કોમ્પિટિશન, પેપર લીક, પારિવારિક દબાણ…ને પછી આપઘાત:કોટામાં 6 મહિનામાં 14 સ્ટુડન્ટના સુસાઇડ, દેશમાં વિદ્યાર્થીઓની દયનીય સ્થિતિ; સપોર્ટ સિસ્ટમ ક્યારે બનશે મા-બાપ?
"હું સૌથી ખરાબ દીકરી છું", "સોરી મમ્મી પપ્પા, આ જ છેલ્લો વિકલ્પ છે", "સોરી પપ્પા હું JEE નહી કરી શકું"..."સોરી પપ્પા આ વખતે પણ હું સિલેક્ટ નહીં થઇ શકું"...."મમ્મી, પપ્પા, હું આ નહીં કરી શકુ"..."સોરી આ મારીથી નહીં થઈ શકે"... આ અંતિમ શબ્દો છે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના...મા-બાપ પેટે પાટા બાંધીને અને આશા-અપેક્ષાઓના ભાર સાથે બાળકોને કોચિંગ ફેક્ટરી તરીકે પ્રખ્યાત રાજસ્થાનના કોટા શહેરમાં ભવિષ્ય ઉજ્જવળ કરવાના ઇરાદે મોકલે છે. પરંતુ ખતરનાક કોમ્પિટિશન, વારંવાર થતા પેપર લીક અને પારિવારિક દબાણ હેઠળ હતાશા, નિરાશામાં ગરકાવ વિદ્યાર્થીઓ હિંમત હારી જાય છે અને કરી લે છે આપઘાત...જી...હા...રાજસ્થાનના કોટામાં આ વર્ષની શરૂઆતના 6 મહિનામાં 14 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. દુનિયાના સૌથી યુવા દેશમાં આ સ્થિતિ ખરેખર ચિંતાજનક છે. દેશમાં NEET વિવાદ ચરમ પર છે. વિદ્યાર્થીઓ વારંવાર થતા પેપર લીક અને NEETમાં થયેલા ધાંધિયાઓથી ત્રાહિમામ પોકારી ગયા છે. સરકાર પેપર લીક માફિયાઓના મૂળ સુધી પહોંચાડવાના પ્રયાસમાં છે, તો વિપક્ષ સરકારને આક્રમક રીતે ઘેરી રહ્યું છે. એક પછી એક પરીક્ષામાં વિવાદ થઇ રહ્યા છે અને વિદ્યાર્થીઓ હતાશ, નિરાશ થઇને આ તમાશો જોઇ રહ્યા છે. તેમને શું કરવું તેની કંઇ ખબર નથી. એક તરફ કેરિયર બનાવવાનું પ્રેશર તો બીજી તરફ આર્થિક, સામાજિક દબાણથી ત્રસ્ત વિદ્યાર્થીઓ ઇમોશનલી ભાગી પડ્યા છે. આખરે વિદ્યાર્થી જાય તો જાય ક્યાં...?, બેરોજગારીના સમયમાં સારૂ શિક્ષણ અને મેરિટ ના આવે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થઈ જાય છે. મેરિટ આવ્યા બાદ પણ લાખો રૂપિયાની ફી ક્યાંથી ભરવી તે યક્ષ પ્રશ્ન બની જાય છે. આ તમામ સમસ્યાઓની ચિંતા કર્યા વગર માતા-પિતા પોતાના બાળકના સારા ભવિષ્ય માટે તેમને કોમ્પિટિશનની તૈયારી કરાવવા માટે સારી ઇન્સ્ટિટ્યૂટમાં મોકલે છે, પછી ભલે ને ત્યાં લાખો રૂપિયાનો ખર્ચ થાય. માતા-પિતા અને ઘરની પરિસ્થિતિથી વાકેફ વિદ્યાર્થી જ્યારે પોતાના માતા-પિતા અને હરિફાઇમાં ટકી રહેવા જેટલું પરિણામ ન મેળવી શકે, ત્યારે હતાશ, નિરાશ વિદ્યાર્થી આ ફાની દુનિયાને અલવિદા કહેવાનું મન બનાવી લે છે. અને માતા-પિતાના ભાગમાં બાકી રહી જાય છે માત્ર આર્થિક પાયમાલી ને પોતાના વ્હાલસોયાનો વિયોગ... કોચિંગ સિટી તરીકે પ્રખ્યાત રાજસ્થાનનું કોટા શહેર ભલે ડોક્ટર-એન્જિનિયરો બનાવીને એક ઉદાહરણ સ્થાપિત કરી રહ્યું હોય. પરંતુ અહીંની ડાર્ક સાઇડે સમગ્ર દેશ સમક્ષ એક નવો સવાલ ઉભો કરી દીધો છે. આખરે વહીવટીતંત્રની તમામ વ્યવસ્થા છતાં અહીં મોતનું તાંડવ કેમ અટકતુ નથી? અહીંના વાતાવરણમાં એવું શું છે જે બાળકોને મૃત્યુ તરફ ધકેલી રહ્યું છે? આ અમે નહીં પણ આંકડા કહી રહ્યા છે. વર્ષ 2023માં લગભગ 29 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. 24 જાન્યુઆરીથી અત્યાર સુધી માંડ છ મહિના જ થયા છે, પરંતુ અત્યાર સુધીમાં 14 આત્મહત્યાના કિસ્સા નોંધાયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ ટ્રેન્ડ ચાલુ છે. અહીં મળતી સુસાઈડ નોટ્સ (મમ્મી, પપ્પા, હું આ નહીં કરી શકુ...) (સોરી આ મારીથી નહીં થઈ શકે...) નિરાશાથી ભરેલી હોય છે. આ હતાશા અને નિરાશા અહીંના સ્પર્ધાત્મક વાતાવરણમાંથી આવે છે કે પછી કંટાળીને અને ઘરથી દૂર એકલવાયા હોવાને કારણે હતાશા અને નિરાશા તેમને ઘેરી વળે છે કે પછી મા-બાપ અને સમાજમાં સફળ થવાનું દબાણ આ નિર્દોષોને મરવા માટે મજબૂર કરી રહ્યું છે. કારણો ગમે તે હોય, હવે આ વિષય પર ચર્ચા થવી જરૂરી છે. આ ટ્રેન્ડને રોકવો ખૂબ જ જરૂરી છે. ઉજ્જવળ ભવિષ્યની રાહમાં કોટામાં આવેલા એ વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સા પર સૌપ્રથમ નજર કરીએ... વર્ષના પ્રથમ મહિનાથી જ શરૂ થયો આત્મહત્યાનો સિલસિલો શિયાળાની એ ઠંડી સવારે, 24 જાન્યુઆરીના દિવસે કોટાથી વર્ષના પહેલા હૃદયદ્રાવક સમાચાર આવ્યા. ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી આવેલા મોહમ્મદ ઝૈદે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મોહમ્મદ માત્ર 19 વર્ષનો હતો. તે જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ન્યૂ રાજીવ ગાંધી નગર વિસ્તારમાં હોસ્ટેલમાં રહીને ભણતો હતો. NEETનો પહેલો અટેમ્પ્ટ તે આપી ચૂક્યો હતો અને બીજાની તૈયારી કરી રહ્યો હતો, પછી અચાનક સમાચાર આવ્યા કે ઝૈદે આત્મહત્યા કરી લીધી છે. આ પાછળનું કારણ કોઈ જાણતું નથી, પરંતુ તેના પરિવારના સભ્યો આ સવાલનો જવાબ હજુ પણ શોધી રહ્યા છે. 'હું સૌથી ખરાબ દીકરી છું' લખીને 18 વર્ષની નિહારિકાએ આત્મહત્યા કરી પ્રથમ આત્મહત્યાના ચાર દિવસ બાદ જ 29 જાન્યુઆરીએ નિહારિકા નામની વિદ્યાર્થીનીએ પોતાનો જીવ ખોઇ દીધો હતો. 2 દિવસ બાદ જ JEEની પરીક્ષા યોજાવાની હતી. નિહારિકા આ પરીક્ષામાં બેસવાની હતી પરંતુ તે પહેલા જ નિહારિકાએ પોતાના ઘરના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. નિહારિકા માત્ર 18 વર્ષની હતી. આત્મહત્યા કરતા પહેલા નિહારિકાએ એક સુસાઈડ નોટ લખી, જેને વાંચ્યા પછી બધાની આંખોમાં આંસુ હતા. જેમાં લખ્યું હતું, 'મમ્મી પાપા, હું JEE નથી કરી શકતી તેથી આત્મહત્યા કરી રહી છું, હું કારણ છું, હું સૌથી ખરાબ દીકરી છું, સોરી મમ્મી પપ્પા, આ જ છેલ્લો વિકલ્પ છે'. નૂર JEEની તૈયારી કરવા કોટા આવ્યો હતો
વર્ષના પ્રથમ મહિનામાં જ બે આત્મહત્યાના બનાવ બાદ વહીવટીતંત્ર વધુ સતર્ક બન્યું હતું. હોસ્ટેલ પીજી ઓપરેટર દરેક ક્ષણ પર નજર રાખી રહ્યા હતા. કાઉન્સેલિંગના તમામ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યા હતા, છતાં આવતા મહિનાની બીજી તારીખે એટલે કે ફેબ્રુઆરીની બીજી તારીખે જ એક બીજા છોકરાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. કોટા વિજ્ઞાન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 27 વર્ષના નૂર મોહમ્મદે પીજી રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. નૂર JEEની તૈયારી કરવા કોટા આવ્યો હતો અને 4 વર્ષથી B.Techનો ઓનલાઈન અભ્યાસ કરી રહ્યો હતો. વર્ષની શરૂઆતમાં બનેલા આ ત્રણ આત્મહત્યાના કિસ્સાઓએ દરેકના મનમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. આ પછી, કોટા વહીવટીતંત્રએ તમામ હોસ્ટેલ રૂમમાં પંખામાં હેંગિગ ડિવાઇસ, બાળકો સાથે વાત કરવી, કલેક્ટરનું વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જઇને મળવું જેવી પ્રવૃત્તિઓ હાથ ધરી. અનેક વિદ્યાર્થીઓએ પોલીસ ટીમ સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી અને તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું. કોટા પોલીસ તમામ પ્રયાસો કરી રહી હતી, ત્યાં નૂરના 10 દિવસ બાદ જ અન્ય એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. પરિણામની રાત્રે 17 વર્ષના શુભે આત્મહત્યા કરી
13 ફેબ્રુઆરીએ સમાચાર આવ્યા કે 17 વર્ષના શુભકુમાર ચૌધરીએ આત્મહત્યા કરી લીધી છે. તે છેલ્લા 2 વર્ષથી કોટામાં રહીને JEEની તૈયારી કરી રહ્યો હતો. શુભે આ વર્ષે JEEમાં પહેલો અટેમ્પટ કર્યો હતો, ત્યારબાદ પરિણામની રાત્રે તેણે પોતાનો જીવ લઈ લીધો. શુભના હોસ્ટેલના વોર્ડને કહ્યું કે, 'શુભ રાત્રે જ મળ્યો હતો અને મેં વાત પણ કરી હતી, મેં કહ્યું કે જમી લે પછી તેને કહ્યું કે પરિણામ આવવામાં હજુ સમય છે, પરિણામ આવ્યા પછી બધાં સાથે જમીશું. તેને રાત્રે ભોજન પણ ના લીધું, તેના પછી તેને પોતાના હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી. પરિવારજનોએ કોટા આવીને શોધ્યો પોતાના પુત્રનો મૃતદેહ
શુભની આત્મહત્યા પાછળનું કારણ પોલીસ શોધી જ રહી હતી કે એક અઠવાડિયા પછી જ 20 ફેબ્રુઆરીએ 16 વર્ષીય રચિતે સુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી. વિદ્યાર્થીની સુસાઈડ નોટ ખૂબ જ ડરામણી હતી. તેના પર લોહીના ડાઘાના સાથે વિદ્યાર્થીના મનની વાત લખી હતી. વિદ્યાર્થીનું પોતાની જાતને આવી રીતે ઇજા પહોંચાડવું અનેક સવાલો ઉભા કરે છે? વિદ્યાર્થીની નોટ જોઈને કોઈ તેને ગેમ ટાસ્ક ગણાવી રહ્યું હતું તો કોઈ તેને ડિપ્રેશનનું કારણ ગણાવી રહ્યું હતું. પરિવારના સભ્યો આંખોમાં આંસુ અને આશા સાથે છોકરાની રાહ જોઈ રહ્યા હતા અને 9 દિવસ બાદ તેનો મૃતદેહ મળ્યો. રચિતની શોધમાં પોલીસે ચંબલ નદીના ખૂણે-ખૂણા શોધી કાઢ્યા હતા, પરંતુ રચિતનો મૃતદેહ પહાડોમાં તેના પરિવારના સભ્યોને મળ્યો. સોરી પપ્પા હું JEE નહી કરી શકું...
8 માર્ચે સલ્ફાસ ખાઇને કોચિંગના વિદ્યાર્થી અભિષેક કુમારે આત્મહત્યા કરી લીધી. અભિષેક પણ માત્ર 16 વર્ષનો હતો. તે બિહારથી કોટામાં ભણવા આવ્યો હતો. વિદ્યાર્થી છેલ્લા એક વર્ષથી કોટાના વિજ્ઞાન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીજીમાં રહેતો હતો. પોલીસે જ્યારે તલાશી લીધી તો અભિષેકના રૂમમાંથી સલ્ફાસની બોટલ મળી. જ્યારે પોલીસે કોચિંગ ઈન્સ્ટિટ્યૂટનો સંપર્ક કર્યો તો તેમને જાણવા મળ્યું કે અભિષેક 29 જાન્યુઆરીએ પેપર આપવા પણ ગયો ન હતો અને 19 ફેબ્રુઆરીએ પણ તેનું પેપર હતું અને તે પણ આપવા નહોતો ગયો. અભિષેકે સુસાઈડ નોટ પણ રૂમમાં મૂકી હતી જેમાં લખ્યું હતું કે સોરી પપ્પા હું JEE નહીં કરી શકું. હોસ્ટેલના રૂમમાં આપઘાત
એક જ વર્ષમાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના ઘણા કેસ નોંધાયા હતા. પોલીસ ગુમ થયેલા વિદ્યાર્થીઓને શોધી રહી હતી. આ દરમિયાન 26 માર્ચે 20 વર્ષીય વિદ્યાર્થી ઉરુજ ખાને પણ આત્મહત્યા કરી લીધી. કોટામાં રહીને તે ખાનગી કોચિંગ સાથે NEETની તૈયારી કરી રહ્યો હતો. ઉરુજ ખાન યુપીના કન્નૌજનો રહેવાસી હતો, તેણે હોસ્ટેલના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. ઉરુજની આત્મહત્યાને એક અઠવાડિયું પણ નહોતું થયું, ત્યાં 28 માર્ચે 19 વર્ષની સૌમ્યાએ પણ આત્મહત્યા કરી લીધી. ઉરુજની જેમ સૌમ્યાએ પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. સિલેક્ટ ન થતાં વિદ્યાર્થીએ પોતાનો જીવ આપી દીધો
તેના એક મહિના પછી એટલે કે એપ્રિલના અંતમાં 2 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. 29 એપ્રિલે 20 વર્ષીય કોચિંગ સ્ટુડન્ટ સુમિતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી. સુમિત હરિયાણાનો રહેવાસી હતો અને કુન્હાડી લેન્ડમાર્ક સિટી સ્થિત હોસ્ટેલમાં રહીને મેડિકલની તૈયારી કરતો હતો. 30 એપ્રિલે 20 વર્ષીય ભરત રાજપૂતે પણ પોતાનો જીવ લઇ લીધો. ભરત ધોલપુરનો રહેવાસી હતો અને કોટામાં NEETની તૈયારી કરી રહ્યો હતો. ભરત તેના ભત્રીજા રોહિત સાથે તાલમંડી પ્રાઈવેટ સેક્ટરમાં પીજીમાં રહેતો હતો. પોલીસને ભરતના રૂમમાંથી બે લીટીની સુસાઈડ નોટ પણ મળી હતી, જેમાં લખ્યું હતું કે "સોરી પપ્પા આ વખતે પણ હું સિલેક્ટ નહીં થઇ શકું." ભરતના ભત્રીજા રોહિતે જણાવ્યું કે ભરત પહેલા પણ બે વખત તૈયારી કરી ચૂક્યો છે, પરંતુ તેનું સિલેક્શન થયું નથી. 5 મેએ તેની NEETની પરીક્ષા હતી અને તે પહેલા તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. વર્ષ 2024ના 6 મહિનામાં જ આત્મહત્યાના ઘણા કેસ
ગયા મહિને જૂનમાં કોટામાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના ત્રણ કેસ નોંધાયા હતા. 6 જૂને વિદ્યાર્થી બાગીશાએ બિલ્ડિંગના નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. મધ્યપ્રદેશના રીવાની રહેવાસી બાગીશા તિવારી NEET પરીક્ષાના પરિણામ બાદથી તણાવમાં હતી. બાગીશા તેના ભાઈ અને માતા સાથે કોટાના જવાહર નગર વિસ્તારમાં રહેતી હતી. આ પછી 16 જૂને 17 વર્ષના આયુષે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. આયુષ બિહારના ચંપારણ જિલ્લાનો રહેવાસી હતો, કોટામાં રહીને JEEની તૈયારી કરતો હતો. વિદ્યાર્થીએ પોતાના જ રૂમની સ્કાયલાઈટમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. વર્ષ 2024ને 6 મહિના જ થયા છે અને આત્મહત્યાના ઘણા કેસ નોંધાઈ ચૂક્યા છે. અન્ય 2 વિદ્યાર્થીઓએ મોત વ્હાલુ કર્યું
27 જૂને બિહારના ભાગલપુરમાં રહેતા 17 વર્ષના વિદ્યાર્થી ઋષિત સાદેએ પોતાનો જીવ લીધો. તે 12માની સાથે કોટામાં રહીને NEETની તૈયારી કરી રહ્યો હતો. ઋષિતનું મૃત્યુ હજુ પણ રહસ્ય જ છે, મરતા પહેલા ઋષિતે કોઈ સુસાઈડ નોટ પણ લખી ન હતી અને 4 જુલાઈએ કોટાના મહાવીર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોચિંગના અન્ય એક વિદ્યાર્થીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી, મૃતક વિદ્યાર્થી 16 વર્ષનો સંદીપ બિહારના નાલંદાનો રહેવાસી હતો અને મહાવીર નગર સેકન્ડ સ્થિત તેના પીજીમાં રહીને JEEની તૈયારી કરી રહ્યો હતો. માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને ન્યૂ મેડિકલ કોલેજ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં પહોંચાડ્યો. હાલમાં મહાવીર નગર પોલીસ સ્ટેશન સમગ્ર કેસની તપાસ કરી રહી છે. માત્ર પરીક્ષા પાસ કરવી એ જ જીવનનું લક્ષ્ય નથી
અહીં અમે આ આંકડાઓ અને ઘટનાઓને એકસાથે એટલા માટે આપી રહ્યા છીએ કે એક સમાજ, પરિવાર અને જવાબદાર નાગરિક તરીકે આપણે પરિસ્થિતિને સમજીએ. શું ક્યાંક આપણે આપણાં બાળકો પાસેથી નાની ઉંમરે એટલી બધી અપેક્ષાઓ તો નથી રાખી લીધી કે તેઓ તેના ભાર નીચે દબાયેલા મહેસૂસ કરે. શું આપણે આપણા બાળકોની હતાશા અને નિરાશાને સમજી શકીએ છીએ? આ પરિસ્થિતિઓને બદલવા માટે એક સમાજ તરીકે આપણે પણ આપણી જાતને બદલવી પડશે. આ 17-18 વર્ષના બાળકોએ પણ સમજવું પડશે કે માત્ર પરીક્ષા પાસ કરવી એ જ તેમના જીવનનું લક્ષ્ય નથી. આ દુનિયા સંભાવનાઓથી ભરેલી છે. આપણે ફક્ત વિચારતા શીખવું પડશે. વિદ્યાર્થીઓની તકેદારી અને સુરક્ષા માટે વહીવટીતંત્ર સક્રિય
એક બાદ એક વિદ્યાર્થીના આત્મહત્યાના કિસ્સા બાદ હવે વહીવટીતંત્ર પણ સક્રિય થયું છે. કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ, એડમિનિસ્ટ્રેશન અને સ્ટુડન્ટ્સ વેલફેર સોસાયટી સાથે જોડાયેલા લોકોના જણાવ્યા અનુસાર કોટામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને હંમેશા તકેદારી રાખવામાં આવી રહી છે. આ વખતે પણ વધુ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોટામાં વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગ માટે પોલીસ, વહીવટીતંત્ર અને કોચિંગ દ્વારા 24 કલાક હેલ્પલાઇન ચલાવવામાં આવે છે. દરેક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં મનોવૈજ્ઞાનિકો અને કાઉન્સેલર્સ તૈનાત કરવામાં આવ્યા છે. યોગ સત્રો યોજવામાં આવે છે. કોટામાં તમામ હોસ્ટેલ-પીજી અને કોચિંગ સ્ટાફને ગેટકીપરની તાલીમ આપવામાં આવી છે જે બાળકની માનસિક સ્થિતિને સમજવામાં મદદ કરે છે. વાલીઓનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. મેન્ટર સિસ્ટમ પણ અમલમાં છે. છાત્રાલયો અને પીજીમાં પણ એન્ટી હેંગિંગ ઉપકરણો લગાવવામાં આવી રહ્યા છે. મોટાભાગની હોસ્ટેલમાં આ લગાવવામાં આવ્યા છે. જે નથી લગાવતા તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હોસ્ટેલ-પીજી માલિકોને ખાસ સાવધાની રાખવા સૂચના આપવામાં આવી રહી છે. માર્ગદર્શિકા ઉપરાંત તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી બાળકને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેનું નિરાકરણ લાવી શકાય. આત્મહત્યાના કિસ્સાઓને રોકવા માટે પોલીસની નવી પહેલ
કોચિંગ સેન્ટરોમાં ભણતા વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સાઓને રોકવા માટે પોલીસે એક નવી પહેલ કરી છે. કોટા પોલીસે મેટા 'મેટાસ્કિમા ટેગિંગ અને એસ્કેમા' સાથે સહયોગ કર્યો છે. હવે જો કોઈ વ્યક્તિ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર તણાવ, આત્મહત્યાના ઈરાદા અથવા સ્વ-નુકસાન વ્યક્ત કરતા મેસેજ, ફોટા, વીડિયો જેવી કંઈપણ પોસ્ટ કરે છે, તો મેટા તરત જ તેના અલ્ગોરિધમમાં તેને ફ્લેગ કરશે. આ માહિતી તરત જ કોટા પોલીસ સાથે શેર કરવામાં આવશે. પોલીસ તરત જ એલર્ટ થઈને તે વ્યક્તિ સુધી પહોંચશે. આત્મહત્યા કરવા જતા વિદ્યાર્થીઓનો જીવ બચાવી લેવાશે
પોલીસને માહિતીમાં પોસ્ટ કરેલી સામગ્રી અને વ્યક્તિની તકનીકી વિગતો મળશે. પોલીસ આ માહિતી સમગ્ર રાજ્યમાં સંબંધિત જિલ્લાની પોલીસ સાથે શેર કરશે. જિલ્લા પોલીસની ટીમ ઘટનાસ્થળે જશે અને વ્યક્તિને આત્મહત્યા કરતા અટકાવશે અને પરિવારના સભ્યોને એલર્ટ કરશે. તમને જણાવી દઈએ કે કોટા પોલીસે આ સેવાઓ મેળવવાની શરૂઆત કરી તે દરમિયાન ઝુનઝુનુના એક વિદ્યાર્થીએ આત્મહત્યાને લઈને કંઈક પોસ્ટ કર્યું હતું, જેની માહિતી કોટા સિટી પોલીસને મળી હતી. આના પર કોટા પોલીસે આ જાણકારી ઝુનઝુનુના એસપીને આપી. આ પછી, ઝુનઝુનુ એસપીના નિર્દેશ પર સ્થાનિક પોલીસે પોસ્ટ કરનાર વિદ્યાર્થીને આત્મહત્યા કરતા અટકાવ્યો. પોલીસે તેના પરિવારજનો સાથે પણ વાત કરી હતી. કોટાના અભય કમાન્ડ સેન્ટરમાં 8 કલાક કામ કરવા માટે પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી છે. કોટા પોલીસ રાજ્યમાં આ મોડલ ચલાવી રહી છે. મેટા કંપની દ્વારા કોટા પોલીસને આપવામાં આવેલા મેઇલ અથવા માહિતી પર નજર રાખવા માટે 24 કલાકની ટીમ તૈનાત કરવામાં આવી છે. કમિટીએ આપઘાતના કારણો આપ્યા હતા વાત થઇ આત્મહત્યાના હૃદયદ્રાવક કિસ્સા અને તેને અટકાવવા માટે કોટા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતા પ્રયાસોની...પણ હવે એ પણ જાણીએ કે રાજસ્થાનનું આ નાનું એવું શહેર દેશભરમાં કોમ્પિટિશનની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેમ બન્યું છે. રાજસ્થાનનું નાનું શહેર કોટા સમગ્ર દેશમાં IIT અને મેડિકલ પ્રવેશ પરીક્ષાની તૈયારીનું કેન્દ્ર બની ગયું છે. દર વર્ષે લાખો બાળકો પરીક્ષાની તૈયારી કરવા અહીં આવે છે. બાળકોની મોટી સંખ્યાની સાથે કોટામાં કોચિંગનો બિઝનેસ પણ હજારો કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. કોટામાં નાની અને મોટી સહિત 150થી વધુ કોચિંગ સંસ્થાઓ છે. તેઓ NEET અને JEE માટેની તૈયારી કરાવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દર વર્ષે NEET, UG અને JEEની તૈયારી કરવા માટે 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ જુલાઈ અને જાન્યુઆરી વચ્ચે કોટા આવે છે. કોટામાં કોચિંગ બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે. જેના કારણે શહેરની અર્થવ્યવસ્થાને પણ વેગ મળ્યો છે. જેના કારણે સરકારને પણ દર વર્ષે સારો ટેક્સ મળી રહ્યો છે. કોચિંગ સેન્ટરો રોજગારનું પણ સૌથી મોટું હબ બની ગયા છે. ચાલો તમને જણાવીએ કે આજે કોટામાં કોચિંગનો બિઝનેસ કેટલો મોટો છે. તેની શરૂઆત કેવી રીતે થઈ? 5 હજાર કરોડનો બિઝનેસ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે રાજસ્થાનના કોટામાં કોચિંગ બિઝનેસ 5 હજાર કરોડ રૂપિયાથી વધુનો થઈ ગયો છે. કોટામાં કોચિંગ સેન્ટરોની વાર્ષિક ફી 40 હજારથી 1.5 લાખ રૂપિયા સુધીની છે. અહીં છ મોટી કોચિંગ સંસ્થાઓ છે. તેમની વચ્ચે 5 હજારથી વધુ ફૂલ ટાઇમ વિદ્યાર્થીઓ છે. સમગ્ર દેશમાં JEE અને NEETની તૈયારી માટે કોટાની કોચિંગ સંસ્થાઓ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેને કોટા ફેક્ટરી અથવા કોટા જંકશન તરીકે પણ ઓળખવામાં આવે છે. યુપી, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, ઓડિશા સહિતના ઘણા રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અહીં મેડિકલ અને એન્જિનિયરિંગની તૈયારી માટે આવે છે. સરકારને મળે છે ટેક્સ
રિપોર્ટ અનુસાર, રાજ્ય સરકાર કોટા કોચિંગ ઇન્ડસ્ટ્રીમાંથી દર વર્ષે લગભગ 700 કરોડ રૂપિયાનો ટેક્સ મેળવે છે. કોટા કોચિંગ સેન્ટર રોજગારનું પણ સૌથી મોટું હબ છે. અહીંના કોચિંગ સેન્ટરોમાં બે લાખથી વધુ નોકરીઓનું સર્જન થયું છે. લોકોને રોજગારની સાથે કોટાની કોચિંગમાં સારો પગાર પણ મળી રહ્યો છે. કોટા આવી રીતે બન્યું કોચિંગ સેન્ટર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 1991માં અહીં માત્ર થોડા કોચિંગ ક્લાસ ચાલતા હતા. આ સમયગાળા દરમિયાન એક કોચિંગના 10 વિદ્યાર્થીઓ IITમાં પસંદગી પામ્યા. આ પછી, આવતા વર્ષે 50 વિદ્યાર્થીઓ IITમાં પસંદ થયા. આ પછી કાફલો આગળ વધવા લાગ્યો. વર્ષ 2015 સુધીમાં કોટામાં કોચિંગ બિઝનેસ હજાર કરોડ રૂપિયાનો થઈ ગયો હતો. રિયલ એસ્ટેટમાં પણ તેજી
કોચિંગની સાથે રિયલ એસ્ટેટ બિઝનેસ પણ કોટામાં સતત વધી રહ્યો છે. શહેરમાં હોસ્ટેલની સંખ્યા સતત વધી રહી છે. સમગ્ર કોટા શહેરમાં છાત્રાલયોની સંખ્યા અંગે હાલમાં કોઈ નક્કર ડેટા ઉપલબ્ધ નથી. અહીં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઘરોમાં પેઇંગ ગેસ્ટ તરીકે પણ રહે છે. કોચિંગે શહેરનો ચહેરો સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. હોટેલ સંચાલકોથી માંડીને સુથાર, પેઇન્ટર અને ઓટોરિક્ષાચાલકો સુધીની સ્થિતિ સુધરી છે. કોટા શહેરની સમગ્ર અર્થવ્યવસ્થા કોચિંગ પર નિર્ભર છે. કપડાં અને પુસ્તકોનું મોટું બજાર
કોચિંગ હબ હોવા ઉપરાંત કોટા પુસ્તકોનું પણ મોટું બજાર છે. અહેવાલો દર્શાવે છે કે દર વર્ષે વિદ્યાર્થીઓ અહીં લગભગ 50થી 60 લાખ પુસ્તકો ખરીદે છે. દરેક વિદ્યાર્થી પુસ્તકો અને સ્ટેશનરી પાછળ 10,000 રૂપિયા ખર્ચે છે. વિદ્યાર્થીઓને અહીં યુનિફોર્મ પણ ખરીદવો પડે છે. અહીં તેનું પણ મોટું માર્કેટ છે. ખાવા-પીવાનો પણ ખર્ચ
કોટામાં રહેતા વિદ્યાર્થીઓને ખાવા-પીવામાં પણ ઘણો ખર્ચ કરવો પડે છે. અહીં ભાડે રહેતા વિદ્યાર્થીઓ ભોજન પાછળ દર વર્ષે 50 હજાર રૂપિયા ખર્ચે છે. વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ પાછળ પણ રોજના 50 રૂપિયા ખર્ચવા પડે છે. અહીં વિદ્યાર્થીઓ દર વર્ષે ઘણી નવી સાયકલ પણ ખરીદે છે. કોચિંગ સેન્ટર કોટા હવે વાત એ NEET કૌભાંડ અને છેલ્લા 5 વર્ષમાં થયેલા 56 પેપર લીકની જેને વિદ્યાર્થીઓને હતાશ અને નિરાશ કરી દીધા. છેલ્લા 1 મહિનામાં NTAની ત્રણ મોટી પરીક્ષા રદ અથવા સ્થગિત
નેશનલ ટેસ્ટિંગ એજન્સી NEET જેવી 15 રાષ્ટ્રીય સ્તરની ભરતી પરીક્ષાઓનું આયોજન કરે છે. જોકે NEET અનિયમિતતાના વિવાદથી એજન્સીએ છેલ્લા 1 મહિનામાં UGC-NET સહિત 3 મોટી પરીક્ષાઓ રદ કરવી અથવા મુલતવી રાખવી પડી છે, જેના કારણે તેની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. 1. નેશનલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ
12 જૂને બપોરે પરીક્ષા, સાંજે રદ.
29,000 વિદ્યાર્થીએ ઓનલાઈન મોડમાં પરીક્ષા આપી.
આ પરીક્ષા 4-વર્ષના ઈન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામમાં પ્રવેશ માટે છે.
કારણ: વિદ્યાર્થીઓ દોઢ કલાક સુધી લોગ ઇન કરી શક્યા ન હતા. NTAએ ટેક્નિકલ ખામીને કારણે પરીક્ષા રદ કરી હતી. નવી તારીખ જાહેર નથી કરી. 2. UGC-NET
18મી જૂને પરીક્ષા, 19મી જૂને રદ.
દેશભરમાંથી 9,08,580 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.
સફળ ઉમેદવારો આસિસ્ટન્ટ પ્રોફેસર, જુનિયર રિસર્ચ ફેલોશિપ માટે પાત્ર હોય છે.
કારણ: શિક્ષણમંત્રીએ કહ્યું- ટેલિગ્રામ પર ફોર્મ આવ્યું હતું. મૂળ ફોર્મ સાથે સરખામણી કરવામાં આવી ત્યારે એ મેળ ખાતી હતી, તેથી એને રદ કરવી પડી હતી. 3. CSIR-UGC-NET
25 જૂને પરીક્ષા, 21 જૂને મુલતવી
2 લાખથી વધુ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન.
ઉમેદવારો જુનિયર રિસર્ચ ફેલોશિપ, લેક્ચરશિપ/આસિસ્ટન્ટ પ્રોફેસરશિપ માટે પાત્ર હોય છે.
કારણ: NTAએ પરીક્ષાને મુલતવી રાખવા માટે અનિવાર્ય સંજોગો અને લોજિસ્ટિક્સ મુદ્દાઓને કારણભૂત ગણાવ્યા. ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં જે પેપર લીક થયા છે તેમાંથી 45 પરીક્ષાઓ સરકારી વિભાગોમાં અલગ-અલગ જગ્યાઓ પર ભરતી માટે હતી. આમાંથી ઓછામાં ઓછી 27 પરીક્ષાઓ કાં તો રદ કરવામાં આવી અથવા મુલતવી રાખવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ પેપર લીક થયા હતા, જ્યાં 8 કેસ નોંધાયા હતા. આ પછી રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં 7-7 પેપર લીક થયા હતા. બિહારમાં 6, ગુજરાત અને મધ્યપ્રદેશમાં 4-4 પેપર લીક થયા છે. માત્ર NEET UG જ નહીં, 2019થી અત્યાર સુધીમાં ભારતના 19 રાજ્યોમાં ઓછામાં ઓછી 65 મોટી પરીક્ષાઓના પેપર લીક થયા છે. આ એવા કિસ્સાઓ છે જેમાં કાં તો એફઆઈઆર નોંધવામાં આવી છે, લોકોની ધરપકડ કરવામાં આવી છે અથવા પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. માત્ર NEET જ નહીં, આ પેપર પણ લીક થયા
NEET UG ઉપરાંત દેશભરમાં યોજાનારી ચાર મુખ્ય પરીક્ષાઓના પેપર પણ લીક થયા છે. તેમાં 2021માં ભારતીય સેનાની ભરતી માટેની સામાન્ય પ્રવેશ પરીક્ષા, 2023ની કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરીક્ષા (CTET), 2021ની NEET અને 2021ની સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) મેન્સ અને NEET 2024નો સમાવેશ થાય છે. કયા રાજ્યમાં કેટલા પેપર લીક થયા?
સૌથી વધુ પેપર લીક ઉત્તર પ્રદેશમાં થયા, જ્યાં 8 કેસ નોંધાયા હતા. આ પછી રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં 7-7 પેપર લીક થયા હતા. બિહારમાં 6, ગુજરાત અને મધ્યપ્રદેશમાં 4-4 પેપર લીક થયા હતા. 1 જાન્યુઆરી, 2019થી 25 જૂન, 2024ની વચ્ચે હરિયાણા, કર્ણાટક, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ત્રણ-ત્રણ પેપર લીક થયા હતા. દિલ્હી, મણિપુર અને તેલંગાણામાં બે-બે વખત પેપર લીક થયા હતા. જ્યારે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ અને નાગાલેન્ડમાં એક-એક વખત પેપર લીક થયું હતું. સરકારી નોકરીઓ માટે કૌભાંડ
જે પેપર લીક થયા છે તેમાંથી 45 પરીક્ષાઓ સરકારી વિભાગોમાં વિવિધ જગ્યાઓ પર ભરતી માટે હતી. આમાંથી ઓછામાં ઓછી 27 પરીક્ષાઓ કાં તો રદ કરવામાં આવી હતી અથવા મુલતવી રાખવામાં આવી હતી. એકંદરે, 17 પેપર લીક બિન-સરકારી ભરતી અથવા રાજ્ય બોર્ડ અને યુનિવર્સિટીઓની પરીક્ષાઓ સાથે સંબંધિત હતા. અંદાજ લગાવો કે માત્ર પેપર લીક થવાને કારણે કેટલી સરકારી નોકરીઓ રદ થઈ હશે. આ સમયગાળા દરમિયાન ત્રણ લાખથી વધુ સરકારી જગ્યાઓ પર ભરતી માટેની પરીક્ષાઓ રદ કરવી પડી હતી. કઇ ભરતી પરીક્ષામાં પેપર લીક થયું હતું?
રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ, આસામ, રાજસ્થાન, કર્ણાટક અને જમ્મુ-કાશ્મીરમાં પોલીસ ભરતી પરીક્ષા, ઉત્તરાખંડમાં ફોરેસ્ટ ભરતી પરીક્ષા અને તેલંગાણા, ગુજરાત અને રાજસ્થાનમાં જુનિયર એન્જિનિયરની ભરતી પરીક્ષા જેવી પરીક્ષાઓમાં પેપર લીક થયા હતા. વર્ષે 10 હજાર વિદ્યાર્થીનો આપઘાત, માતા-પિતા કેવી રીતે બની શકે સપોર્ટ સિસ્ટમ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના રિપોર્ટ અનુસાર, 2022માં ભારતમાં 13,000થી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી, જેમાં 7.6% વિદ્યાર્થીઓ હતા. 18 વર્ષથી ઓછી ઉંમરના 1,123 વિદ્યાર્થીની આત્મહત્યાનું કારણ પરીક્ષામાં નાપાસ થવું હતું, જેમાં 578 છોકરીઓ અને 575 છોકરા હતાં. બાળકોએ પરીક્ષા અને પરિણામના પ્રેશરનો કેવી રીતે સામનો કરવો જોઈએ?
એવાં સેંકડો બાળકો છે, જેઓ પરીક્ષાના પ્રેશરને કારણે તણાવ અથવા હતાશામાંથી પસાર થઈ રહ્યાં છે. સ્ટ્રેસનો સામનો કરવા માટે યોગ્ય સલાહ અને માર્ગ ન મળવો પણ એક કારણ માનવામાં આવે છે. ઘણીવાર બાળકો ખોટાં ધ્યેયો નક્કી કરે છે, જેમ કે એકસાથે અનેક વિષયો કે પ્રકરણો વાંચવાં. જ્યારે તેઓ એને પૂર્ણ કરી શકતા નથી ત્યારે તેઓ તણાવ અનુભવવા લાગે છે. સૌપ્રથમ તેમણે કેટલીક સરળ પદ્ધતિઓ અપનાવવી જોઈએ, જેથી તેઓ પરીક્ષાના પ્રેશરનો સામનો કરી શકે... માતા-પિતા બાળકોના સાચા મિત્રો બને છે, તેમને ભાવનાત્મક ટેકો આપે છે
બાળકો જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય ત્યારે માતા-પિતાનો સહયોગ ખૂબ જ જરૂરી છે. તેઓ તેમનાં બાળકોને અભ્યાસના તણાવને દૂર કરવામાં વધુ સારી રીતે મદદ કરી શકે છે, કારણ કે બાળકોને માતા-પિતા કરતાં વધુ સારી રીતે બીજું કોઈ સમજી ન શકે. હવે આખરે વારંવાર પેપર લીક અને સ્ટુડન્ટના વધતા આત્મહત્યાના કિસ્સાને ધ્યાનમાં રાખીને સરકાર પણ સક્રિય થઇ છે. દેશમાં પેપર લીક વિરોધી કાયદો અમલમાં
NEET અને UGC-NET જેવી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ વચ્ચે દેશમાં પેપર લીક વિરોધી કાયદો, એટલે કે પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024 અમલમાં આવ્યો છે. કેન્દ્રએ શુક્રવારે (21 જૂન) મધ્યરાત્રિએ તેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. આ કાયદો ભરતી પરીક્ષાઓમાં છેતરપિંડી અને અન્ય ગેરરીતિઓને રોકવા માટે લાવવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ પેપર લીક કરવા અથવા ઉત્તરપત્ર સાથે ચેડાં કરવા પર ઓછામાં ઓછી 3 વર્ષની જેલની સજા થશે. આને ₹10 લાખ સુધીના દંડ સાથે પાંચ વર્ષ સુધી લંબાવી શકાય છે. જો પરીક્ષા યોજવા માટે નિયુક્ત સેવા પ્રદાતા દોષિત ઠરશે તો તેને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. જો સેવા પ્રદાતા ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હશે, તો પરીક્ષાનો ખર્ચ તેની પાસેથી વસૂલવામાં આવશે. આ કાયદો લાવવાનો નિર્ણય એક મોટું પગલું છે. આ કાયદા પહેલા, કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓ પાસે પરીક્ષામાં ગેરરીતિ સંબંધિત ગુનાઓનો સામનો કરવા માટે કોઈ અલગ નક્કર કાયદો નહોતો. વાંચો કેન્દ્ર સરકારનું નોટિફિકેશન રાષ્ટ્રપતિ મુર્મુએ 12 ફેબ્રુઆરીએ કાયદાને મંજૂરી આપી હતી
પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) કાયદો 6 ફેબ્રુઆરીએ લોકસભા અને 9 ફેબ્રુઆરીએ રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 12 ફેબ્રુઆરીએ બિલને મંજૂરી આપી અને એને કાયદામાં ફેરવી દીધું. આ કાયદો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC), સ્ટાફ સિલેક્શન કમિશન (SSC), રેલવે, બેંકિંગ ભરતી પરીક્ષાઓ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવતી તમામ કોમ્પ્યુટર-આધારિત પરીક્ષાઓને આવરી લેશે. આ પ્રકારની ગરબડને માનવામાં આવશે અપરાધ પરીક્ષા કેન્દ્ર 4 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે
જો પરીક્ષા કેન્દ્ર કોઈપણ ગેરરીતિમાં સંડોવાયેલું જણાશે તો તે કેન્દ્રને 4 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે, એટલે કે કેન્દ્રને આગામી 4 વર્ષ સુધી કોઈપણ સરકારી પરીક્ષા લેવાનો અધિકાર નહીં હોય. પરીક્ષા કેન્દ્રમાં દરેકને પ્રવેશ મળશે નહીં
આ કાયદો સંગઠિત ગેંગ, માફિયાઓ અને આવી ગતિવિધિઓમાં સંકળાયેલા લોકો પર કાર્યવાહી કરવા માટે લાવવામાં આવ્યો છે. આ સાથે જો સરકારી અધિકારીઓ પણ આમાં સંડોવાયેલા જોવા મળશે તો તેઓ પણ ગુનેગાર ગણાશે. જાહેર પરીક્ષા કે તેને લગતું કામ આપવામાં આવ્યું ન હોય તેવી કોઈપણ વ્યક્તિને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.