સુરત શહેરમાં ફરી વખત રસ્તા તુટતા પાલિકા કમિશનર અકળાયા - At This Time

સુરત શહેરમાં ફરી વખત રસ્તા તુટતા પાલિકા કમિશનર અકળાયા


- રસ્તા તૂટવાની એકસરખી ફરિયાદ વધી છે, રીપેરીંગની કામગીરી યોગ્ય ન થાય તો પગલાં ભરાશે - શહેરમાં માણસોમાં મલેરિયા, ડેન્ગ્યુ સાથે સાથે પશુમાં લમ્પી વાયરસનો રોગ અંગે પગલાં ભરવા તાકીદ સુરત,તા.10 ઓગષ્ટ 2022,બુધવારસુરતમાં ચોમાસાના થોડા વરસાદ બાદ ફરીથી રસ્તા તુટવાની ફરિયાદ વધી જતાં મ્યુનિ. કમિશ્નર અકળાયા હતા. અધિકારીઓ સાથેની બેઠકમાં રસ્તા રીપેરની કામગીરી ગંભીરતાથી કરવા તાકીદ કરી હતી. રસ્તા રીપેરીંગની કામગીરીમાં કચાસ રાખવામાં આવશે તો પગલાં ભરાશા તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. સુરતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે આ વરસાદના કારણે પાણીનો ભરાવો તો થોડા કલાકો માટે થાય છે પરંતુ  પાલિકા માટે રસ્તા તુટવાની ફરિયાદ માથાનો દુઃખાવો બની રહી છે. તેમાં પણ ખાસ કરીને સેન્ટ્રલ ઝોન, વરાછા બી અને કતારગામ ઝોનમાં રસ્તા તુટવાની સૌથી વધુ ફરિયાદ આવી રહી છે. આજે અધિકારીઓ સાથેની બેઠકમાં મ્યુનિ. કમિશ્નર બન્છાનિધિ પાણીએ રસ્તા રીપેરીંગની કામગીરી અંગે નારાજગી દર્શાવી હતી. તેઓએ કહ્યું હતું કે, આ ત્રણ ઝોનમાં રસ્તા તુટવાની ફરિયાદ એક સરખી આવે છે અને રસ્તા રીપેરીંગ માટેની વાત પણ કરવામા આવે છે તેમ છતાં થોડા સમય પછી આ ફરિયાદ આવી રહી છે તે યોગ્ય નથી. આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં ખાબડ ખુબડ અને બમ્પર જેવા રસ્તાની ફરિયાદ સામે પણ તેઓ અકળાયા હતા.ઝોનના અધિકારીઓ દ્વારા રસ્તા રીપેર કરવામા આવે છે તેવા આંકડા રજુ કરવામા આવ્યા હતા પરંતુ મ્યુનિ કમિશ્નર સ્પષ્ટ કહી દીધું છે કે, રીપેરીંગની કામગીરી યોગ્ય રીતે થવી જોઈએ આ ઉપરાંત ફરિયાદ પર પણ યોગ્ય ધ્યાન આપવાની જરૂર છે. જો રસ્તા રીપેરની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવશે તેવા કર્મચારી- અધિકારી સામે પગલાં ભરવામાં આવશે.આ ઉપરાંત તેઓએ ગત વર્ષની સરખામણીમાં શહેરમાં મલેરિયા અને ડેન્ગ્યુના દર્દીઓ વધ્યા છે તેની સરખામણી કરવા સાથે આ રોગને અટકાવવા માટે કામગીરી કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત હાલમાં પશુમાં લમ્પી વાઈરસનો રોગ છે તે અંગે પણ માહિતી મેળવીને પગલાં ભરવા માટે સુચના આપવામા આવી હતી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.