે મહિલા, ડિંગુચામાંથી
વૃધ્ધ, કિશોર
તથા મહિલા મળી ત્રણ કેસ તથા સોજામાં વૃધ્ધા સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું
છે. જ્યારે દહેગામના નાંદોલમાં રહેતો વિદ્યાર્થી તથા સાણોદાના વૃધ્ધા કરોના
પોઝિટિવ થયા છે. ગાંધીનગર તાલુકાના પ્રાંતિયામાં રહેતા ૫૦ વર્ષિય મહિલાનો રીપોર્ટ
પણ પોઝિટિવ આવ્યો છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં એક જ દિવસમાં વધુ ૩૦ કેસ
ઉમેરાયા છે જ્યારે ૧૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.