મહેસાણા જિલ્લાની ગ્રામ પંચાયતોનાં વોર્ડ સીમાંકનમાં અનેક વિસંગતતાની ફરિયાદો
મહેસાણા,
તા.29રાજ્ય ચૂંટણી આયોગે ગ્રામપંચાયતોની સામાન્ય, મધ્યસત્ર અને
ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી તેમજ વિભાજનથી અસ્તિત્વમાં આવેલી નવી ગ્રામ
પંચાયતોની ચૂંટણી યોજવા માટેની પ્રક્રીયા અંતર્ગત ૨૪ જૂનના રોજ પ્રાથમિક મતદાર
યાદી પ્રસિદ્ધ કરી હતી. પ્રાથમિક મતદાર યાદીમાં વોર્ડ સીમાંકનમાં અનેક વિસંગતતા
હોવાની ફરિયાદો ઉઠી છે. મહેસાણા તાલુકાના
છઠીયારડા, દેદીયાસણ
અને મીઠાના નાગરીકોએ વાંધા અરજી આપી છે. જ્યારે વિજાપુરના પીલવાઈમાં વોર્ડ સીમાંકન
નવી યાદી ખોટી અને ગેરકાયદેસર રીતે તૈયાર કરાઈ હોવાનો આક્ષેપ કરીને નવી યાદી મંજૂર
કરાશે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની કેટલાંક નાગરીકોએ મામલતદારને લેખિત વાંધા અરજી
આપતા તંત્રમાં દોડધામ મચી છે.
રાજ્ય ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા ફોટોવાળી
મતદાર યાદી પ્રસિધ્ધ કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. ૨૪ જૂનના રોજ વોર્ડવાર મતદાર
યાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ કરીને ૨૯ જૂન સુધી દાવા અરજીઓ મંગાવાઈ હતી. ૬ જુલાઈ
સુધીમાં દાવા અરજીઓની ચકાસણી કરીને ૭ જુલાઈના રોજ આખરી મતદાર યાદી પ્રસિધ્ધિ
કરવામાં આવનાર છે. પ્રાથમિક મતદાર યાદીમાં
વોર્ડ સીમાંકન અંગે અનેક ફરિયાદો મળી રહી છે. મહેસાણા તાલુકા પંચાયતના વિરોધ
પક્ષના નેતા દોલતબીબી પઠાણ અને દેદીયાસણના ભીખનખાન પઠાણે મામલતદારને વાંધા અરજી
આપીને તમામ વોર્ડના મતદારો એક સરખા રહે તે રીતે મતદાર યાદી તૈયાર કરાવીને દરેક
વોર્ડમાં ફેરફાર કરવા માંગ કરી છે. તેવી જ રીતે મીઠા ગામના વોર્ડ સીમાંકનમાં પણ
વિસંગતતા અંગે વાંધા અરજી આપવામાં આવી હોવાનુ જણાવાયુ છે. જ્યારે વિજાપુર તાલુકાના
પીલવાઈમાં ૧૦ વોર્ડ પૈકી વોર્ડ નંબર૫ અને ૬ સિવાય બાકીના તમામ વોર્ડમાં મનસ્વી
રીતે ફેરફારો કર્યા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો ેછે. રણજીતજી વિહોલની આગેવાની
હેઠળ ૧૦ જેટલા આગેવાનોએ મામલતદારને વાંધા અરજી આપીને વર્ષ ૨૦૧૭ મુજબ વોર્ડ રાખવા
માંગ કરી છે. ગ્રામજનોને સાંભળ્યા સિવાય નવી યાદી મંજૂર કરવામાં આવશે તો તેવા
અધિકારીઓ વિરૃદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને ચૂંટણીનો બહિષ્કાર કરવાની તેમણે ચીમકી
ઉચ્ચારી છે. ટૂંકમાં, ગ્રામ
પંચાયતોની પ્રસિદ્ધ કરેલી પ્રાથમિક મતદાર યાદી-૨૦૨૨ માં અનેક વિસંગતતાઓ બહાર આવતા
જિલ્લાના ચૂંટણી તંત્રની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.