નેશનલ હેરાલ્ડની ઓફિસમાંથી ઈડીને હવાલાના દસ્તાવેજો મળ્યા : સૂત્રો - At This Time

નેશનલ હેરાલ્ડની ઓફિસમાંથી ઈડીને હવાલાના દસ્તાવેજો મળ્યા : સૂત્રો


નવી દિલ્હી, તા.૪એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને નેશનલ હેરાલ્ડ અખબારની એક ડઝનથી ઓફિસોમાં દરોડા પાડયા હતા, જેમાં તેને હલાવા સંબંધિત કેટલાક દસ્તાવેજો મળ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બીજીબાજુ ઈડીએ ગુરુવારે યંગ ઈન્ડિયાની ઓફિસમાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં ફરીથી તપાસ શરૂ કરી હતી તેમજ લગભગ ૭ કલાક સુધી ખડગેની પૂછપરછ કરી હતી. સંસદના ચાલુ સત્રમાં ખડગેને ઈડીએ પાઠવેલા સમન્સ અંગે કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો હતો અને કેન્દ્રની ઝાટકણી કાઢી હતી.ઈડીના સૂત્રો મુજબ તેમને નેશનલ હેરાલ્ડ અખબારની ઓફિસોમાં દરોડા દરમિયાન હવાલાથી લેવડ-દેવડ અંગે કેટલાક દસ્તાવેજો મળ્યા છે. પીએમએલએની ગૂનાઈત કલમો હેઠળ વધુ પુરાવા એકત્ર કરવા માટે તપાસ ચાલી રહી છે. આ પહેલા ઈડીએ નેશનલ હેરાલ્ડ અખબાર સાથે સંકળાયેલ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પૂછપરછ કરી હતી.નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ બુધવારે યંગ ઈન્ડિયનની ઓફિસો સીલ કરી દીધી હતી. ત્યાર પછી ગુરુવારે ફરીથી આ ઓફિસો ખોલવામાં આવી હતી અને કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં વધુ તપાસ હાથ ધરાઈ હતી. આ સાથે યંગ ઈન્ડિયનની ઓફિસમાં જ ઈડીએ લગભગ સાત કલાક સુધી મલ્લિકાર્જુન ખડગેની પૂછપરછ કરી હતી. ઈડીની પૂછપરછ પછી ઓફિસમાંથી બહાર નીકળતા ખડગેએ તપાસ અંગે કશું જણાવ્યું નહોતું.આ પહેલાં જયરામ રમેશે કહ્યું હતું કે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ઈડી છેલ્લા સાડા ચાર કલાકથી પૂછપરછ કરી રહી છે, તેમની પરીક્ષા ચાલુ છે. મલ્લિકાર્જુન ખડગે સાંજે ૭.૩૦ વાગ્યે ઉપરાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર માર્ગારેટ અલ્વાની ડીનર પાર્ટીનું યજમાનપદ સંભાળવાના હતા. બીજીબાજુ દિવસ દરમિયાન ખડગેએ રાજ્યસભાને જણાવ્યું કે, સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે ઈડીએ તેમને સમન્સ પાઠવ્યું છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર કોંગ્રેસ પક્ષને ડરાવવા-ધમકાવવાનો પ્રયત્ન કરી રહી છે.ખડગેએ કહ્યું કે, મને બપોરે ૧૨.૩૦ વાગ્યે બોલાવાયો હતો. હું કાયદાનું પાલન કરવા માગું છું. પરંતુ શું સંસદનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે તેમને સમન પાઠવવું યોગ્ય છે. શું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના આપાસોને પોલીસે કરેલો ઘેરાવ યોગ્ય છે? તેઓ અમને ડરાવવા માગે છે. પરંતુ અમે ડરીશું નહીં. ખડગેની ફરિયાદ પર પ્રતિક્રિયા આપતા રાજ્યસભામાં ગૃહના નેતા પીયુષ ગોયલે કહ્યું કે કેન્દ્રનો આમાં કોઈ હાથ નથી. કેન્દ્રીય તપાસ એજન્સીઓની કામગીરીમાં સરકારની કોઈ દખલ નથી. જેમણે ખોટું કામ કર્યું છે તેમની સામે એજન્સી કામ કરી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.