ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાની માંગનો વિવાદ વધુ વકર્યો, વિરોધ કરનારા વકીલોના નામ જાહેર કરી પગલા લેવાની ફરિયાદ - At This Time

ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાની માંગનો વિવાદ વધુ વકર્યો, વિરોધ કરનારા વકીલોના નામ જાહેર કરી પગલા લેવાની ફરિયાદ


અમદાવાદ,તા.26 ઓગષ્ટ 2022,શુક્રવાર ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાને સત્તાવાર બનાવવા અંગે લખાયેલા પત્ર બાદવકરેલો વિવાદ એક પછી એક ઘટનાક્રમ પછી વધુ વકરી રહ્યો છે. હવે રાજયના સૌથી મોટા બાર એસોસીએશન એવા અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશને હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાના સમર્થનમાં લખાયેલા પત્રનો વિરોધ કરનારા અને તેને પાછો ખેંચવાનો ઠરાવ કરવામાં સામેલ હાઇકોર્ટના ૮૦ વકીલો વિરૂધ્ધ આજે એક મહત્વનો ઠરાવ પસાર કર્યો છે અને હાઇકોર્ટના આ ૮૦ વકીલોના નામ જાહેર કરી તેઓની વિરૂધ્ધ એડવોકેટ્સ એકટની જોગવાઇ હેઠળ પગલાં લેવા ગુજરાત બાર કાઉન્સીલ અને હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખને ફરિયાદ કરી છે. અમદાવાદ ક્રિમીનલ કોર્ટ્સ બાર એસો.ને બાર કાઉન્સીલ અને હાઇકોર્ટ એસો.ના પ્રમુખને ફરિયાદ કરી અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશન દ્વારા ગુજરાત બાર કાઉન્સીલ અને હાઇકોર્ટ એડવોકેટ્સ એસો.ના પ્રમુખને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગુજરાત હાઇકોર્ટમાં અંગ્રેજી ભાષામાં સમગ્ર કોર્ટ કાર્યવાહી ચાલે છે, જેના લીધે રાજયની અન્ય જિલ્લા-તાલુકા અદાલતમાં વકીલાત કરતાં વકીલો હાઇકોર્ટમાં પ્રેકટીસ માટે અપીઅર થઇ શકતા નથી. હાઇકોર્ટમાં અંગ્રેજી ભાષાની સાથે સાથે માતૃભાષા ગુજરાતીને પણ સત્તાવાર કરવા અંગે રાજયપાલને જરૂરી સત્તા બંધારણ હેઠળ બક્ષાયેલી છે. હાઇકોર્ટમાં ગુજરાતી ભાષા અમલી બનાવવા હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખે રાજયપાલને પત્ર પણ પાઠવ્યો હતો પરંતુ હાઇકોર્ટના જ ૮૦ જેટલા વકીલોએ તેનો વિરોધ કરી પોતાની વકીલાતનો ધંધાકીય હેતુ પાર પાડવા અને રાજયના બીજા વકીલો પોતાના અસીલ માટે હાઇકોર્ટમાં રજૂઆત કરવા ના આવી શકે તેવા બદઇરાદાથી હાઇકોર્ટમાં કાનૂની કાર્યવાહીમાં ગુજરાતી ભાષાનો વિરોધ કર્યો છે, તેને આ એસોસીએશન સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના આ ૮૦ વકીલોને રાજયના અન્ય વકીલોનું અહિત થાય તે પ્રકારે ઠરાવ પસાર કરવાની કોઇ સત્તા કે અધિકાર નથી. તેમછતાં તેઓએ આ પ્રકારનું ગેરબંધારણીય તેમ જ વકીલાતના વ્યવસાયમાં ગેરવર્તણૂંક કરી હોઇ એડવોકેટ્સ એકટની જોગવાઇ હેઠળ તેઓના નામ જાહેર કરી તેઓ વિરૂધ્ધ પગલાં ભરવા ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશનની ઉગ્ર માંગણી છે.અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશન એ રાજયનું સૌથી મોટુ બાર એસોસીએશન છે અને હવે તેણે હાઇકોર્ટના વકીલો વિરૂધ્ધ ગુજરાતી ભાષાના મુદ્દે બાંયો ચઢાવી છે, તેથી હવે આ વિવાદ વધુ વકર્યો છે. વકીલઆલમમાં આ મામલે જૂથવાદ અને બે ફાંટા સ્પષ્ટ રીતે સામે આવી ગયા છે ત્યારે હવે આવનારા દિવસોમાં રાજયના ૨૭૨ વકીલમંડળોમાંથી કેવા પ્રતિસાદ આવે છે તે જોવાનું નોંધનીય બની રહેશે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.