વડોદરા: MSU ની વિદ્યાર્થીનીને ચાલુ વાહને અશ્લીલ ચેનચાળા કરતા યુવક સામે ફરિયાદ
વડોદરા,તા.26 જુલાઈ 2022,મંગળવારપાદરા ગામે એમએસ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીને ચાલુ વાહને અશ્લીલ ચેનચાળા કરનાર અજાણ્યા એકટીવા સવાર શખ્સની વર્ણન અને સીસીટીવી કુટેજના આધારે ઓળખ થતા ફરિયાદના આધારે પાદરા પોલીસે છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકા ખાતેના ગામે રહેતી 19 વર્ષીય વિદ્યાર્થીની એમએસ યુનિવર્સિટીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીની 23 જુલાઈના રોજ રાબેતા મુજબ ટ્યુશન ક્લાસીસ અર્થે નીકળી હતી. જ્યાંથી પરત ફરતા સમયે વરસાદ વરસવાથી વિદ્યાર્થીની રસ્તાની સાઇડ ઉપર ઉભી રહી હતી. તે સ્થળેથી અજાણ્યા એકટીવા સવાર યુવકે વિદ્યાર્થીનીનો પીછો કર્યો હતો. અને ગોરિયાદ-સરસવણી રસ્તા વચ્ચે ચાલુ વાહને એકટીવા સવાર યુવકે બીભત્સ હરકતો કરી હતી. ઘટના અંગે સ્થાનિક લોકોને વાત કરતા તેઓએ છેડતીખોરનો પીછો કર્યો હતો. પરંતુ તેને ઝડપી પાડવામાં નિષફળતા મળી હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીએ પરિવારને જાણ કરતા એકટીવા કલરના આધારે તેમજ સીસીટીવી ફૂટેજ ચકાસણી કરતા કુંતલ અશોક પટેલ ( રહે - ગોરીયાદ, પાદરા) હોવાનું બહાર આવ્યું હતું અને વિદ્યાર્થીનીએ તેને ઓળખી બતાવ્યો હતો. જે તે સમયે સમાજમાં બદનામીના ડરથી પોલીસ ફરિયાદ ટાળી હતી. પરંતુ ટ્યુશન ક્લાસીસ પ્રતિદિન જવાનું હોય ફરી વખત આ પ્રકારની હેરાનગતિ ન થાય તે માટે હિંમત રાખી આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.